Page Views: 5843

આજે પણ સુરતમાં કોરોના વિસ્ફોટ- એક જ દિવસમાં 299 કેસ નોંધાયા

કોરોનાને કારણે શહેર જિલ્લામાં ચાર વ્યક્તિના મોત સાથે કુલ મરણાંક 1054 ઉપર પહોંચ્યો

સુરત-27-11-2020

સુરત શહેર અને જિલ્લામાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ ચિંતા જનક રીતે વધી રહ્યું છે અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હોય એવુ બિહામણું ચિત્ર ઉપસી રહ્યું છે. આવા સંજોગોમાં આજે શુક્રવારના રોજ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 299 કેસ નોંધાયા છે. જે પૈકી સુરત શહેરમાં કોરોનાના નવા 238 દર્દીઓ નોંધાયા છે જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના નવા 61 કેસ સામે આવ્યા છે. આજે સુરત શહેર જિલ્લામાં કોરોનાને કારણે ચાર વ્યક્તિના મોત થયા છે. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 42 હજાર 827 ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1054નો આંક વટાવી ચુકી છે. કોરોનાના કુલ 39 હજાર 998 દર્દીઓ સાજા થયા છે અને હાલમાં 1775 એક્ટીવ કેસ છે આ તમામ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.