Page Views: 3536

નાના રોકાણકારો SME કંપનીઓમાં રોકાણ કરી આર્થિક રીતે સદ્ધર થઇ શકે

ચેમ્બર દ્વારા SME સંબંધિત સ્ટોક માર્કેટ વિશે સેમિનાર યોજાયો

સુરત-11-01-21

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારે, તા. ૬ જાન્યુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘SME’ વિષય ઉપર સ્ટોક માર્કેટ સંબંધિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ખકભ કોભ એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજયકુમાર ઠાકુર દ્વારા રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સ્ટોક માર્કેટ જે રીતે બુમીંગ કરી રહયું છે તેને જોતા રોકાણકારો એ દિશામાં વધુ રસ લેતા દેખાઇ રહયાં છે. નાના રોકાણકારોને બેન્કીંગ ઇન્ટરેસ્ટ કરતા પણ વધુ લાભ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી થઇ રહયો છે. બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જના ભાગ રૂપે એસએમઇ સેકટર માટે પ્લેટફોર્મ ઉભું થઇ રહયું છે, ત્યારે નાના રોકાણકારોને એસએમઇ સેકટરની કંપનીઓમાં રોકાણ કરવાથી કેવો લાભ મળી શકે છે? તેની અવેરનેસ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

અજયકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, સ્ટોક માર્કેટમાં એસએમઇ પ્લેટફોર્મ ઉપર લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાથે સંકળાયેલી કંપનીઓ લિસ્ટેડ થઇ શકે છે. એના માટે સેબીએ જુદા–જુદા નિયમો બનાવ્યા છે. રૂપિયા ૧૦ કરોડથી રપ કરોડ સુધીનું પેઇડ–અપ કેપીટલ ધરાવતી કંપનીઓને સ્ટોક એક્ષ્ચેન્જના એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટેડ કરી શકાય છે. આવી કંપનીઓમાં લાંબા સમય સુધી રોકાણ કરવું હિતાવહ હોય છે અને આવી કંપનીઓમાં ઓછામાં ઓછું રૂપિયા એક લાખ સુધીનું રોકાણ કરવું પડે છે અથવા તો બે હજાર, ચાર હજાર કે આઠ હજાર શેર ખરીદવાના હોય છે. એસએમઇ કંપનીઓનો આઇપીઓ લાવનાર મર્ચન્ટ બેંકે ૧૦૦ ટકા અન્ડર રાઇટીંગ કરવું પડે છે. પબ્લીક ઇશ્યુ ખોલ્યા બાદ રોકાણકારો મળ્યા નહીં તેમ કહીને મર્ચન્ટ બેંક અધવચ્ચેથી વિડ્રોલ કરી શકે નહીં.

તેમણે માર્કેટ મેકીંગના નિયમ વિશે જણાવ્યું હતું કે, એસએમઇ પ્લેટફોર્મ ઉપર કંપની લિસ્ટેડ થઇ ગયા બાદ તેમાં બંને તરફ બાયર અને સેલર રહેવા જોઇએ. જો આવું નહીં થાય તો માર્કેટ મેકરની જવાબદારી બને છે કે એ શેર ખરીદી કરે અને વેચવાની પણ વ્યવસ્થા ઉભી કરે. સ્ટોક માર્કેટના મેઇન બોર્ડમાં લિસ્ટેડ થયેલી કંપનીઓએ ન્યુઝપેપરમાં રિઝલ્ટ્‌સ પબ્લીશ કરવાના હોય છે. પરંતુ એસએમઇ કંપનીઓને પોતાના રિઝલ્ટ્‌સ ન્યુઝપેપરમાં પબ્લીશ કરવાની જરૂર હોતી નથી. કંપનીઓની ઇચ્છા હોય તો તેઓ રિઝલ્ટ્‌સ ન્યુઝપેપરમાં પબ્લીશ કરાવી શકે છે. જો કે, એસએમઇ કંપનીઓ પોતાની વેબસાઇટ ઉપર રિઝલ્ટ મુકે છે. જેથી પબ્લીક ડોમેનમાં લોકોને કંપનીના રિઝલ્ટ વિશે માહિતી મળી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટોક એક્ષ્ચેન્જમાં સ્ટાર્ટઅપને ફંડીગ માટે પણ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સાત સ્ટાર્ટઅપ લિસ્ટેડ થયા છે. જ્યારે પાંચ સ્ટાર્ટઅપ પાઇપલાઇનમાં છે. ભવિષ્યમાં ર૦થી રપ સ્ટાર્ટઅપ લિસ્ટેડ થવાની સંભાવના છે. તેમણે કહયું કે સ્ટોક એક્ષ્ચેન્જમાં પાંચ હજાર એસએમઇ કંપનીઓને અને પ૦૦ સ્ટાર્ટઅપને લિસ્ટેડ કરવાનું લક્ષ્ય છે. એસએમઇ પ્લેટફોર્મ ઉપર કેટલીક કંપનીઓ હવે સ્ટોક એક્ષ્ચેન્જના મેઇન બોર્ડમાં પ્રવેશવા લાયક ઘણી મોટી બની ગઇ છે. સ્ટોક માર્કેટે દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે અને રૂપિયા રરથી ર૩ હજાર કરોડની માર્કેટ કેપ બનાવી છે.

તેમણે વધુમાં કહયું કે, ભારતમાં બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જે ર.૬ ટ્રિલિયન ડોલરની વેલ્થ ક્રિએટ કરીને આપી છે. એસએમઇ કંપની પોતાને ત્યાં કામ કરતા સારા કર્મચારીઓને ઇકવીટી આપી શકે છે. જેથી કરીને સારા કર્મચારીઓ લાંબાગાળા સુધી તેમની સાથે જોડાયેલા રહે.

ચેમ્બરની કેપીટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન ઐયુબ યાકુબઅલીએ કાર્યક્રમની રૂપરેખા આપી સેમિનારનું સંચાલન કર્યું હતું. કમિટીના કો–ચેરમેન દિપેશ પરીખે વકતાનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.