શૂરા જાગજો રે, કાયર ભાગજો રે...!ઝાપટના, પલટના, પલટકર ઝપટના, લહૂ ગર્મ રાખને કા હૈ ઇક બહાના !

કોટી કોટી ભારતવાસી, કયા દર્શક બને રહેંગે? સત્તા કે બલ પર મુઠ્ઠી-ભર, કબ તક તને રહેંગે?

                                                                                                             જય વસાવડા

 

વિજયદશમીનો વીરરસ:

શૂરા જાગજો રે, કાયર ભાગજો રે...!

 

પ્રાર્થના મત કર, મત કર, મત કર !

યુદ્ધક્ષેત્રમે દિખલા ભુજબલ

સહકર અભિજીત, અવિચલ પ્રતિપલ,

મનુજ પરાજય કે સ્મારક હૈ મઠ, મસ્જીદ, ગિરજાઘર !

મિલા નહિ જો સ્વેદ બહાકર

વર્જિત ઉસકો, જીસે ધ્યાન હૈ જંગમે કહલાયે નર !

ઝુકી હૂઈ અભિમાની ગર્દન

બંધે હાથ, નત-નિષ્પ્રભ લોચન !

યહ મનુષ્ય કા ચિત્ર નહિ હૈ, પશુ કા હૈ, રે કાયર !

પ્રાથના મત કર, મત કર, મત કર !

 

હરિવંશરાય બચ્ચન ની આ કવિતામાં વિજયનો એ વિસ્ફોટ છે, જે એમના ચિરંજીવી અમિતાભ બચ્ચને પડદા પર ભજવેલા વિજયની વિપ્લવી આંખોનો હતો ! ભારત રાષ્ટ્ર પાસે દશેરા જેવો યુધ્ધના વિજયનો તહેવાર છે. પણ યુદ્ધ લડવાની અને જીતવાની લાલચોળ અંગારા જેવી ભભૂકતી જીજીવિષા નથી ! ભારતના ભગવાનો કેવળ ઉપદેશકો નથી, યોદ્ધા છે ! શિવ, રામ, કૃષ્ણ, દુર્ગા, ઇન્દ્ર વોરિયર છે. બુદ્ધ-મહાવીર પણ ક્ષત્રિય છે ! દશેરા વીરરસ અને સંગ્રામનું પર્વ છે. પણ આપણે આ દિવસે પણ શું કરીએ છીએ ? ચાર દિવાલોમાં બંધ થઈને પૂજાપાઠ ! વિજય માટે આપણે ભગવાનના ભરોસે રહીએ છીએ, પણ ભગવાન એના પર જ ભરોસો મુકે છે. જેને ખુદની ભુજાઓની પ્રચંડ શક્તિમાં ભરોસો હોય ! વિજય માંગીને લેવાની ભેટ સોગાત નથી, લડીને મેળવવાની સિદ્ધિ છે. તલવારે જહાં રહતી હૈ બંધ મ્યાનો મેં, તકદીરે વાહ સડતી હૈ કૈદખાનો મેં ! જે લડતા નથી, એનું ભાગ્ય પહેલેથી જ નિષ્ફળતાની કેદમાં સડતું હોય છે !

વીરતા ! આ શબ્દ જ કદાચ મૂળભૂત રીતે ગુજરાતી નથી ! આપણી માનસિકતા સાવધાનની છે. સહનશીલતાની છે, આપણે હમેશા મહાભીનીષ્ક્રમણ ( રણ છોડીને પલાયન થવું) જ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર લાગ્યો છે. જગત માટે આક્રમણ એ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે ! સંસાર છોડીને, પત્ની બાળકો કે મા-બાપ છોડીને પોતાના ( ઉધ્ધાર માટે ભગવા ચડાવી લેતા પુરુષો આપણે ત્યાં હીરો છે ! અહી શાંતિની કથાઓ કહેવાય છે, શોર્યની ગાથાઓની સપ્તાહ નથી બેસાડવામાં આવતી ! મોતથી પણ આપણે એટલા ડરીએ છીએ કે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને દબાયેલા સાદે ‘ઉ’ ‘ઉ’ કરતા શ્વાનની ભીરુતાથી મોક્ષ્ને વળગી પડ્યા છીએ. પછી આવતું મોત વિરોચીત શહાદત ને બદલે હથિયાર હેઠા મુકીને સ્વીકારેલી શરણાગતિ બની જાય છે. વારતહેવારે હાથ જોડીને દેવાની માનવ કાયર દેખાય છે. મંદિરે-મસ્જીદે-ચર્ચે વગેરેમાં મોટેભાગે બે હાથજોડીને કંઈને કંઈ માંગતા રહેનારાઓની ભીડ જામેલી રહે છે.

