Page Views: 3514

સફળ ફિલ્મોના લેખક સલીમ ખાન

જાવેદ અખ્તર સાથે મળીને સલીમ ખાને અનેક સફળ ફિલ્મોની સ્ક્રીપ્ટ લખી છે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિન્દી ફિલ્મોમાં લેખકોનું માન વધારનાર સલીમ ખાનનો ૮૪મો જન્મ દિન. ૨૪ નવેમ્બર, ૧૯૩૫ના રોજ ઇન્દોરમાં તેમનો જન્મ. ફિલ્મી લેખક હોવા ઉપરાંત તેઓ અભિનેતા પણ હતા. હિન્દી ફિલ્મોની સૌથી સફળ લેખક બેલડી સલીમ-જાવેદમાંના તેઓ સલીમ. વળી તેઓ અભિનેતાઓ સલમાન ખાન, સોહિલ ખાન અને આરબાઝ ખાનના પિતા અને સુશીલા યાને સલમા ખાન અને નૃત્યકાર અભિનેત્રી હેલેનના પતિ છે.

અલાકોઝાઈ પુસ્તુન પ્રજાતિના વારસદાર એવા ધનવાન પરિવારમાં ઇન્દોરમાં સલીમ ખાનનો જન્મ થયો હતો. તેમના પરદાદા ૧૮૫૦ના અરસામાં અફઘાનિસ્તાનમાંથી આવ્યા હતાં. સલીમના પિતા રશીદ ખાન ઇન્દોરના ડીઆઈજી હતા. સલીમ ૯ વર્ષના હતા ત્યારે માતાનું ટીબીમાં નિધન થયું હતું. તેઓ ૧૪ વર્ષના થયા ત્યારે પિતાનું પણ નિધનથયું હતું. ઇન્દોરમાં સ્કૂલ કરી હોલકર કોલેજમાં તેઓ જોડાયા અને બીએ થયા, એ જમાનામાં તેઓ કાર લઇને કોલેજ જતા. તેઓ ખેલ, ખાસ કરીને ક્રિકેટ સારું રમતા હતા, તેથી એમએ માં પણ પ્રવેશ મળ્યો હતો. તેમના દેખાવ અને સ્માર્ટનેસને લીધે મિત્રો તેમને ફિલ્મોમાં જવાનું કહેતાં. રાજેશ્રીના તારાચંદ બરજાત્યાના દીકરા કમલ બરજાત્યાના લગ્નમાં નિર્દેશક કે. અમરનાથે સલીમને જોઈ પોતાની ફિલ્મબારાતમાં સહાયક ભૂમિકા કરવાની રૂ. ૪૦૦ના માસિક પગારે ઓફર કરી હતી. સલીમ મુંબઈ આવ્યા અને માહિમની ખોલીમાં રહ્યા. જોકે ફિલ્મ નિષ્ફળ રહી. સલીમે હવે સંઘર્ષ કરવાનો હતો. સારા દેખાતા સહાયક યુવાનની નાની નાની ભૂમિકા તેમને મળતી, જે છેલ્લે બી-ગ્રેડની ફિલ્મોમાં પરિણમી. એવી નજીવી બે ડઝન ભૂમિકાઓ તેમણે કરી. ૧૯૭૭ સુધી તેમણે નાની ભૂમિકાઓ કરી, જેમાં તીસરી મંઝીલ’, ‘દીવાનાજેવી ફિલ્મો હતી. ‘સરહદી લૂટેરાતેમના અભિનયવાળી છેલ્લી ફિલ્મ દરમિયાન સલીમ પહેલીવાર જાવેદને મળ્યા. ત્યારે જાવેદ પહેલાં ક્લેપર બોય અને પછી સંવાદ લેખક બન્યા હતા. એ ફિલ્મને લીધે તેમની દોસ્તી થઇ. સલીમ ખાનને લેખક-નિર્દેશક અબરાર અલવીના સહાયકનું કામ મળ્યું, જેમાં તેઓ પટકથા અને સંવાદ ફાઈનલ કરતા. બરાબર એવું જ કામ જાવેદ અખ્તરને કૈફી આઝમી પાસે મળ્યું હતું. અલવી અને આઝમી પડોશી હતા, માટે સલીમ અને જાવેદ મળતાં રહ્યાં. એમાંથી સલીમ-જાવેદની જોડી બની. સલીમ વાર્તા અને પ્લોટ ઘડતા અને જાવેદ તેમાં સંવાદ ઉમેરતા, કયારેક ગીત પણ લખતા. જી.પી. સિપ્પીએ તેમને સ્ક્રીનલેખક રૂપે કામ આપ્યું. તેમાંથી અનેક સફળ ફિલ્મો આવી, જેવીકે અંદાઝ’ (૧૯૭૧), ‘સીતા ઔર ગીતા’, ‘શોલેઅને ડોન’. ‘અંદાઝતેમની પહેલી મોટી સફળતા હતી, પછી આવી અધિકાર’, ‘હાથી મેરે સાથી’, અને સીતા ઔર ગીતા’.

