Page Views: 16500

અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રૂપિયા 11 લાખની નિધિ સમર્પણ કરી

સી. આર પાટીલની સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત પાર્ટીના સાંસદ, ધારાસભ્યો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પોતાની સમર્પણ નિધિનો ચેક કાર્યાલય ખાતે સમર્પિત કર્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

     શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામ ભગવાનના નિર્માણાધીન મંદિર માટે આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાની સમર્પણ નિધિનો ૧૧ લાખનો ચેક સમર્પિત કર્યો હતો ત્યારબાદ તેમની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી, અરવિંદભાઇ રાણા, શ્રીમતી સંગીતાબેન પાટીલ, વિનુભાઈ મોરડીયા, વી.ડી ઝાલાવાડીયા, પૂર્ણશભાઈ મોદી, કાંતિભાઈ બલર, વિવેકભાઈ પટેલ, પ્રવિણભાઇ ઘોઘારી, મુકેશભાઈ પટેલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ, મહામંત્રી કિશોરભાઈ બિન્દલ, લલિતભાઈ વેકરીયા, મુકેશભાઈ દલાલ સહિત પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓએ પોતાની સમર્પણ નિધિનો ચેક સમર્પિત કર્યો હતો.

     આ પ્રસંગે ખાસ ઉપસ્થિત RSS ગુજરાત પ્રાંત કાર્યવાહ યશવંતભાઈ ચૌધરી જણાવ્યું કે આ ક્ષણે વિશેષ રોમાંચનો અનુભવ આપણને બધાને થઈ રહયો છે. ઇતિહાસમાં કેટલીક એવી ઐતિહાસિક ક્ષણો આવતી હોય છે જેના સાક્ષી બનવાનો આપણને સુઅવસર મળતો હોય છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો વિશેષ આનંદ આપણને સૌને થઈ રહ્યો છે. 

  વધુમાં  યશવંતભાઈએ જણાવ્યુંકે, આ પ્રસંગે થોડું સ્મરણ કરવાની આવશ્યકતા છે. ભગવાન શ્રીરામના હિંદુસ્તાન અને હિન્દુસ્તાનની બહાર અનેક મંદિર છે પરંતુ શ્રીરામ ભગવાનની જન્મભૂમિ ખાતેના મંદિરનું વિશેષ આગવું મહત્વ છે. સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ હમણાં જ ગયો. શ્રી સ્વામીજીએ કહ્યું હતું કે આક્રમણખોરો આવતા ગયા અને એક પછી એક મંદિરો તૂટતા ગયા પરંતુ જેવું આક્રમણ થોડું હળવું થયું ફરીથી મંદિરો ગગનચુંબી બન્યા. સોમનાથનું મંદિર એનું જીવતું જાગતું ઉદાહરણ છે. અનેક વખત આક્રમણખોરો આવ્યા, સોમનાથ મંદિર તૂટ્યું, લૂંટાયું પરંતુ ફરીથી આ જ જગ્યાએ ભવ્ય મંદિરનું નિર્માણ થયું. આ જ રાષ્ટ્રીય મન છે. આ જ રાષ્ટ્રીય જીવન છે. રાષ્ટ્રીય આકાંક્ષાઓ ક્યારેય મરતી નથી. સમય સંજોગોને આધીન એ સુષુપ્ત થઈ જતી હોય છે પરંતુ ફરીથી એને પુનઃ પ્રજ્વલિત કરવામાં આવે છે અને એ આકાંક્ષાઓની પૂર્તિ થાય ત્યારે તેનો વિશેષ આનંદ થતો હોય છે.

   શ્રીરામ મંદિરના સંઘર્ષનો ઇતિહાસ વર્ણવતા RSS ગુજરાત પ્રાંત કાર્યવાહ યશવંતભાઈ ચૌધરીએ જણાવ્યું કે, 500 વર્ષનાં સંઘર્ષમાં 75 થી વધુ લડાઈઓ થઈ અને અનેક લોકોએ બલિદાન આપ્યા. દરેક પેઢીઓએ આનાં માટે સંઘર્ષ કર્યો હતો. કોઈએ હારનું સ્વીકાર ન કર્યો આ સંઘર્ષનાં કારણે જ લોકોના જનમાનસમાં આ વિષય જીવંત રહ્યો અને અંતે આપણે આ લડાઈ જીતી ગયા. સાતત્યપૂર્ણ સંઘર્ષ માટે ઇઝરાયલ નું ઉદાહરણ આપવામાં આવે છે. ઇઝરાયેલના લોકો પોતાની ભૂમિ છોડી વર્ષો સુધી જુદા જુદા દેશોમાં રહ્યા અને પોતાનો સંઘર્ષ જારી રાખ્યું તેઓ એકબીજાને મળતા ત્યારે એવું કહેતા કે આવતા વર્ષે આપણે જેરુસલેમ ઇઝરાયલમાં મળીશું એવો ભાવ પેઢીઓ સુધી એમણે પ્રસારિત કર્યો. એમ સતત સંઘર્ષના કારણે તેઓને સફળતા મળી.

  જો આપણે શ્રી રામ જન્મભૂમિ ના સંઘર્ષના ઇતિહાસને યાદ કરીએ તો આપણને ઇઝરાયલ ના ઇતિહાસનું ઉદાહરણ આપવાની જરૂર નહીં પડે. આપણા જ દેશના લોકોએ પેઢી દર પેઢી સાતત્યપૂર્ણ પ્રયાસ કર્યો, વિષયને જીવંત રાખ્યો, લડાઈ લડતાં રહ્યા તેનાં કારણે ભવ્ય વિજય થયો.

