Page Views: 5061

આજના બર્થડે સર્જક: કરસનદાસ માણેક- જીવન અંજલિ થાજો,મારું જીવન અંજલિ થાજો

કરાંચીમાં શિક્ષણ લઇ આચાર્ય તરીકે કામ કરી માતૃભાષાની સેવા કરનાર કરસનદાસ માણેકની રચનાઓ લોક જીવનમાં વણાઇ ગઇ છે

 

ગુજરાતી સાહિત્યમાં આગવુ યોગદાન આપનારા સાહિત્યકારો વિશે કચ્છમાં નખત્રાણા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિલ્પી બુરેઠા સંકલિત લેખ લખે છે. હવેથી શિલ્પી બુરેઠા વર્તમાન ન્યૂઝ.કોમ પર પણ પોતાના આ સંકલિત લેખ આપશે. આપને આપણી માતૃભાષાના આ સેવકોની સર્જન યાત્રા જરૂર પસંદ આવશે જ એવી અપેક્ષા છે. 

લેખન,સંકલન અને સ્કેચ:

'શિલ્પી' બુરેઠા, કચ્છ

 

 

*જીવન અંજલિ થાજો,મારું જીવન અંજલિ થાજો.*

*ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.*

*દીન દુઃખિયાના આંસુ લ્હોતા,અંતર કદી ન ધરાજો.*

*મારું જીવન અંજલિ થાજો.*

****

         કેટલીક રચનાઓ એવી બળકટ રચાતી હોય છે કે, કવિતા પોતે જ નહીં પણ કવિનેય હંમેશાં માટે અમર બનાવી દેતી હોય છે. કવિતા જ્યારે પ્રાર્થનાની હરોળમાં બેસી શકે એટલી સશક્ત અને સમૃદ્ધ હોય છે ત્યારે તેની પ્રસિદ્ધિ ફક્ત કવિતા સુધીની નહીં પરંતુ લોકહૈયાના ખૂણે ખૂણે પહોંચીને ભાવાત્મક અનુસંધાન સાધતી હોય છે. ઘણા ઓછા એવાં ગીતો છે જે પ્રાર્થનાની કક્ષાએ પહોંચેલા હોય છે.શાળાના અભ્યાસક્રમમાં તો ભણાવાય છે,પરંતુ પ્રાર્થનામાં પણ એટલી જ તન્મયતાથી ગવાય છે.કવિતા જયારે ઈશ્વરની આરાધનાનું માધ્યમ બને છે ત્યારે એ કવિતા નહીં પણ પ્રાર્થનાનું સ્વરૂપ ધારણ કરીને લોકજીભે રમવા માંડે છે. 

    રોજ-બરોજ આપણે ગાઈએ છીએ,સાંભળીએ છીએ એ 'જીવન અંજલિ થાજો'  કવિતા પ્રાર્થના સમી ઊંચાઈ પ્રાપ્ત કરેલ એક અદ્ભુત પ્રાર્થનાગીત છે. પ્રાર્થનામાં કશુક યાચના થતી હોય અથવા તો કશુંક પ્રાપ્ત થયા પછી આભારની લાગણી વ્યક્ત થતી હોય એવા ભાવ હોય છે. પરંતુ ઘણી એવી પ્રાર્થનાઓ પણ છે કે જેમાં અંતરના અંધારાને દૂર કરવા કવિ પ્રાર્થના દ્વારા  પ્રકાશની માગણી કરતા હોય સમગ્ર જીવનને સમર્પિત કરીને કુદરતે આપેલ જીવનને અંજલિરૂપે અર્પણ કરીને કૃતજ્ઞતા વ્યકત કરે છે. 

  બહુરંગી ઊર્મિપ્રધાનતા,માનવતા અને કરૂણતાથી આર્દ કવિતા આપનાર, કૃષ્ણ અને ગાંધીજીને અનુલક્ષીને માર્મિક કવિતા આપનાર, તીવ્ર કટાક્ષથી ધાર્યુ કવિકર્મ સુપેરે પાર પાડનાર ઉત્તમ કવિ,વાર્તાકાર અને નિબંધકાર,

'વૈશાંપાયન', 'પદ્મ' જેવા ઉપનામથી સર્જન કરનાર કવિ શ્રી કરસનદાસ માણેક ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સર્જક છે. 

    પાકિસ્તાનમાં આવેલા કરાંચીમાં તા.28 નવેમ્બર 1901ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ વતન જામનગર જિલ્લાનું હડિયાણા ગામ. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કરાંચીમાંથી લીધું હતું. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડીને તેઓ 'ગુજરાત વિદ્યાપીઠ'માં જોડાયા હતા પરંતુ પરીક્ષા આપ્યા વિના 1923માં ફરીથી કરાંચીની ડી.જે કૉલેજમાં દાખલ થયા અને સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે બી.એ.પૂર્ણ કર્યુ. 1939માં સુધી ત્યાંની હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે પણ સેવા આપી હતી. એ સમય દરમિયાન 'ડેઇલી મિરર' નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું આઝાદીની ચળવળમાં  1930થી 1932સુધી આઝાદીની ચળવળમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવેલો.1939થી જન્મભૂમિ'ના તંત્રી વિભાગમાં જોડાયા અને મુંબઈમાં સ્થાયી થયા.1948થી જન્મભૂમિ ટ્રસ્ટના 'નૂતન ગુજરાત'ના તંત્રી બન્યા.1950માં સામયિક બંધ થતાં1951થી 'સારથિ' નામના સાપ્તાહિક અને એ પછી 'નચિકેતા' નામનું માસિક શરૂ કર્યું.

