Page Views: 11585

અનોખા સંગીતકાર ઓ.પી. નૈય્યર

સ્વર કિન્નરી લત્તા મંગેશકર પાસે ગીત નહીં ગવરાવવાનો રેકોર્ડ ઓ પી નૈયરના નામે છે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિન્દી ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર ઓ. પી. નૈય્યરનો આજે ૯૪મો જન્મ દિન. ૧૬ જાન્યુઆરી, ૧૯૨૬ના રોજ લાહોરમાં તેમનો જન્મ થયો હતો.ગીતા દત્ત, શમશાદ બેગમ અને આશા ભોસલે તથા મોહમ્મદ રફી અને મહેન્દ્ર કપૂર પાસે તેમણે યાદગાર ગીતો ગવડાવ્યા હતાં. લતા મંગેશકર પાસે ગીતો ન ગવડાવવાનો વિક્રમ પણ આ મહાન સંગીતકાર ધરાવે છે. તેમના ગીતો સાંભળતા શ્રોતાઓના પગ થીરકવા માંડતા. ખાસ કરીને ઘોડા ગાડીના તાલ સાથે ગીતો બનાવનાર સંગીતકાર રૂપે પણ ઓપી હંમેશા યાદ કરાશે.

નૈય્યર દાદાનો જન્મ લાહોરમાં ૧૬ જાન્યુઆરી ૧૯૨૬ના રોજ થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ‘કનીઝ’ (૧૯૪૯)નું બેકગ્રાઉન્ડ સંગીત આપીને કરી હતી. ગુજરાતી નિર્માતા દલસુખ પંચોલીએ તેમને ‘આસમાન’ (૧૯૫૨)માં સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલી તક આપી હતી. ત્યાર બાદ તેમણે ‘છમ છમા છમ’ અને ‘બાઝ’માં સંગીત આપ્યું. જાણીતા નિર્માતા-નિર્દેશક-અભિનેતા ગુરુ દત્તે ઓપી ને તેમની ફિલ્મોમાં સંગીતની તક આપી અને ઓપી એ તેમને નિરાશ નહીં કર્યાં. તેઓની ‘આરપાર’, ‘મી. એન્ડ મીસીસ ૫૫’ તથા ‘સીઆઈડી’ હીટ રહી. તેમાંય શમશાદ બેગમ, ગીતા દત્ત અને મોહમદ રફીના ગીતો લોકપ્રિય થયાં. જ્હોની વોકર જેમાં હીરો બનવાના હતા તે ફિલ્મ ‘જ્હોની વોકર’ના દિગ્દર્શક વેદ મોહનની ઈચ્છા હતી કે ફિલ્મનું સંગીત ઓપી નૈય્યર આપે. નૈય્યર સાહેબની બહુ ઈચ્છા નહોતી. ના પાડવાના આશયથી નૈય્યરે મજાકમાં લેટેસ્ટ કેડીલેક લિમોઝીન કાર ફી રૂપે માંગી હતી. એવું માનીને કે વેદ મોહન એ માંગણી કદી પૂરી નહિ કરી શકે. પણ નૈય્યર સાહેબના આશ્ચર્ય વચ્ચે વેદ મોહને એ કાર નૈય્યરના દરવાજે મોકલી આપી હતી. હવે નૈય્યર સાહેબથી પાછા ફરાય તેમ નહોતું. તેમણે ‘જ્હોની વોકર’ માટે સંગીત આપ્યું. ૧૯૫૭માં ફિલ્માલયે નવા યુવાન દિગ્દર્શક નસીર હુસૈન આપ્યાં, જેમને તેમની નવી જોડી શમ્મીકપૂર અને અમિતા માટે જોઈતા હતાં એવા સંગીતકાર જે રોમાન્ટિક ગીતો આપી શકે. ઓ પી નૈય્યરે ફરીવાર કમાલ બતાવી અને ‘તુમસા નહીં દેખા’ માટે એવું હીટ સંગીત આપ્યું કે નૈય્યર લાઈમલાઈટમાં આવી ગયા. રફી અને આશા સાથે નસીર હુસૈનની ‘ફિર વોહી દિલ લાયા હું’ માં નૈય્યરનું સંગીત એવું સરસ રહ્યું કે આખો દેશ એ ગીતો ગાતો હતો.