ધર્મસ્થાનકોની બહાર ચીંથરેહાલ ભિક્ષુકો હોય છે, અને અંદર સોફીસ્ટીકેટેડ બેગર્સ હોય છે ! અંતે તો બંને ભીખ જ માંગતો હોય છે. પ્રભુને અંતર્યામી કહેતી પ્રાથના ગાવી એ કેવળ શબ્દોના સાથીયા છે.અંતર્યામી એટલે આપોઆપ અંતરની ઈચ્છા જાણનાર છે. પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નોંધાવવાની હોય એવી રીતે સર્વશક્તિમાન પરમાત્માને ગરદન ઝુકાવીને અરજીઓ કરવી પડે ? બડે બચ્ચન કહે છે તમે, આ મનુષ્યનું ચિત નથી. ડરનું, ખોફનું, બીકનું ચિત્ર છે, ખૂનપસીનો એક થઇ જાય ત્યાં સુધી ઝઝૂમવું માણસના હાથમાં છે. રણસંગ્રામમાં જે લડ્યો, તે પણ જીત્યો જ – ભલે અંતિમ પરિણામ પરાજય આવે ! વિજેતા એ છે જે હાર નિશ્ચિત હોવા છતાં પણ સામી છાતીએ યુધ્ધ લડે છે. હારેલો એ છે જે જીત નિશ્ચિત હોવા છતાં પણ પડકાર ફેંકીશકતો નથી !

‘સારે જહાં સે અચ્છા...’ ના સર્જક ( અને પાછળથી પાકિસ્તાનના સમર્થક) અલ્લામા ઇકબાલની ‘ખુદ હી કો કર બુલંદ ઇતના...’ જેવી જ અદભુત રચના છે : શાહીન યાને બાજ પાક્ષી શાહીનના પ્રતીકથી વીરતાની બુલંદીઓને  ઇકબાલ પૂરી ગર્મજોશી અને સર્ફરોશીથી કંડારી છે:

ન બાદે-બહારી, ન ગુલચી, ન બુલબુલ, ન બીમારી-એ નગ્મ-એ આશિકાના

હવા એ બયાબાં સે હોતી હૈ કારી, જવાંમર્દ કી જર્બતે ગાઝીયાના

પરીન્દો કિ દુનિયા કા દરવેશ હું મૈ, કિ શાહી બનાતા નહી આશિયાના !

આમ તો ઉર્દુ ભાષામાં જ એક એવો ઠસ્સો છે કે અર્થ ન સમજાય તો પણ આ રચનામાં ઝીન્દાદિલી ટપકતી લાગે ! પણ એનો ભાવાર્થ એવો છે કે “બગીચાની મદમસ્ત હવા, માળી અને બુલબુલના ગીતોવાળી પ્રેમના ગીતો ગાવાની મારી તબિયત નથી. સામા ફુંકતા ઝંઝાવાતોથી તો વીરનો પ્રેમના પ્રહાર વધુ મજબૂતાઈથી વીંઝાય છે ! જવાંમર્દો અલગારી હોય છે. કોઈ એક જગ્યાએ ચુપચાપ બેઠા રહેવાનું એમને પસંદ નથી!” કઈક આ જ સૂર પાનખરના સૂસવાટા મારતા સંહારક પવનને પોકારીને ઝવેરચંદ મેઘાણીએ ગાયો હતો: “ધુણાન્તા શિવ જોગમાયાને ડાકલે, હાલક દેતા હો વીર. ઉઠો !...જોબનના નીર મહી જામ્યાં શેવાળ ફુગ, ઝંઝાના વીર તમે ઉઠો! ઓતરાદા વાયરો ઉઠો ઉઠો!” એકધારી ઘરેડીથી, જાહોજલાલી અને મોજમસ્તીથી વીર અકળાઈ ઉઠે છે. શાંત પાણીમાં સ્થિર પડી રહેતી હાઉસબોટ હનીમુન માટે બરાબર છે, પણ જીવનમાં બધું જ ‘હની’ હેવું સ્વીટ નથી હોતું અને ‘મનુ’ની શીતળતા કરતાં ‘સન’નો દાઝાડેલો તાપ વધુ લાગતો હોય છે.એવે વખતે બહાદુરોને ઉછળતાં મોજાંઓની વચ્ચે કાંડાના બળે હલેસાં મારવાનું જામે ચડે છે. હોડી હલેસાં કે પતવારના જોર પર નથી ચાલતી, એની પાછળ રહેલી શક્તિનું જોશ એને ગતિ આપે છે! ઇકબાલની ‘શાહીન’ની જ પંક્તિ છે

ઝાપટના, પલટના, પલટકર ઝપટના,

લહૂ ગર્મ રાખને કા હૈ ઇક બહાના !