  ઈસ.1924માં ટાગોરકૃત ‘મુક્તધારા’ અને બે બાળનાટકો’

(‘શરદુત્સવ’,‘મુકુટ’)ના અનુવાદોથી તેમનું લેખનકાર્ય શરુ થયું હતું . 

‘ખાખનાં પોયણાં’ (1934) ખંડકાવ્ય એમની આરંભની કાવ્યશક્તિનો ખ્યાલ આપે છે. ‘આલબેલ’ (1935)માં મુક્ત પ્રણય, સામ્યવાદી મિજાજથી રંગાયેલી રાષ્ટ્રભક્તિ અને ઈશ્વરભક્તિનાં કાવ્યો છે. ‘મહોબતને માંડવે’ (1942)માં ધીંગા પ્રણય-શૃંગારને વાચા મળી છે. ‘વૈશંપાયનની વાણી’-ભા. 1,2.(1943,1946)માં સમકાલીન રાજકારણ, સામાજિક કુરિવાજો ઉપર ઘેરા કટાક્ષો કરતી આખ્યાનશૈલીની રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘પ્રેમધનુષ્ય’ (1944)માં મુગ્ધ પ્રણયનાં અને ‘અહો રાયજી સુણિયે’ (1945)માં સમાજવાદી વિચારસરણી અને રાષ્ટ્રભક્તિનાં કાવ્યો સંગૃહીત છે. ગાંધીજી ઉપર લખાયેલી પદ્યકૃતિ ‘કલ્યાણયાત્રી’ (1945) પ્રશસ્તિપૂર્ણ રચના છે. ‘મધ્યાહ્ન’ (1958)માં મુગ્ધ પ્રણય અને સમકાલીન જીવનની વિષમતા, ‘રામ તારો દીવડો’ (1964)માં ભકતની આરત તથા ‘શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ’ (1969)માં શતકનાં હાસ-શોક કાવ્યબદ્ધ થયાં છે. એમની બે દીર્ઘરચનાઓ ‘હરિનાં લોચનિયાં’ (1969) અને ‘લાક્ષાગૃહ’ (1976) અનુક્રમે ગાંધી-કૃષ્ણનાં જીવનની કરુણતા અને મહાભારતકર્મમાં વ્યાસનાં કતૃત્વ-વેદનાને આલેખે છે. 

જીવનની સમસ્યાઓ અને મંગળતત્ત્વને નિરૂપતી એમની વાર્તાઓ ‘માલિની’ (1944), ‘રામ ઝરૂખે બૈઠકે’ (1966) અને ‘તરણા ઓથે’ (1975)માં; તો ધર્મકથાઓ, પુરાણકથાઓ અને બોધકથાઓને પોતાની શૈલીમાં વાર્તારૂપે ઢાળી છે તે કથાઓ ‘પ્રકાશનાં પગલાં’ (1946), ‘દિવ્ય વાર્તાઓ’ (1955), ‘અમર અજવાળાં’ (1959) અને ‘રઘુકુળરીતિ’ (1963)માં સંચિત થઈ છે. સિંધની કથાઓ, દંતકથાઓ પર આધારિત ‘સિંધુની પ્રેમકથાઓ’ (1953)માં અને બે લઘુનવલો ‘સિંધુનું સ્વપ્ન અને પ્રીતનો દોર’ (1965)માં ગ્રંથસ્થ થઈ છે. એમના ગંભીર પર્યેષણાત્મક નિબંધો ‘કળીઓ અને કુસુમો’ (1949)માં, ચિંતનાત્મક નિબંધો ‘ગીતાવિચાર’માં અને ધર્મઅધ્યાત્મના નિબંધો ‘હરિનાં દ્વાર’ (મરણોત્તર, 1979)માં સંચિત છે. ‘સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું’ (1959) નામક પરિચયપુસ્તિકા એમનો વિવેચક તરીકેનો પરિચય કરાવે છે. ‘મહાભારતકથા’- ભાગ.1,2,3, (1972,1973,1974)માં એમણે મહાભારતને રસતળી શૈલીમાં નિરૂપ્યું છે. ‘આઝાદીની યજ્ઞજવાળા’ (1943) 1857 થી 1942સુધીના ભારતના આઝાદીજંગનો ચિતાર આપે છે. ‘સાહિત્ય અને પ્રગતિ’ (અન્ય સાથે,1945) એમનું ઉમાશંકર જોશી આદિના સહયોગમાં થયેલું સંપાદન છે; તો વિનોબા અને શિવાનંદજીના વિચારોનું એમણે ‘અધ્યાત્મદર્શન’ (1963)માં સંકલન કર્યું છે. ‘ભર્તૃહરિનિર્વેદ’ (1958) એ હરિહર ઉપાધ્યાયના સંસ્કૃતગ્રંથનો એમણે કરેલો અનુવાદ છે.આ સર્જકનું તા. 18/1/1978માં વડોદરા ખાતે અવસાન થયું હતુ.(સંદર્ભ-સાભાર: બારીન મહેતા.ગુજરાતી સાહિત્ય પરિષદ) 

તેમની આ ખૂબ જ પ્રચલિત રચના માણીએ.

***

*મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,*

*ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !*

 

*ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,*

*તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !*

 

*ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર *

*ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !*

 

*દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના* 

*લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !*

 

*કામધેનુને મળે ના એક સૂકું તણખલું,*

*ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !*

 

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,

ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !