Page Views: 5384

કોરોના રાત્રી કરફ્‌યુમાં રેલવે સ્ટેશન પરથી મુસાફરોને ઘર સુધી પહોંચાડવાનું ચેમ્બરનું આવકાર દાયક અભિયાન શરૂ

પ્રથમ દિવસે જ ચેમ્બરના વોરિયર્સ દ્વારા 125 મુસાફરોને ઘરે પહોંચાડ્યા

સુરત. 25-11-2020

કોવિડ– ૧૯ની વર્તમાન રાત્રિ કરફ્‌યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ, બાળકો અને મહિલા મુસાફરો કે જેઓની પાસે પોતાના વાહનની સગવડ નહીં હોય તેઓને સુરત રેલ્વે સ્ટેશનથી તેમના ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંગળવારે, તા. ર૪ નવેમ્બર, ર૦ર૦ના રોજ કુલ રપ કારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આશરે ૧રપ મુસાફરોને રેલ્વે સ્ટેશનથી તેમના ઘર સુધી સુવ્યવસ્થિત પહોંચાડવામાં આવ્યા હતા. આ અભિયાન હાલમાં ચાલુ રહેશે. પ્રથમ દિવસે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, નાયબ પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર કામગીરી નિહાળી હતી. 

ચેમ્બર દ્વારા માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરેક કારને પોતાનો એક રાઉન્ડ સમાપ્ત થયા પછી સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવતી હતી અને ત્યારબાદ જ બીજા રાઉન્ડ માટે કારને મોકલવામાં આવતી હતી. આ સેવાકાર્યમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા, ઉપપ્રમુખ આશિષ ગુજરાતી, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયા, ગૃપ ચેરમેનો દીપક શેઠવાળા, ડો. અનિલ સરાવગી, બિજલ જરીવાલા, રાકેશ જૈન, પરેશ લાઠીયા તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો લાલજી હિરાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

કેટલાક રસપ્રદ કિસ્સાઓ  

- પાંડેસરાના એકાંત વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષની એક મહિલા કે જેમનો સંપર્ક તેમના પરિવાર સાથે થઇ શકયો ન હતો તેમને તેઓના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

- ચાર નાની બાળાઓ કે જે મુંબઈથી સુરત આવેલી ટ્રેનમાંથી ઉતરી હતી. તેઓનો તેમના વાલીઓ સાથે સંપર્ક થઇ શકયો ન હતો. તેઓને પણ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી હતી.

- કામરેજ રહેતા એક પરિવાર પાસે રીક્ષામાં જવા માટેના પૈસા ન હતા. તેઓને પણ તેમના કામરેજ નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.

- ૮૦ વર્ષના અપંગ વૃદ્ધ તેમના પરિવાર સાથે આશ્રય શોધતા હતા. આ પરિવારના આઠ વ્યક્તિઓને સહી સલામત તેમના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.

- નવાગામ ડિંડોલીમાં રહેતા રેલવેના મહિલા સ્ટાફ સભ્યોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. 

ચેમ્બરની સાથે આખી વ્યવસ્થામાં રેલ્વે પોલીસ અને રેલ્વેનો સ્ટાફ પણ આ જોડાયો હતો. આગામી દિવસોમાં શહેરના ઔદ્યોગિક એસોસીએશનો, બેંકો, સહકારી સંસ્થાઓના સહકારથી પ૦૦ જેટલા બેરીકેડ્‌સ સુરત પોલીસને ભેટ આપવામાં આવશે. 

આ સેવાકાર્યમાં આપ પણ આપનું નામ નોંધાવી શકો છો. આપ, આપની કાર અને કારચાલક સહિત આપના નામો નોંધાવવા માટે (૧) દીપક શેઠવાળા – ૯૮ર૪૧૩૭૭૦પ, (ર) બિજલ જરીવાળા – ૯૧૭૩૩૪ર૬૧૦, (૩) અનિલ સરાવગી – ૯૮રપ૦૭૭૬૭૮નો સંપર્ક કરી શકો છો