સલીમ-જાવેદની સફળ ફિલ્મોની યાદીમાં યાદોં કી બારાત’, ‘ઝંજીર’, ‘હાથ કી સફાઈ’, ‘દીવાર’, ‘શોલે’, ‘ચાચા ભતીજા’, ‘ડોન’, ‘ત્રિશુલ’, ‘દોસ્તાના’, ‘ક્રાંતિ’, ‘મિ. ઇન્ડિયાઉમેરાઈ. સલીમ જાવેદની જોડીએ ૨૬ ફિલ્મો લખી, જેમાં બે કન્નડ અને બે તેલુગુ ફિલ્મો પણ હતી. તેમાંથી ૨૧ ફિલ્મો હીટ ગઈ હતી. જે નિષ્ફળ ગઈ તે ફિલ્મોમાં આખરી દાવ’, ‘ઈમાન ધરમ’, ‘કાલા પથ્થરઅને શાનનો સમાવેશ થાય છે. તેમના અહમને લીધે તેઓ છુટા પડ્યા. તે પછી આવેલી તેમણે લખેલી મિ. ઇન્ડિયા’ (૧૯૮૭) પણ સફળ થઇ હતી.

આ જોડી પહેલી હતી, જેણે કથા, પટકથા અને સંવાદ સાથે લખ્યાં. ૧૯૭૦ પહેલાં આવું નહોતું. અરે, લેખકોના નામ ફિલ્મોના ટાઈટલમાં પણ નહોતા આવતા. જુનિયર, સંઘર્ષ કરતા લેખકોને થોડી રકમ આપી ભૂલી જવાતા હતાં. આ સફળ જોડીએ ફિલ્મ લખવાના વધુ પૈસા માંગ્યા, તેમના નામ પોસ્ટરમાં લખાતા થયા, તેઓ ફિલ્મમાં કોને કલાકાર રાખવા તે સહિત સુચનો કરતા. તેમણે લેખકોને સ્ટાર સ્ટેટસ અપાવ્યું હતું.

જાવેદથી છુટા પડી સલીમ ખાને દસ ફિલ્મો લખી. જેમાં મઝધારઅને સલમાન ખાનની પથ્થર કે ફૂલસામેલ છે. ‘પ્યાર કિયા તો ડરના ક્યાઅને ઔજારનું તેમના નાના દીકરા સોહિલ ખાને નિર્માણ કર્યું અને સલમાને તેમાં અભિનય કર્યો.

સલીમ-જાવેદને દીવારઅને જંજીરમાટે કુલ પાંચ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. સલીમ ખાનને નિર્માતાઓના મંડળ અપ્સરા દ્વારા ૨૦૧૪માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો. ત્યારે જ સલીમ ખાનને પદ્મશ્રીની ઓફર થઇ તો તેમણે એવું કહીને ઇનકાર કર્યો હતો કે તેઓ ઓછામાં ઓછા પદ્મભૂષણના હકદાર છે.