Page Views: 37229

રાજ્યમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું

દહેજ ખાતે ગેસ પાઇપ લાઇનનું મેઇન્ટેનન્સ હાથ ધરાશે પરંતુ ગેસ સપ્લાયમાં કોઇ વિઘ્ન નહીં આવે

ગાંધીનગર-8-1-2021

રાજ્યમાં આગામી સોમવારે સવારથી મંગળવારે સવારે દસ વાગ્યા સુધી પાઇપ લાઇનથી સપ્લાય થતો તમામ પ્રકારનો ગેસ પુરવઠો ઠપ્પ કરવામાં આવશે એ વાત માત્ર અફવા હોવાનું જાણવા મળી રહ્યું છે. દહેજ ખાતે ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવવાની છે અને તેના કારણે જ  તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે આવી વાત વહેતી થતા જેમને પણ પાઇપ લાઇનથી ગેસ મળે છે એવી ગૃહીણીઓ સહિત સીએનજી પર ચાલતા ઉદ્યોગ ગૃહો અને વાહન ચાલકોમાં એક પ્રકારનો ગભરાટ ફેલાયો હતો. પરંતુ ગુજરાત ગેસ કંપનીના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે, દહેજ ખાતે પાઇપ લાઇનમાં મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે પરંતુ તેનાથી ગેસ સપ્લાયને કોઇ પણ પ્રકારે અસર ન થાય તેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. લોકોએ કોઇ પણ પ્રકારની અફવાથી નહીં દોરવાવા માટે પણ જણાવવામાં આવે છે.