લાજવાબ ! બે જ લીટીમાં જોમ અને જુસ્સાની જાણે તવારીખ કોતરાઈ ગઈ ! આ પૃથ્વી પર જીતવું તો ઠીક, જીવવું હોય તો પણ શિકારીની તરાપ જોઈએ! માણસજાત સિંહ, વાઘ જેવાની રાની પશુઓ કે ગેંડા, હાથી જેવા મહાકાય સજીવોની મોજુદગી છતાં પૃથ્વીલોક પર રાજ કરે છે, - એ લડીને મેળવેલી મજબૂતાઈ છે. જંગલની દુનિયામાં હાથ જોડીને માફી નથી મંગાતી।,હાથ ઉગામીને હુમલો કરાય છે!

પણ આપણી વીરતા દીપ ફ્રિઝરમાં  મુકાઈ ગઈ છે.બાજ દરેક વખતે માત્ર ખોરાક માટે જ પાંખો ફફડાવતું નથી.આ દુનિયામાં જીવવા માટે એને સતત ખબરદાર રહેવું પડે. ચપળતા અને બહાદુરી કંઈ કમરપટ્ટાના હોલસ્ટરમાં ભરાયેલી રિવોલ્વર નથી કે નિરાંત મળે, ત્યારે ખીટીએ ટીંગાડી શકાય। એ તો શિરાઓ અને ધમનીઓમાં રક્તની સાથે વહેતા ગુણો  છે. જેમ રોજિંદી કસરતથી બોડી ફિટ રહે, એમજ ચોવીસે કલાક દિમાગમાં નીડરતા અને વીરતા નું ચિંતન ચાલવું જોઈએ। લડાયક વૃત્તિની કોઈ ઓન-ઓફ સ્વીચ નથી હોતી,એનો ડાયરેક્ટ કારણે હોય છે ! અમૃત ઘાયલ લખેલું।

જવાની એક શક્તિ આસમાની, ગગનમાં ઘૂમતી જાણે  ભવાની !

જવાની એટલે એ વીર નર્મદ, જવાની એટલે મુશ્તાક હું પદ

ગુલામી માન્ય રાખે આ જવાની? નથી માન્ય મુજને આ જિંદગાની !

ગુલામીની સામે અવાજ ઉઠાવતા સ્કોટિશ ક્રાંતિવીર-વિલિયમ વોલેસની યશોગાથા પરથી બનેલી ફિલ્મ 'બ્રેવહાર્ટ' માં એક મર્મવેધક દ્રશ્ય છે. બ્રિટિશ શાસનનાં  સિતમથી પીડાયેલા લોકોએ ખામોશ રહીને પરિસ્થિતિ સ્વીકારી લીધી છે. તોતિંગ તાકાત ધરાવતા લશ્કર સામે લડવાનું એમનું ગજું નથી, એવું ગ્રામજનોને લાગે છે. શુરો લડવૈયો વોલેસ (મેલ ગિબ્સન ) લાંબાલચક ભાષણને બદલે આગઝરતી આંખે લોખણાદી જબાનમાં માત્ર આટલું જ કહે છે : "દોસ્તો, મરવાનું  આપણે બધાએ છે. પથારીમાં મારવું છે કે રણમેદાનમાં એટલું જ આપણે નક્કી કરવાનું છે!"

