Page Views: 2115

દંતકથા સમાન ગાયક યેસુદાસ

યેસુદાસને પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા  

જેમનું મૂળ નામ કત્તાસેરી જોસેફ યેસુદાસ છે, એવા દેશના મહાન ગાયક યેસુદાસ ૮૦ વર્ષના થયા. યેસુદાસનો જન્મ કોચીમાં ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ થયો હતો. તેઓ ફિલ્મી ગાયક ઉપરાંત કર્ણાટકી કંઠય સંગીતના પણ જાણીતા ગાયક છે. ભારતની વિવિધ ભાષાઓ અને રશિયન, અરેબિક, લેટીન, અંગ્રેજી સહિત વિદેશી ભાષાઓ મળી યેસુદાસે ૪૦ હજાર ગીતો રેકોર્ડ કર્યા હોવાનું કહેવાય છે. સિત્તેર અને એંશીના દાયકામાં અનેક મલયાલમ ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું હતું. તેઓ ‘ગણ ગાંધર્વન’ (પવિત્ર ગાયક) તરીકે પણ ઓળખાય છે. મલયાલમ ભાષાના તેઓ ‘કલ્ચરલ આઇકોન’ ગણાય છે. ત્યાં પાંચ દાયકાથી યેસુદાસના ગીતો અત્યંત પ્રચલિત છે.  યેસુદસને સાત વાર શ્રેષ્ઠ ગાયકના નેશનલ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. વિવિધ રાજ્યો દ્વારા અપાતા ‘શ્રેષ્ઠ ગાયક’ના તેમને ૪૩ એવોર્ડ્સ મળ્યાં છે. ૧૯૭૫માં તેમને પદ્મશ્રી અને ૨૦૦૨માં પદ્મ ભૂષણના ઇલકાબ અપાયા છે. પાંચ દાયકાની કરિયરમાં વીસ હજારથી વધુ ગીતો રેકોર્ડ કરવા માટે ૨૦૧૧માં યેસુદાસને ‘સીએનએન-આઈબીએન આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ એવોર્ડ’ પણ મળ્યો છે. ૨૦૦૬માં ચેન્નાઈના એવીએમ સ્ટુડીઓમાં એક જ દિવસમાં દક્ષિણ ભારતની ચાર વિવિધ ભાષામાં ૧૬ ગીતો રેકોર્ડ કરવાનો યેસુદાસનો વિક્રમ છે. ૧૯૭૦માં યેસુદાસ કેરળ સંગીથ નાટક અકાદમીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા હતા. યેસુદાસનો જન્મ કોચીમાં ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ એલીઝાબેથ અને ઓગસ્ટીન જોસેફને ત્યાં રોમન કેથોલિક ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. પિતા મલયાલમના જાણીતા શાસ્ત્રીય સંગીતકાર, રંગમંચના અભિનેતા અને યેસુદાસના પહેલા ગુરુ હતા. પાંચ સંતાનોમાં યેસુદાસ સૌથી મોટા હતા. નાનપણમાં સ્કૂલમાં સંગીતની તાલીમ લીધી અને પાછળથી તેઓ સ્વાથી થીરુનલ કોલેજ ઓફ મ્યુઝિકમાંથી કર્ણાટકી શાસ્ત્રીય સંગીત શીખ્યા. ૨૦૧૧માં યેસુદાસે પાશ્વગાયક રૂપે ૫૦ વર્ષ પુરા કર્યા. ૧૯૬૨ની મલયાલમ ફિલ્મ ‘કલ્પદુકન’ માટે તેમણે પહેલું ગીત ગાયું હતું. યેસુદાસ પ્રભાજીને પરણ્યા છે, તેમણે ત્રણ સંતાનો છે, વિનોદ, વિજય અને વિશાલ. વિજય સંગીતકાર છે અને બે વખત ‘શ્રેષ્ઠ ગાયક’ના કેરળ રાજ્ય ફિલ્મ એવોર્ડ જીત્યા છે. ૧૯૮૦માં યેસુદાસે ‘થારંગાની સ્ટુડીઓ’ની સ્થાપના ત્રિવેન્દ્રમમાં કરી હતી, જે ૧૯૯૨માં ચેન્નાઈ ખસેડાયો. ૧૯૯૮થી તે કંપની અમેરિકામાં પણ શરૂ કરાઈ. આ કંપની પહેલી એવી કંપની હતી, જેણે મલયાલમ ફિલ્મના ગીતોની સ્ટીરીઓ ઓડિયો કેસેટ બનાવી હતી. એ કંપની હજી યેસુદાસના ફિલ્મ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો દુનિયાભરમાં કરે છે.  સિત્તેરના દાયકામાં યેસુદાસે હિન્દી ફિલ્મોના ગીતો ગાવાનું શરૂ કર્યું. ‘જય જવાન જય કિસાન’ (૧૯૭૧) માટે તેમણે પહેલું હિન્દી ફિલ્મ ગીત ગાયું હતું. પણ તેમના ગીત વાળી રજૂ થયેલી પહેલી ફિલ્મ ‘છોટી સી બાત’ હતી. યેસુદાસે તેમનો અવાજ અમિતાભ બચ્ચન, અમોલ પાલેકર કે જીતેન્દ્ર જેવા કલાકારો માટે આપ્યો છે. રવીન્દ્ર જૈન, બપ્પી લાહિરી, ખૈય્યામ, રાજકમલ અને સલિલ ચૌધરી જેવા સંગીતકારોની ધૂન પર તેમણે ગાયું છે. રવીન્દ્ર જૈનના સંગીતમાં ફિલ્મ ‘ચિત્તચોર’ (૧૯૭૬)ના યેસુદાસના ગીતો સૌથી વધુ લોકપ્રિય થયાં હતાં. રવીન્દ્રજીએ યેસુદાસને આપેલું સૌથી મોટું માન કયું? એ પ્રજ્ઞાચક્ષુ સંગીતકારે કહેલું, ‘અગર મને અકસ્માતે દ્રષ્ટિ મળે તો હું જે વ્યક્તિને સૌથી પહેલી જોવા માંગીશ તે યેસુદાસ હશે.’ બપ્પી લાહિરીએ ૨૦૧૨માં ફિલ્મફેરના ઇન્ટરવ્યુમાં કહેલું, ‘યેસુદાસના અવાજને ભગવાનનો સ્પર્શ મળ્યો છે. કિશોર કુમાર પછી યેસુદાસ એવા ગાયક છે, જેમણે મારું શ્રેષ્ઠ બહાર કાઢ્યું છે. તેમની સૂરની પકડ બહુ સારી છે, તમે તેમના પરફેક્ટ સૂર માટે પહેલી જ વારે ખાતરી રાખી શકો. હિન્દી ફિલ્મોમાં યેસુદાસનો ખુબ ઓછો ઉપયોગ થયો છે.’ 