    મંદિર તોડવા પાછળ આક્રમણખોરોનો બદઈરાદો છતો કરતાં માનનીય યશવંતભાઈ ચૌધરીએ જણાવ્યુંકે, મંદિર તોડવા પાછળ માત્ર લૂંટનો ઇરાદો નહીં પરંતુ આ દેશના સ્વાભિમાનને હંમેશા કચડવાનો પ્રયાસ થયો. આ દેશના હિન્દૂ સમાજના સ્વાભિમાનને શૂન્ય બનાવી દઈ તેને ગુલામીની માનસિકતામાં રાખવું તેને પરાજિત માનસિકતામાં રાખવું આ પ્રકારના પ્રયાસો થયાં હતાં. આ ગુલામીની, આ પરાજયની માનસિકતામાંથી સમાજ ત્યારે જ બહાર નીકળી શકે જ્યારે આ માન બિંદુઓનું ફરીથી સ્થાપન થાય. આ જ જગ્યાએ ફરીથી હતું એનાં કરતાં વધુ ભવ્ય ગગનચુંબી મંદિરનું નિર્માણ થાય. આ દ્રષ્ટિએ આ લડાઈ ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને આ વિજય પણ. 

     શ્રી રામમંદિર આંદોલન અંગે યશવંતભાઈ ચૌધરીએ જણાવ્યું કે, શ્રી રામ મંદિરની અર્વાચીન લડાઈ 1984 થી શરુ થઇ અને 1992 તેનો એક પડાવ હતો ત્યારબાદ કાનૂની લડાઇ ચાલી અને અંતે કોર્ટનો ચુકાદો આવતા હિન્દુસ્તાનના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ ઇતિહાસિક ક્ષણની હિન્દુસ્થાન વર્ષોથી રાહ જોઈ રહયું હતું. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેનું આપણને સૌને ગૌરવ છે.

     શ્રી રામ મંદિર અને શ્રી રાષ્ટ્ર મંદિરએ સાથે ચાલતી પ્રક્રિયા છે તે અંગે ઉદાહરણ આપતા યશવંતભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજથી ત્રીસ વર્ષ પહેલા એટલે કે 1990માં લોકોને એવું લાગતું હતું કે હિન્દુ હોવું એ એક અપરાધ છે, એક ગુનો છે. 1990ના વર્ષમાં કારસેવા કરી અયોધ્યા ખાતે પહોંચી ઢાંચા પર ધ્વજ ફરકાવનાર કોલકાતાના કોઠારી બંધુ રામકુમાર શરદકુમાર કોઠારીને તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના આદેશથી જાહેરમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં એટલુંજ નહીં કારસેવકો પર જાહેરમાં ગોળીઓ વરસાવામાં આવી હતી. કારસેવકોની અટક કરવામાં આવી હતી.

"કાશ્મીરના પંડિતો કાશ્મીર છોડીને ચાલ્યાં જાવ" વર્ષ 1990માં કાશ્મીર ની મસ્જિદો પરથી લાઉડ સ્પીકરમાં એલાન થતું હતું. સ્વતંત્ર ભારતના ઈતિહાસની આ સૌથી કાળી, વખોડવા લાયક ઘટના કહી શકાય. પોતાનું ઘર બાર છોડીને આ કાશ્મીર પંડિતો દેશના ખૂણે ખૂણે નીચે ધરતી અને ઉપર આકાશ તેવું અંત્યત પીડાદાયક જીવન જીવવા મજબુર બન્યા. આજે પણ તેઓ આવું દોજખભર્યું જીવન જીવી રહ્યા છે. માનવ અધિકાર હનનની આટલી મોટી ઘટના બની પણ દુનિયાના કોઈ દેશ એક શબ્દ બોલ્યાં નહીં. ન મિનિસ્ટરી, ન મીડિયા કોઈમાં એની ચર્ચા થઈ નહીં અને જાણે હિન્દૂ હોવું એક અપરાધ હોય એ પ્રકારની અપરાધની લાગણી સૌ દેશવાસીઓને વર્ષ 1990ના વર્ષમાં થઈ. 30 વર્ષ જાગરણના પ્રયાસ બાદ આજે 2020માં પરિસ્થિતિ કેવી બદલાય છે તે આપણી સૌની સામે છે. રથયાત્રા રોકનાર લાલુપ્રસાદ યાદવ આજે ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં સબડી રહ્યા છે. ઉત્તરપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની સત્તા ક્યારનીય સમાપ્ત થઈ ગઈ છે. કાશ્મીરમાંથી 370 ની કલમ દૂર થઈ ગઈ છે. ફકત રામમંદિરનું નિર્માણ નથી થઈ રહ્યું કાશ્મીર ઘાટીના મંદિરોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. અને વિસ્થાપીત થયેલાં કાશ્મીરના પંડિતો નજીકના ભવિષ્યમાં ફરીથી કાશ્મીરમાં આન, બાન અને શાન સાથે સ્થાપિત થશે. આમ શ્રીરામમંદિર અને શ્રી રાષ્ટ્ મંદિરનું નિર્માણ સાથે સાથે થઈ રહયું છે જે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે.