Page Views: 101039

ના, હું મારા લાલને એમ એકલો ત્યાં નહીં મોકલવા દઉં

અને ગઝલની સાથે વહેતાં વહેતાં એ પંચાવન વર્ષ પાછળ વહી ગયા

( જન્મની સાથે જ સંસારમાં અનેક વિપરીત પરિસ્થિતિનો સામનો કરતા આવેલા એક સુરદાસની આ વાત છે. જીવનના ચડાવ ઉતારમાં પણ સ્થિર રહીને એક વ્યક્તિ કેટલી પ્રગતિ કરી શકે છે. સંસારની માયાજાળ આવા વ્યક્તિની કેટલી કસોટી લે છે અને આખરે જીત કોની થાય છે એ ઘટના ક્રમ આ સત્ય ઘટનામાં સમાવવામાં આવ્યો છે. આ સત્ય ઘટના અંગે આપના અભિપ્રાય અમને 9173532179 ઉપર મોકલશો તો ગમેશે)

  વાપી-નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા 

"कुछ इस तरह से सताया है ज़िंदगी ने मुज़े,

हसा हसा के रूलाया है ज़िंदगी ने मुज़े।

 

ग़मों ने एक भी अरमां मेरा ज़िंदा नहीं छोडा

मगर ए ज़िंदगी! मैं ने तेरा पीछा नहीं छोडा।"

            આરિફા શબનમની ગઝલ સાંભળતાં સાંભળતાં પ્રવિણ સુરિયા

ભાવુક થઈ ગયા. એક એક શબ્દમાં એમને પોતાની જ કહાની દેખાઈ અને ગઝલની સાથે વહેતાં વહેતાં એ પંચાવન વર્ષ પાછળ વહી ગયા.

***************************

   હજુ તો નવો નવો શાળામાં દાખલ થયેલો પ્રવિણ કક્કો- બારાક્ષરી અને એકડા બરાબર શીખે એ પહેલાં તાવે એને ઝડપી લીધો.સામાન્ય તાવ માનેલો એ ધીરે ધીરે ટેમ્પરેચર વધારતો ગયો. ડૉક્ટરને બતાવતાં મેલેરિયા ડિટેક્ટ થયો. એમાંથી ટાઈફોઈડ અને મેનિનજાઈટિસ...

બે મહિના હૉસ્પિટલાઈઝ્ડ રહ્યા પછી એ ટાબરિયો ઘરે આવ્યો પણ આ શું? એ હાથ ફંફોસીને અને હાથ ફેલાવીને હલનચલન કેમ કરે છે?

એની આંખો તો એકદમ નૉર્મલ જ દેખાતી હતી પછી આમ કેમ? ડૉક્ટરને બતાવતા જ ખબર પડી કે પેલી લાંબી બીમારી હવે અંધારપટ બની એને જીવનભર વળગી ગઈ હતી! એક સ્વતંત્ર રીતે હસતું-ખેલતું બાળપણ હવે પરવશ થઈ ગયું હતું.

પિતા પુંજાભાઈ એ સમયે પણ જાગ્રત વાલી હતા. પોતાના સાતેય સંતાનોને ભણાવવાની બાબતમાં મક્કમ હતા. અને એમણે દિલ પર પથ્થર રાખીને એક દ્રઢ નિશ્ચય કરી લીધો. એમણે ઘરમાં સૌને જણાવ્યું. સાંભળતાંવેંત માતા જમનાબહેનની આંખો ચોધાર વરસી પડી.

"ના, હું મારા લાલને એમ એકલો ત્યાં નહીં મોકલવા દઉં. હું તમને હાથ જોડું છું." છ વર્ષનો બાળક હજુ વાતને સમજી શક્યો નહોતો.