૧૯૯૯માં યેસુદાસને યુનેસ્કો દ્વારા ‘શાંતિ માટે સંગીત’નો એવોર્ડ પેરિસમાં જગતના દિગ્ગજ સંગીતકારોની હાજરીમાં અપાયો હતો. તેઓ જયારે વિદેશમાં સંગીતના કાર્યક્રમ કરતાં હોય છે, ત્યારે ભારતીય સંગીતને પ્રમોટ કરનાર કલ્ચરલ એમ્બેસેડર બનતા હોય છે. ૨૦૦૯માં યેસુદાસે આતંકવાદના વિરોધમાં ક્રોસ-કંટ્રી મ્યુઝીકલ કેમ્પેઈન કર્યો હતો. સૂર્ય ક્રીશ્નામુર્થી દ્વારા આયોજિત ‘સૂર્ય મ્યુઝિક ફેસ્ટીવલ’ના ૩૬ વર્ષમાં યેસુદાસે ૩૬ વાર ગાયું છે. ૨૦૦૦ના વર્ષમાં યેસુદાસ સાંઠ વર્ષના થયા ત્યારથી દરવર્ષે જાન્યુઆરીમાં નવ દિવસનો સંગીતોત્સવ ઉજવાય છે. તેઓ ૭૦ વર્ષના થયા ત્યારે શ્રી મુકામ્બિકા મંદિરમાં શાસ્ત્રીય ભક્તિ સંગીતના કાર્યક્રમમાં ૭૦ ગાયકો સાથે ગાયું હતું. 

યેસુદાસના જાણીતા ગીતો: જબ દીપ જલે આના, ગોરી તેરા ગાંવ બડા પ્યારા, તુ જો મેરે સૂરમેં (ચિત્તચોર), તેરે બિન સુના મેરે મન કા મંદિર, સાવન કો આને દો, બોલે તો બાંસુરી કહીં, ચાંદ જૈસે મુખડે પે બિંદિયા સિતારા (સાવન કો આને દો), ઝીંદગી કો સંવારના, ચાંદ અકેલા જાયે સખીરી, કોઈ ગાતા મૈ સો જાતા (આલાપ), મધુબન ખુશ્બૂ દેતા હૈ (સાજન બિન સુહાગન), ઓ ગોરીયા રે (નૈયા), સુનયના (શીર્ષક), અય મેરે ઉદાસ મન (માન અભિમાન), કહાં સે આયે બદરા, કાલી ઘોડી દ્વાર ખડી (ચશ્મે બદ્દૂર), સૂર મઈ અખિયોં મેં (સદમા).