Page Views: 3611

બાળ વિદ્યાર્થીઓ સાથે બિભત્સતા આચરનાર લંપટ વ્યાયામ શિક્ષકને કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી

બે બાળકોને શિક્ષક દ્વારા બિભત્સ ચેનચાળા કરવામાં આવતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી- મુળ ફરિયાદી તરફે એડવોકેટ પ્રીતિ જોષી અને સરકારી વકીલ અરવિંદ વસોયાની દલીલોને પોક્સો કોર્ટે માન્ય રાખી

સુરત-25-11-2020

આજથી ચાર વર્ષ પહેલા લાલ દરવાજા ખાતે આવેલી એમ.એસ.યુ સ્કૂલના બે સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કરવાના કેસમાં પોક્સો એકટના ભંગ બદલ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ શાળાના શિક્ષક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.  આરોપી વ્યાયામ શિક્ષકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતે દોષી ઠેરવી પાંચ વર્ષની કેદ તથા રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જેના પગલે શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.લાલ દરવાજા નજીક આવેલી એમ.એસ.યુ. સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા વેડ રોડ ખાતે બહુચર સોસાયટીમાં રહેતા આરોપી શિક્ષક જીતેશ શાંતિલાલ વાઘેલા વિરુદ્ધ તારીખ 04-10-16ના રોજ ભોગ બનનારના બે સગીર વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના સગીર બાળકો સાથે શારીરિક અડપલા કરી પોક્સો એકટના ભંગ અંગેની ફરિયાદ મહિધરપુરા પોલીસમાં નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આરોપી શિક્ષક જીતેશ વાઘેલાએ એકથી વધુ વાર ભોગ બનનારના બે સગીર મિત્રો ને જુનાગઢ પ્રવાસ દરમિયાન તથા વ્યાયામના પિરિયડ અથવા રમત-ગમતની હરીફાઈમાં બહારગામ ગયા હોય ત્યારે શારીરિક અડપલા કરતો હતો. આરોપી શિક્ષક બંને સગીર બાળકોને કિસ કરવા તથા એકબીજા પર સુવડાવી તેમના શરીરના પાછળના ભાગે નિતંબ પર ધક્કો મારતા હતા. જેથી આ કેસમાં મહિધરપુરા પોલીસે પોકસો એક્ટના ભંગના ગુના બદલ આરોપી શિક્ષક જીતેશ વાઘેલા ની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. આ કેસની અંતિમ સુનાવણી પોક્સો કેસોની ખાસ અદાલત સમક્ષ ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદ પક્ષે એપીપી અરવિંદ વસોયા તથા મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પ્રીતિબેન જોશીની લેખિત રજૂઆતને માન્ય રાખી આરોપી વ્યાયામ શિક્ષક જીતેશ વાઘેલાને ગુનામાં દોષિત ઠેરવી પાંચ વર્ષની કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આરોપી શિક્ષકના આ કારનામાને કારણે શૈક્ષણિક સંસ્થાની પણ બદનામી થઇ હતી. તેમજ શાળા સંચાલકો દ્વારા શિક્ષકને તાબડતોબ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.