Page Views: 10057

સોનુ શર્માની યુવાઓને હાંકલ, ટેકનોલોજીની સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર વધ્યું છે ત્યારે વિશ્વમાં અશકય કશું રહયું જ નથી

યુવા ઉદ્યોગ સાહસિકો આગળ આવે અને બિઝનેસની બાગડૌર સંભાળીને રાષ્ટ્ર નિર્માણ તેમજ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે- ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયા

સુરત. 13-1-2021

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ૧ર જાન્યુઆરી ર૦ર૧ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણીના ભાગરૂપે નેશનલ યુથ ડેના પ્રસંગે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે સવારે ૧૦:૦૦થી બપોરે ૧:૦૦ વાગ્યા દરમ્યાન ઇન્સ્પીરેશનલ સ્પીકર એન્ડ કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્મા સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, રીયલ એસ્ટેટ, કેમિકલ અને આઇટી જેવા વિવિધ ક્ષેત્રની સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગકારોને એક મંચ ઉપર એકત્રિત કરીને તેઓને બિઝનેસની સાથે સાથે જીવનમાં નિતિમત્તાથી આગળ વધવા માટે સોનુ શર્મા દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે સરકાર પાસે યોગ્ય નીતિઓ બનાવવા માટે પ્રયાસ કરનાર ચેમ્બરે હવે યુવાઓને નેતૃત્વ અને નીતિ નિર્માણની સ્થિતિમાં લાવવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેઓ પણ ઇચ્છે છે કે યુવા ઉદ્યોગ સાહસિકો આગળ આવે અને બિઝનેસની બાગડૌર સંભાળીને રાષ્ટ્ર નિર્માણ તેમજ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે. 

કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવશો તો જીવન અનકમ્ફર્ટેબલ થઇ જશે

સોનુ શર્માએ યુવા ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે, જીવનમાં આગળ આવવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. જો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવશો તો જીવન અનકમ્ફર્ટેબલ થઇ જશે. જીવનમાં કયારેય ફરિયાદ નહીં કરતા. હાલ તમે જે છો એના માટે સંપૂર્ણપણે તમે જ જવાબદાર છો. એના માટે કોઇ બીજાના માથે દોષનો ટોપલો કયારેય મૂકતા નહીં. તેમણે કહયું કે, જીવનમાં હમેશા કૃતજ્ઞતા રાખો. જો કૃતજ્ઞતા નહીં રાખો તો પતન થઇ જશે. જો કે, જીવનમાં આગળ આવવા માટે કયારેય અનએથીકલ પ્રવૃત્તિ નહીં કરતા. જે પોતાનું નથી તેના પર કબજો જમાવવાનો કયારેય પ્રયાસ નહીં કરતા. આ બાબતને સરળ રીતે સમજાવવા માટે તેમણે ભગવાન રામ અને ભરતનો દાખલો આપ્યો હતો. તેમણે કહયું કે તમને જે કામ કરવું છે તેમાં સંપૂર્ણપણે ડૂબી જાવ. ભગવાન શિવનું ઉદાહરણ ટાંકતા તેમણે કહયું કે, બિઝનેસમાં બે અલગ–અલગ દૃષ્ટિકોણવાળી વ્યકિતને પણ સાથે રાખીને બિઝનેસને ડેવલપ કરી શકાય છે. બિઝનેસને ડેવલપ કરવા માટે જોશ અને હોશ બંને જોઇએ. 

