સુરતઃ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે શનિવારે તા. ર૭ જુલાઇ ર૦૧૯ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભારત સરકારના એમએસએમઇ વિભાગના એમએસએમઇ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ, અમદાવાદ દ્વારા વિવિધ રાજયોમાંથી આવેલા એમએસએમઇના અધિકારીઓ માટે ટ્રેનીંગ પ્રોગ્રામનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં એમએસએમઇ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ અમદાવાદના ડાયરેકટર શ્રી કમલ સિંઘ અને આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી પી.બી. પરમાર તથા દેશભરમાંથી આવેલા એમએસએમઇના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ રાજયમાંથી સુરત આવેલા અધિકારીઓને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સ્થાપિત થયેલી ગુજરાતની ૪૭ ટકા એમએસએમઇ ઇન્ડસ્ટ્રીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ સુરતની ઈન્ડસ્ટ્રીનો અભ્યાસ એમએસએમઇ વિભાગના ડેવલપમેન્ટ માટે અને દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વનો બની રહેશે તે અંગે સમજણ આપવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારોહ બાદ એમએસએમઇના અધિકારીઓની ટીમ સચિન અને પાંડેસરા વિસ્તારમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની વિઝીટ અને અભ્યાસાર્થે રવાના થઇ હતી.
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માત્ર ગુજરાતનો જ નહીં પણ ભારતનો પણ ગોલ્ડન કોરીડોર મનાય છે. સુરતમાં ખાસ કરીને ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીની મુલાકાતથી ઇન્ડસ્ટ્રી માટેના ઘણા ઇનપુટ્સ અધિકારીઓને મળી રહેશે. દેશના વિકાસ માટે એમએસએમઇનો રોલ મહત્વનો છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ચેમ્બરનું પણ મહત્વનું યોગદાન રહયુ છે. એમએસએમઇ સેગ્મેન્ટને મજબુત બનાવવા અને વિશ્વ કક્ષાની હરીફાઇમાં ટકી રહે તેવુ બનાવવા માટે આ ટ્રેનીંગ પ્રોગ્રામ અતિ મહત્વનો સાબિત થશે તેવી લાગણી તેમણે અધિકારીઓ સમક્ષ વ્યકત કરી હતી. ચેમ્બરના તત્કાલિન ભુતપુર્વ પ્રમુખ શ્રી હેતલ મહેતાએ સુરતના ઔદ્યોગિક માળખાની માહિતી આપી હતી. સુરત વિશે તેમણે કહયુ હતુ કે ૧૧મી સદીથી ૧૬મી સદીમાં પણ સુરત ટ્રેડીંગ હબ તરીકે ઓળખાતુ હતુ. તે સમયે પણ ૮૪ જેટલા દેશો સાથે સુરતથી ટ્રેડીંગ થતુ હતુ. ડચ, આર્મેનિયન અને અંગ્રેજોએ પણ વેપારની શરૂઆત સુરતથી જ કરી હતી. સુરતમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડની સાથે તેની સાથે સંકળાયેલી ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ મશીનરી જેવી ઈન્ડસ્ટ્રી પણ ડેવલપ થઇ છે. સુરતની ઇન્ડસ્ટ્રીનો મુખ્ય હેતુ રોજગારી પુરી પાડવાનો છે. એમએસએમઇ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી પી.બી. પરમારે ટ્રેનીંગ પ્રોગ્રામની રૂપરેખા આપી હતી. તેમણે કહયુ હતુ કે, ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તો છે પણ સુરતમાં ગુજરાતની ૪૭ ટકા એમએસએમઇ સ્થાયી થઇ છે. આથી સુરતમાં એમએસએમઇનો અભ્યાસ એમએસએમઇના અધિકારીઓ માટે મહત્વનો બની રહેશે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એવા એમએસએમઇ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ અમદાવાદના ડાયરેકટર શ્રી કમલ સિંઘે જણાવ્યુ હતુ કે દેશના જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચેન્નાઇ અને દિલ્હીથી એમએસએમઇના અધિકારીઓ સુરતમાં એમએસએમઇ ઇન્ડસ્ટ્રીના અભ્યાસ માટે આવ્યા છે. સુરતમાં ટેક્ષ્ટાઇલ કલસ્ટર અને જેમ એન્ડ જવેલરી કલસ્ટર તથા દમણ ખાતે ફાર્મા કલસ્ટરની સ્ટડી વિઝીટ કરશે. કલસ્ટરની સાથે સાથે સુરતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુશન્સની પણ તેઓ વિઝીટ લેશે. ગુજરાતમાં રાજકોટ, જામનગર, વડોદરા અને સુરત ઇન્ડસ્ટ્રીયલ હબ છે. અધિકારીઓને સુરતમાં ઇન્ડસ્ટ્રીની વિઝીટ બાદ ઇન્ડસ્ટ્રીયલ સિનારીયાનો ખ્યાલ આવશે. કાર્યક્રમના અંતે ચેમ્બરની એમએસએમઇ સેકટર કમિટીના ચેરમેન શ્રી પંકજ ત્રિવેદીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ ટ્રેનીંગ પ્રોગ્રામના ઉદ્ઘાટન સમારોહનું સમાપન થયુ હતુ.
• Share •