"તું શું એમ માને છે કે મને દુઃખ નથી થતું? અરે!ગાંડી, એ મારો પણ દીકરો છે અને એટલે જ હું નથી ચાહતો કે એ જીવનભર ઓશિયાળો બની રહે ભણી-ગણીને સ્વાવલંબી બને, દ્ર્ષ્ટિ ન હોવા છતાં મજબૂરી નહીં પણ મગરૂરીથી જીવે એમ હું ઈચ્છું છું. લાંબુ વિચાર, આપણે એને ક્યાં સુધી સાચવીશું? પોતાની સંભાળ ખુદ લેતો થાય એવું કરીને એના ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ."

આખરે પ્રવિણને જૂનાગઢની એમ. પી. શાહ અંધશાળામાં દાખલ કરી દેવામાં આવ્યો. છ વર્ષનો બાળક બા અને બાપુજી તથા બાકીના છ ભાંડરડાંથી દૂર એકલો જ શિક્ષણની સફરે નીકળી પડ્યો. વહાલી બાના હેતનો ભૂખ્યો એ બાળ અંધારને ઓઢીને સૂતો ત્યારે મમતામયી ગોદને તરસી જતો અને ગળે ડૂમો બાજી જતો. હર પળે હૈયું 'બા'ને પોકારતું, હાથ ફેલાવીને 'બાપુજી'ને શોધતું, ભાઈ-બહેનો સાથે રમવા માટે આકળ-વિકળ થતું! આખરે ભેંકડો તણાઈ જ જતો,. અંધશાળાના શિક્ષકોના સાથમાં એ હળવે હળવે ભળતો થઈ ગયો અને એક ઘેરી ઉદાસી ચૂપચાપ ખૂણો શોધીને અંતરના ઊંડાણે ધરબાઈ ગઈ. વેકેશનમાં બાપુજી આવીને લઈ જતા અને શાળા શરૂ થતાં પાછો મૂકી પણ જતા. વખત જતાં એ સફર પણ એકલો જ ખેડતો થઈ ગયેલો.ગામના લોકોના બોલ ખમીને પણ પુંજાભાઈ પુત્રના જીવનમાં જ્ઞાનનો પ્રકાશપુંજ પાથરવાના નિશ્ચયમાંથી વિચલિત ન થયા. આમ ને આમ - 

'ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ' - પોરબંદર

'અંધજન મંડળ' - વસ્ત્રાપુર - અમદાવાદ

'અંધજન તાલીમ કેન્દ્ર' - અમરેલી

'વિવિધલક્ષી અંધજન તાલીમ કેન્દ્ર' - જામનગર

શાળા બદલાતી ગઈ, અભ્યાસ આગળ વધતો ગયો અને આખરે એ  છ વર્ષનો બાળક ૨૫ વર્ષનો યુવાન બની ગયો. ગુજરાતી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ અને સંગીત વિશારદનો ડીગ્રીધારક આત્મનિર્ભર પ્રવિણ!

ગામના જે લોકો બોલ બોલ કરતાં હતાં એ બધાં મોંમાં આંગળા નાખી ગયાં અને પુંજાભાઈની હિંમતના બે મોઢે વખાણ કરવા લાગ્યા.

*************************

અચાનક વૉલ્યુમ વધતાં પ્રવિણભાઈ જાણે ટાઈમમશીનમાંથી આજમાં પ્રવેશ્યા.

"इस तरह दुनिया मे कोई और चेहरा देखता 

देखते ही तेरी सूरत रौशनी जाती रही।।"

जब तकब्बुर का ख़याल आ जाए 'शबनम '

सोच लेंना तुजसे तेरी शायरी जाती रही !"

ગઝલ પૂરી થતાં તેઓ પાણી પીવા ઊભા થયા. પાણી પીતાં પીતાં એને ફરીથી એ દિવસ યાદ આવી ગયો. આમ જ એમના હાથમાં પાણીનો ગ્લાસ હતો અને બાપુજીનો અવાજ સંભળાયો હતો...

***************************

" પ્રવિણ બેટા! છત્રાસાની પ્રાથમિક શાળમાંથી તારો કૉલ લેટર આવી ગયો છે."

