Page Views: 462

ડ્રીમ સિટી ખજોદ ચોકડી પર બે ફ્‌લાયઓવર બનાવવા ચેમ્બરની ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

ટ્રાફીકની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ ન કરે તે માટે આગોતરૂ આયોજન કરવા માંગણી

સુરત.13-1-2021

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલને સુરતમાં ખજોદ ચોકડી ખાતે બે ફલાયઓવર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સુરતમાં ખજોદ ચોકડી ખાતે ડાયમંડ રીસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી (ડ્રીમ સિટી)નું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવાની આરે છે. આ કાર્ય ૭૦૦ હેક્‌ટર વિસ્તારમાં ફેલાયેલું છે. દરમ્યાન ડ્રીમ સિટીમાં દાખલ થવા માટે સુરત શહેરમાંથી આવતા વાહનો અથવા કોઈ અન્ય શહેરોમાંથી આવતા વાહનોને નેશનલ હાઇવે – પ૩  ખાતે આવેલી ખજોદ ચોકડી થઈને જ આવવું પડે છે. ડ્રીમ સિટીમાં અંદાજીત એક વર્ષના સમયગાળા દરમ્યાન સવારે તથા સાંજે છૂટવાના સમયે એકસાથે ૧પથી ર૦ હજાર વાહનો આવી શકે છે અને તેના કારણે દરરોજ ટ્રાફીકની સમસ્યા સર્જાઇ શકે છે અને ટ્રાફીક સમસ્યા ઘણી ગંભીર બની શકે છે. આગામી એક વર્ષના સમયગાળામાં આવી કોઈ સમસ્યા ન થાય તે માટે (૧) હજીરાથી પલસાણા તરફ જતું ટ્રાફીક અને પલસાણાથી હજીરા તરફ જતું ટ્રાફીક સરળતાથી પસાર થઇ શકે તે માટે નેશનલ હાઇવે – પ૩ને પેરેલલ એક ફ્‌લાયઓવર બનાવવાની મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી છે. (ર) ખજોદ અને સરસાણાને જોડતી ચોકડી ઉપર અન્ડર ગ્રાઉન્ડ સબ–વે અથવા હાઈવેથી ક્રોસમાં જોડતો એક ફ્‌લાયઓવર બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આમ, બે પ્રકારના ફ્‌લાયઓવર બનાવવા તાત્કાલિક ધોરણે જાહેરાત કરવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલને લેખિતમાં રજૂઆત પાઠવવામાં આવી છે.