૧૯૫૦ના દાયકામાં આકાશવાણીને ઓ પી ના ગીતો બહુ ‘ટ્રેન્ડી’ લાગતાં હતાં. તેમણે નૈય્યરના ગીતો પર બાન મુક્યો. ત્યારે નૈય્યરના ગીતો સાંભળવા માટે લોકો રેડીઓ સિલોન સંભાળતા થયાં અને તેમાં રેડીઓ સિલોન ખુબ લોકપ્રિય થઇ ગયું. એક કિસ્સો જુઓ, ફિલ્મ ‘બહારે ફિર ભી આયેગી’નું ગીત ‘આપકે હસીન રુખ’ રેકોર્ડ કરાવવાનું હતું પણ ઘણાં સંગીત વાદકો સમયસર પહોચ્યાં નહોતાં. સમયના પાબંદ નૈય્યર સાહેબે તે બધાંને ના પાડી દીધી અને જેટલા વાદકો આવ્યાં હતાં, તેટલાથી જ ગીત રેકોર્ડ કર્યું. આ ગીત તેની સાદગીથી વધુ કર્ણપ્રિય લાગે છે. મધુબાલા, વૈજયંતીમાલા, માલા સિન્હા,  આશા પારેખ કે શર્મિલા ટાગોરે પડદા પર ઓપીના ગીતો ગાયા.૧૯૭૪માં ઓપી અને આશા ભોસલે છુટા પડ્યા. ત્યાર બાદ, નૈય્યરે દિલરાજ કૌર, અલકા યાજ્ઞિક, ક્રિશ્ના કલ્લે, વાણી જયરામ કે કવિતા કૃષ્ણમૂર્તિ પાસે પણ ગીતો ગવડાવ્યાંપણ સમય બદલાઈ ચુક્યો હતો.ઓપી ને રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચન કે સંજીવ કુમાર, શશી કપૂર કે જીતેન્દ્રની ફિલ્મોમાં સંગીત આપવાનો મોકો નહીં મળ્યો. તેજ રીતે ત્યારની જાણીતી અભિનેત્રીઓ હેમા માલિની, રાખી કે ઝીનત અમાનની ફિલ્મોમાં પણ નૈય્યર સાહેબનું સંગીત ન આવ્યું. તેમના નિવૃત્તિકાળમાં ઓપી ખુબ ઓછા અને પસંદગીના લોકો સાથે જ સંપર્કમાં રહ્યાં હતા. ગજેન્દ્ર સિંઘ અને અહમદ વાસી તેમાંના હતાં. ગજેન્દ્ર સિંઘે તેમના ટીવી શો ‘સા રે ગા મા’ માટે ઓપીને જજ તરીકે હાજર કર્યાં હતા. તેમના નિધનના થોડા વર્ષ પહેલાં, ઓપીને તેમના પરિવાર સાથે અનબન થઇ હતી. તેઓ પોતાનું મરીન ડ્રાઈવનું ઘર છોડીને છેક વિરાર એક મિત્રને ઘરે રહેતા હતા. તેમના મૃત્યુના એક માસ પહેલાં નૈય્યર સાબ વધુ એક મિત્રના ઘરે થાણેમાં રહ્યા હતા.૨૮ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ હૃદય રોગના હુમલાને કારણે ઓપી નૈય્યર આ ફાની દુનિયાને છોડીને ગયા.ઓ પી નૈય્યરના જાણીતા ગીતો: બાબુજી ધીરે ચલના – આરપાર, જાને કહાં મેરા જીગર – મિ. એન્ડ મીસીસ ૫૫, ગરીબ જાનકર – છૂમંતર, આંખો હી આંખો મેં ઈશારા – સીઆઈડી, ઉડે જબ જબ જુલ્ફે તેરી – નયા દૌર, યું તો હમને લાખ હસીં – તુમસા નહીં દેખા, આઈયે મેહરબાન અને મેરા નામ ચીન ચીન ચૂ – હાવરા બ્રીજ, બહુત શુક્રિયા – એક મુસાફિર એક હસીના, બંદા પરવર – ફિર વોહી દિલ લાયા હૂં, યે ચાંદ સા રોશન ચેહરા – કશ્મીર કી કલી, જાઈયે આપ કહાં જાયેંગે – મેરે સનમ, કજરા મોહબ્બતવાલા – કિસ્મત.