હિન્દુસ્તાનની માંદલી, પોચટ, ભષ્ટ અને બીકણ જનતાને દશેરાની મીઠાઈ ઓ સાથે જ આ તેજાબી ખમીરના કોળિયા ભરાવવાની જરૂર છે. વિજયાદશમી હાર વર્ષે આવતો જન્મદિન હોઈને પહેલેથી જ પર્સનલ પ્રેફરન્સવાળો તહેવાર છે.પણ દરેક દશેરા એ અંગત ઉલ્લાસ વચ્ચે પણ સામાજિક માહોલ જોઈને ઉદાસ થઇ જવાય છે.શાસ્ત્રોના પૂજન થાય છે. ધડાકાભેર રાવણનું દહન થાય છે.મદઝરતાં મિષ્ટાન્ન ખવાય છે. વાહ વાહ અને જેને સન્માન આપવા માટે વિજયાદશમી ઉજવાય છે. એ ફાઇટિંગ સ્પિરિટ ક્યાં છે? શું રામે રાવણને જગદંબાએ મહિષાસુર ને સંહાર્યા એની વિરકથાઓ ગાવામાં જ દિવસો પસાર કરવાના છે? પછી એની નવી ગાથાઓ રચવા માટે કોણ જાગશે?

વીરતાની વાતો એટલે ફક્ત મિસાઈલ મશીનગનવાળી 'વોર સ્ટોરી' એવું હરગીઝ નથી. વીરતાના નામે નિર્દોષો પર મનફાવે તેમ તૂટી પડ્યું કે નબળાઓ પાર જો હુકમી કરી બેફામ કત્લેઆમ હુલ્લડબાજી કરવી એ પ્રચલિત બાળપ્રદર્શન ખોટું છે. વાસ્તવમાં આ તો કાયરતા છે!કોઈને મારીને પછાડીને દાબમાં રાખવો, એજ બતાવે છે કે અંદરખાનેથી એનો છૂપો દર લાગે છે ! ખરી બહાદુરી એ છે કે તમે સ્વતંત્ર રીતે કોઈ માર્યા કે માર ખાધા વિના જીવી શકો. તમારો દુશ્મન મુક્ત હોય, પણ તમને એનો ભય સુધ્ધાં  સ્પર્શે નહિ, એ વીરતા છે. દીવાલ પર નહિ, પણ દિમાગમાં લખી રાખો : 'જે  કોઈનાથી ડરતો નથી, એનાથી બધા જ ડરે છે !' 

રમણલાલ સોનીએ એક મસ્તમજાનું ગીત લખેલું ‘એક ઇડરનો વાણીયો, ધુળો એનું નામ... સમી સાંજે નીકળ્યો જવા કોથળે ગામ...’ એમાં એક સાહસિક વેપારીએ એકલે હાથે જંગલમાં લુટારાઓનો સામનો કેવી રીતે કર્યો એનું વર્ણન હતું. એને એકલો જોઇને ડાકુઓ ત્રાટક્યા, પણ ધૂળા પાસે તો સાથીઓની ફોજ હતી! કોણ હતા એ પડછાયાની જેમ સાથ નિભાવનાર જોડીદારો? હાથ, પગ, આંખ, કાન અને સહુથી મોટો મિત્ર : હિંમત! જો હૈયે હમ હોય તો પછી ‘હાજર સો હથિયાર’ કરી શકાય. અને વીરતા કોઈ લગ્નમાં પહેરાતો સાત સેરનો સોનાનો હાર નથી, કે માત્ર ક્રોધ કે લુટફાટ વખતે જ દાખવી શકાય! ખરેખર તો જે જિંદગીની નાની-નાની ઘટનાઓમાં સાહસથી વર્તે છે, એ જ મોટી મોટી લડાઈઓમાં સાહસથી વર્તે છે, એ જ મોટી મોટી લડાઈઓ વખતે ખુમારીથી જંગ ખેલી શકે છે! વીરતા એક લક્ષણ નહિ, પણ એક આદત હોવી જોઈએ – માથા પર લટકતી વાળની લટથી પગના અંગુઠાના નખ સુધી પ્રસરી ગયેલી આદત! ખરા સાથી બે: હિંમત ને વિશ્વાસ, એ વિના બાકી બધા થાય ખલાસ!

