Page Views: 6927

આજેથી ધોરણ ૧૦ અને ૧૨ માટે સ્કુલ શરુ : વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ્યા

કોરોનાની ગાઈડલાઈનનો તમામ શાળામાં કડક અમલ

સુરત-11-01-21

સુરતમાં કોરોના મહામારીના 10 મહિના બાદ આનંદ અને ઉત્સાહ સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરતા દેખાયા હતા. ત્યારે વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર શાળાઓ શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓના પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીતના કાર્યક્રમ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું.

કોરોનાના કપરાકાળ અને લોકડાઉનની સ્થિતિના પગલે છેલ્લા દસ માસ સુધી રાજ્યભરની શાળાઓ બંધ રહી હતી. હમણાં સુધી વિદ્યાર્થીઓએ ઘર બેઠા ઓનલાઈન એજયુકેશન મેળવતા આવ્યા હતા. જ્યાં આખરે લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ દસ અને બારની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજથી સુરતની મોટાભાગની શાળાઓમાં ધોરણ દસ અને બારનો અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે.દસ માસ બાદ પ્રથમ દિવસે શાળાએ આવેલા વિધાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. જો કે હાલ પણ કોરોનાકાળ વચ્ચે વાલીઓમાં જોવા મળી રહેલા કચવાટ ના પગલે શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યા ખૂબ પાંખી જોવા મળી હતી. શાળાના શિક્ષકોના નિરીક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કલાસમાં ગયા હતા. એટલું જ નહીં, પણ જે વાલીઓએ સંમતિપત્ર ન આપ્યું તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઈન અભ્યાસ જ ચાલુ રાખ્યો છે. એ માટે શાળાએ પણ ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થાને જાળવી રાખી હતી.