અને જીવનનો બીજો પડાવ: આર્થિક ઉપાર્જનનો.

૦૨/૧૨/૧૯૮૫ નવી સફરનો આરંભ! એ પછી તો ૯૬ની સાલમાં ધોરાજીની કન્યા શાળા અને ૯૭માં 

તાલુકા શાળા નં. ૩માં અને ૯૮ થી ૨૦૧૮ સુધી રાજકોટની શિવશક્તિ પ્રાથમિક શાળામાં વિવિધ સૂરાવલીઓ છેડાતી રહી. એક વાત યાદ એવતાં ચહેરો થોડો વિલાઈ ગયો! બધા જ ભાઈઓ ખૂબ જ પ્રેમથી રાખતા હતા પણ હવે પ્રવિણ કમાતો થયો છે, જવાબદારી ઉપાડતો થયો છે તો એના પણ લગ્ન કરાવી દેવાનો વિચાર બાપુજીને આવ્યો અને અમલમાં પણ મૂકાયો. એક છોકરી મળી ગઈ. એના મા-બાપ સાથે વાતચીત થઈ. છોકરીને પણ કહી દેવામાં આવ્યું કે સેવા કરવાની તૈયારી સાથે જ પરણવાનું છે. એણે પ્રવિણની આંખ બનવાનું છે.લગ્ન થઈ ગયાં. પાંચ વર્ષના લગ્નજીવનના ફળસ્વરૂપે ૧૯૯૨માં પુત્રરત્ન નિશીથનો જન્મ થયો. સૌ ખુશખુશાલ હતાં. પ્રવિણભાઈ પર ભગવાને અમીદ્રષ્ટિ રાખી છે. આંખની રોશની ન હોવા છતાં જીવન રોશન કરી દીધું હતું! પુત્રના જન્મના હરખના આંસુ હજી  ચમકતાં જ હતાં કે...

એમના મોઢેથી ગઝલની પંક્તિઓ સરી પડી:

"जिंदगी को ढूंढने में जिंदगी जाती रही,

इस तरह घेरा ग़मों ने हर ख़ुशी जाती रही। 

અને એ દ્શ્ય નિસ્તેજ આંખો સામે સ્વરદેહે આકારી રહ્યું!

પુત્ર એક વર્ષનો થયો કે પ્રવિણભાઈના જીવનમાં એક જોરદાર ઝંઝાવાત સર્જાયો. એમની પત્નીએ પતિથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો હતો. 

એને પુનર્લગ્ન કરવા હોવાથી પુત્ર નિશીથનો હવાલો પ્રવિણભાઈના બધા ભાઈઓએ સહિયારો લઈ લીધો. નિશીથ ઉછરી ગયો અને કેમિસ્ટ્રી સાથે M.Sc. થઈ ગયો. ભારતીય સંસ્કૃતિની કુટુંબભાવનાનું એક ઉમદા ઉદાહરણ! 

એ અંકલેશ્વરની Lupin pharma co.માં જોબ પર લાગી ગયો. ૨૦૧૭માં એના લગ્ન પણ થઈ ગયાં.

હવે નિવૃત્તિકાળમાં પ્રભુભજન સિવાય શું બાકી રહ્યું હવે?

 "તું મને ભગવાન એક વરદાન આપી દે..."

ફૉનનો રીંગટૉન વાગતાં જ પ્રવિણભાઈ પાછા વર્તમાનમાં પ્રવેશ્યા. જોયું તો નિશીથનો ફૉન હતો. તેઓ અંકલેશ્વરથી રાજકોટના એમના ઘરે આવ્યા હતા અને લૉકડાઉનમાં ફસાઈ ગયા હતા. એમણે ફૉન રિસીવ કર્યો અને 'પપ્પા'નો મધુરો બોલ સાંભળતાં જ એક અનેરો સંતોષ એમના ચહેરા પર ઝળકી ઉઠ્યો!