Page Views: 5010

સુરતીલાલાઓ સાવધાન- પોલીસ પાલિકા હવે ગાડીમાં માસ્ક ન પહેરનારાને ઇ-મેમોથી દંડ ફટકારશે

છ મહિનામાં સાત કરોડ રૂપિયા દંડ ભરનારા સુરતીઓ હવે બેદરકારી દાખવશે તો ભારે પડશે

સુરત-24-11-2020

માસ્ક વગર ફરતા લોકોને કોરોનાનું સંક્રમણ થવાનું અથવા તો તેમના કારણે સંક્રમણ ફેલાવાનું સૌથી વધારે જોખમ રહે છે. પરંતુ શહેરીજનો માસ્ક પહેરવાની બાબતમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે ત્યારે હવે સુરત શહેર પોલીસ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સંયુક્ત રીતે અભિયાન હાથ ધરીને સુરત શહેરમાં લાગેલા સીસી ટીવી કેમેરાના માધ્યમથી માસ્ક પહેર્યા વગર ગાડી ચલાવનારા લોકો પાસેથી ઇ મેમો ઘરે મોકલવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. સુરતીલાલાઓએ હવે સાવધાન થવાની આવશ્યકતા છે  કોરોના કાળના 6 મહિનામાં માસ્ક નહિ પહેરનારા 18.60 લાખ લોકો પાસેથી અધધ 7 કરોડનો દંડ વસૂલાયો છે. સુરતમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉચક્યું છે. જેને લઇને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. શહેરીજનોને અલગ-અલગ તરકીબો અપનાવી માસ્ક પહેરવા, સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અને કોરોનાની તમામ ગાઈ લાઈનનું પાલન કરવા માટે અપીલ કરાઈ રહી છે પરંતુ શહેરમાં કેટલાક લોકો એવા પણ છે કે જે હજી પણ સુધરવાનું નામ જ નથી લઈ રહ્યાં. તેઓ ભયંકર બેદરકારી દાખવી રહ્યા છે જેનો ભોગ સમગ્ર શહેરીજનો બની રહ્યા છે. પરિણામે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જોકે શહેરમાં માસ્ક નહીં પહેરનારા લોકો સામે પોલીસ અને પાલિકા દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતીલાલાઓએ 6 મહિનામાં 7 કરોડનો દંડ ભર્યો હતો. પાલિકાએ 17 લાખ લોકો પાસેથી 84 લાખ રૂપિયા જ્યારે પોલીસે 1.60 લાખ લોકો પાસેથી 6 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. પરંતુ હવે જો ગાડી ચલાવી રહ્યા હોવ અને માસ્ક નહીં પહેર્યું હશે તો ઈ-મેમો ઘરે આવશે. વાહન ચલાવતી વખતે પણ લોકો માસ્ક પહેરી રાખે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં માસ્ક પહેર્યા વગર કોઈપણ વ્યક્તિ વાહન ચલાવશે અથવા તો માસ્ક ગળા પર પહેર્યું હશે તો કેમેરામાં તેઓના ફોટો પાડીને ઈ-મેમો ઘરે મોકલવામાં આવશે.