Page Views: 14086

કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવવા માટે ચેમ્બરનું જનજાગૃતિ અભિયાન પદયાત્રા

વરાછા ડાયમંડ એસો.ખાતેથી ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજાર સુધી કારખાનેદારો અને સ્થાનિક લોકોને કોરોના સામે સાવચેતી રાખવા માટે સમજણ આપવામાં આવશે

સુરત.27-11-2020

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન (એસ.ઓ.પી.)નું ચુસ્તપણે પાલન કરાવવા માટે તેમજ કોરોનાથી સાવચેત રહેવા માટે જનજાગૃતિ અભિયાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે શનિવારે, તા. ર૮ નવેમ્બર ર૦ર૦ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે વરાછામાં સુરત ડાયમંડ એસોસીએશનની ઓફિસ ખાતેથી પદયાત્રા કાઢીને ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજાર સુધી જશે તથા હીરાના કારખાનેદારો તેમજ સ્થાનિક લોકોને કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવા વિવિધ સ્લોગન્સ સાથે સમજણ આપવામાં આવશે.

સ્થાનિકોને નીચે મુજબના સ્લોગન્સ સાથે કોવિડ– ૧૯થી સાવચેત રહેવા માટે સમજણ અપાશે.

 કોરોનાનું ત્રીજું ચરણ નહિ આવવા દેવું હોય તો તમારા બંને ચરણ ઘરમાં રાખો.

– દેવ દિવાળી આવી રહી છે. જોજો, કોરોના યમદૂત બનીને તમને દેવ પાસે નહિ પહોંચાડી દે.

– થપ્પો દાવની રમત ચાલી રહી છે, દાવ કોરોનાનો છે, આપણે છૂપાઈને રહીશું તો જીતી ગયા, બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે, દુનિયામાંથી.

– વેન્ટીલેટર કરતા માસ્ક પહેરવું સારું, આઈ.સી.યુ.માં રહેવા કરતા ઘરમાં રહેવું સારું અને જિંદગીથી હાથ ધોવા કરતા સાબુથી હાથ ધોવા સારા.

– વેન્ટીલેટર કરતા માસ્ક અને કફન કરતા રૂમાલ સસ્તો છે. પસંદગી તમારી...

– કુદરતે આપેલી ભેટોને માનવે નુકસાન પહોંચાડ્‌યું છે. આ કોરોના વાયરસ તેની છેલ્લી નોટીસ છે. હજી પણ જો નહિ સમજીશું તો કબજો લેતા વાર નહિ લાગશે દાનવને.

– રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે, આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે.

– કોઈને નડવું નહિ એવું આપણને શીખવાડવામાં આવે છે. પણ કોઈને અડવું નહિ એ કોરોના આપણને શીખવી રહ્યું છે.

– એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી કે આજે તેને ઘર પણ જેલ જેવું લાગે છે, પણ એ  જ જેલ અત્યારે તો સમયની માંગ છે.

– સમય સમયની વાત છે સાહેબ, પહેલા કહેતા નેગેટીવ લોકોથી દૂર રહો. હવે કહે છે કે પોઝીટીવ લોકોથી દૂર રહો. આ મહેણું ક્‌યારે ભાંગીશું ?

– કોરોનાએ આપણને સમજાવ્યું કે આપણો દેશ અને આપણા ઘર જેવી સુરક્ષિત જગ્યા બીજે ક્‌યાય નથી.

– સમય પણ ઘણો મજાનો છે સાહેબ, પહેલા મળતો નહોતો અને હવે જતો નથી. શું આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નથી આવવા માંગતા ?