યુવાઓને જંગલના સિંહ બનવા હાંકલ કરી

તેમણે યુવા ઉદ્યોગ સાહસિકો અને લીડર્સને હાંકલ કરી હતી કે પહેલાના યુગમાં ટેકનોલોજી કે ઇન્ફ્રાસ્ટ્રકચર ન હતું, પરંતુ હવે તો ટેકનોલોજીની સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ વધી ગયું છે ત્યારે આ વિશ્વમાં અશકય જેવું કશું રહયું જ નથી. સફળ થવાની દોડમાં ભાગતી વખતે કયારેય અટકતા નહીં અથવા આરામ નહીં કરતા. હવે ટેકનોલોજી સપોર્ટ કરે છે એટલે બિઝનેસને ડેવલપ કરવા માટે પહેલા જે ર૦ વર્ષમાં થતું હતું તે હવે ર વર્ષમાં થાય છે. સર્કસના સિંહને બધી જ સુવિધા મળે છે છતાંય તેનું જીવન વ્યર્થ છે. કારણ કે તેને ચાબુકવાળાના ઇશારા ઉપર નાચવું પડે છે. આથી તેમણે યુવાઓને જંગલના સિંહ બનવા હાંકલ કરી હતી. 

સુરતમાં યુવાઓ નોકરીને બદલે બિઝનેસમાં જોડાય છે તે બાબત બહુ જ ગમી

સોનુ શર્માએ જણાવ્યું કે, સુરતમાં નોકરીનું કલ્ચર ખૂબ જ ઓછું છે. આ બાબત મને બહુ જ ગમી. દેશના દરેક ખૂણે યુવાઓને અભ્યાસ કરીને સારી નોકરીએ જોડાવાનું કહેવાય છે પણ સુરતમાં યુવાઓ નોકરીએ નહીં પણ બિઝનેસમાં જોડાય છે. તેમણે કહયું કે, વ્યકિત તેની ઔકાત મુજબ જ રૂપિયા કમાય છે. એટલે કમાણી વધારવાની પાછળ ન ભાગો પણ તમારી વેલ્યુ વધારવાની પાછળ દોડો. રૂપિયા કમાવવું સિમ્પલ છે પણ આસાન નથી. સિમ્પલ વસ્તુ સતત કરતા રહેવું સૌથી મુશ્કેલ કામ છે. સતત શીખતા રહેવાની કે કામ કરવાની પ્રવૃત્તિ જ વ્યકિતની સફળતામાં મહત્વનો રોલ અદા કરે છે. 

કંઇપણ મેળવવા માટે કોશિષ કયારેય નહીં કરો

‘‘કોશિષ કરનેવાલો કી કભી હાર નહીં હોતી’’આ વાકય જ ખોટું છે. જીવનમાં સફળ થવા માટે કે કંઇપણ મેળવવા માટે કોશિષ કયારેય નહીં કરો. કારણ કે, કોશિષમાં તમારા ૧૦૦ ટકા કયારેય નથી હોતા. તેમણે કહયું કે, હું પર્સનલી કયારેય ‘પ્લાન બી’નો ફેવર કરતો નથી. ‘પ્લાન એ’ને જ સફળ બનાવું છું. તેમણે કહયું કે સફળતા માટે સ્કીલ મહત્વની નથી પણ વીલ પાવર (ઇચ્છાશકિત) મહત્વની છે. 

જીવનમાં સફળ થવા ‘ઇમ્પ્લીમેન્ટ’સૌથી વધુ જરૂરી છે

લોકો કહે છે કે ખાલી હાથ આવ્યા છે અને ખાલી હાથ જવાનું છે. લોકોની વાત એકદમ સાચી છે પણ એની વચ્ચેનું જે જીવન છે તેમાં કંઇક એવું કરી જવાનું છે કે લોકો તમને યાદ કરે. તેમણે કહયું કે, તમારામાં ગમે તેટલી કવોલિટી હોય પણ યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વ્યકિતઓ વચ્ચે તમે નહીં રહો તો તમે નસીબવાળા નથી. જીવનમાં સફળ થવા માટે ‘ઇમ્પ્લીમેન્ટ’ સૌથી વધુ જરૂરી છે. જીવનને બદલવા માટે સતત શીખતા રહેવું પડશે. જે શીખવાની વૃત્તિ રાખે છે તે જીવનમાં ચોકકસ સફળ થાય છે. 

મુશ્કેલીઓમાં રિએકટ નહીં કરો પણ રિસ્પોન્ડ કરો

તેમણે વધુમાં કહયું કે, ભારતની સંસ્કૃતિ અને શાસ્ત્રમાં બહુ જ તાકાત છે પણ એ અલગ વસ્તુ છે કે તેને અત્યાર સુધી બોરીંગ રીતે રજૂ કરવામાં આવ્યા છે. આથી તેઓ શાસ્ત્રને પોતાના સેશનમાં લોકોને આસાનીથી સમજાય તે રીતે સરળ શબ્દોમાં રજૂ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મુશ્કેલીઓ રહેવાની જ છે. પરંતુ મુશ્કેલીઓમાં રિએકટ નહીં કરો રિસ્પોન્ડ કરો. જ્યારે પણ તમારા જીવનમાં પ્રોબ્લેમ્સ આવે ત્યારે સમજવું કે એ તમારી ઇમ્યુન સિસ્ટમ વધારી રહી છે.

બધા પુસ્તકોનો બેઇઝ તો ‘ગીતા’જ છે

તેમણે સ્વામી વિવેકાનંદજીના જીવનમાં ઘટેલી હકીકતથી યુવાઓને વાકેફ કરતા જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજી એક રૂમમાં બેસીને પુસ્તકો વાંચતા હોય છે ત્યારે એક અંગ્રેજ તેમના રૂમમાં પ્રવેશ કરે છે. રૂમમાં પુસ્તકોનો ઢગલો લાગેલો હોય છે અને ‘ગીતા’ સૌથી નીચે મૂકેલી હોય છે. તે સમયે અંગ્રેજ તેમને એવું કહે છે કે અંતે તમે સ્વીકારી લીધું કે અમારા લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો જ શ્રેષ્ઠ છે. જવાબમાં તેમણે પુસ્તકોની નીચે રહેલી ‘ગીતા’ને ખેંચતા અન્ય પુસ્તકો નીચે પડીને વેર વિખેર થઇ ગયા હતા. સ્વામીજીએ અંગ્રેજને કહયું કે આ બધા પુસ્તકોનો બેઇઝ તો ‘ગીતા’જ છે. 

કોવિડ– ૧૯માં ડાયરેકટ સેલીંગ ઇન્ડસ્ટ્રી બેકબોન સાબિત થઇ

સોનુ શર્માએ જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯ દરમ્યાન છેલ્લા ૧૦–૧૧ મહિના માટે ડાયરેકટ સેલીંગ ઇન્ડસ્ટ્રી બેકબોન સાબિત થઇ છે. આગામી વર્ષ ર૦રપ સુધીમાં આ ઇન્ડસ્ટ્રી રૂપિયા એક લાખ કરોડની થઇ જશે અને તેને કારણે રોજગારીની વિપુલ તકો ઉભી થશે.

કાર્યક્રમમાં બે પ્રતિભાશાળી વ્યકિતઓને સન્માનિત કરાઇ

આ કાર્યક્રમમાં સુરતની બે પ્રતિભાશાળી વ્યકિતઓને સન્માનિત કરાઇ હતી. માંઝી ફિલ્મથી પ્રસિદ્ધ થયેલા સુરતના પ્લે બેક સિંગર ભાવિન શાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા મહિલા ઉદ્યોગ સાહસિક હેતલ વિરાણીનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમમાં યુવાઓને રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સુરતમાં પુર અને પ્લેગ પછી પહેલી વ્યવસાયિક પેઢીએ સુરતને ફરીથી ધમધમતું કર્યુ હતું ત્યારે કોવિડ– ૧૯ પછી બમણો વિકાસ કરવા માટે યુવા ઉદ્યોગ સાહસિકોને તેમણે હાંકલ કરી હતી. સાથે જ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રનું વર્ણન કરી યુવાઓને સંગઠીત થઇને રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપવા તેમની પાસે સિગ્નેર બોર્ડમાં સહી કરાવી સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ચેતન શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. યુથ વીંગ કમિટીના ચેરમેન મહેશ રામાણીએ સોનુ શર્માનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમમાં પ્રાસંગિક વિધી કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુથ વીંગ કમિટીના સભ્ય રિકીન વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.