ચુસ્ત દેહ કે તીવ્ર શસ્ત્ર શૂરાઓ માટે સહાયક જરૂર છે, પણ મુખ્ય ધ્યેય નથી. વીરતા અંદરથી પ્રગટતી હોય છે! એટલે જ પઠ્ઠા જેવા મવાલીઓ કોઈ સુકલડી ડોનની કદમબોસી કરતા જોવા મળે છે.હમણાં જ જેનો જન્મદિન ગયો એ ગાંધીજીએ આ આંતરિક અભયને કાળજીથી કેળવ્યો હતો. માટે જ ભગતસિંહ ના બોમ્બથી ન ડરતા બ્રિટીશરો ગાંધીજીના ઉપવાસથી મૂંઝાતા હતા. ‘બ્રેવરી’ (બહાદુરી) અને ‘વિકટરી’ (વિજય) ટ્વીન્સ છે. એક જન્મે કે તરત બીજું પ્રકટ થયા જ ! માણસ રોજેરોજ લડાઈઓ લડતો રહે છે. શોષણખોર અને આળસુ વહીવટી તંત્ર સામે, ઉલ્લું બનાવીને ગલ્લો ભરતા વેપારીઓ સામે, પ્રજાના સેવકને બદલે માલિક બનતા નેતાઓ સામે... આ બધા જાહેર દુશ્મનો છે. પણ જીવનસંગ્રામનો અહી અંત નથી. કુદરત સામે, નાણા-ભીડ ખટપટ સામે, માંદગી સાથે, ઋતુઓ સામે, બોસ સામે, ( અને બોસ એના બોસ સામે!) પરિસ્થિતિ સામે, અવળા ચાલતા સમય સામે, ઉંધા પડતા પાસા સામે, બેરોજગારી સામે, ભૂખ સામે, ક્રોધ સામે, લાલચ સામે, નિષ્ફળતા સામે, સંકટો સામે... લડતા જ રહેવું એ ઇન્સાન ની નિયતિ છે. લહૂ કો ગર્મ રાખને કા બહાના!

ટ્રેજેડી એ છે કે રણમેદાનમાં શત્રુનું માથું ઉતારી લેવાના વટવાળો માણસ જીવનમાં વીરતા કેળવી નથી શકતો! ખોટું થતો હોય એની સામે ગળું ખોંખારીને સિંહગર્જના કરવાને બદલે બિલાડીની જેમ લપલપ ચાલવા લાગે છે! પોતાનો સ્પષ્ટ અને સચોટ અભિપ્રાય આપવાની હિંમત પણ ઘણામાં હોતી નથી. પૈસા માટે વીરતા મફતના ભાવમાં વેચાઈ જતી હોય છે. નોકરી એટલે ખુશામત ખોરી અને જાહેર જીવન એટલે પગચંપી એવી વણલખી વ્યાખ્યાઓ જીવનકોશમાં છપાઈ જાય છે. અન્યાય સામે જેમના લોહીમાં લાવારસ ઉકળતો નથી, એ માણસ નથી, કાયર છે! અને કાયરને કોઈ જાતી હોતી નથી.કાયર કદાચ સુખ મેળવી શકે છે. પણ કાયરોથી ઈતિહાસ સર્જાતો નથી. સુખ ભુલાઈ જાય છે... વિજય અમર બની જાય છે. સાધના વિજયની કરો... સુખ આપમેળે રસ્તામાં જ ભેટી પડશે!

માનવજાતની પ્રગતિનો ઈતિહાસ જ માણસે વેઠેલા સંઘર્ષ અને તેના વિજયનો ઈતિહાસ છે. પછી એ વિજય કોઈ વિજ્ઞાનીએ પ્રયોગશાળામાં મેળવ્યો છે, તો કોઈ અધિકારીએ જંગલોમાં રેલ્વે લાઈન નાખવામાં કોઈ તબીબે દવા બનાવીને મેળવ્યો છે. તો કોઈ સમાજસુધારકે કુરિવાજ નાબુદ કરીને મેળવ્યો છે! અફલાતુન અંગ્રેજી ફિલ્મ ‘પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન’ (સમુંદર કે લુંટેરે) માં બહેતરીન અભિનય આપનાર અભિનેતા જ્હોની ડેપનો સંવાદ કંઈક આવો છે : દુનિયામાં માત્ર બે જ કાનુન ચાલે છે : ‘પહેલો, માણસ જે કરી શકે છે. બીજો, માણસ જે નથી કરી શકતો!’

ક્ષત્રિયોની વીરતાના જયનાદ ગાનારા આપણા મુલ્કમાં કમનસીબે આજે સાહસકથાઓ ભાગ્યે જ રચાય છે કે વંચાય છે ! એલીસ્ટર મેકલીન કે, અશ્વિની ભટ્ટ સ્ટાઈલની ચિલર થ્રીલર ગુજરાતીમાં ઓછી લખાય છે.મોતાભાની પરાક્રમકથાઓ વિદેશથી અનુવાદ થઈને આવી છે. એક્શન ફિલ્મોને બદલે ફિલ્મો પણ રોમેન્ટિક ફેમેલી ડ્રામાવાળી બની છે! ખડતલ અને આક્રોશપુર્ણ નાયક આજે ચોકલેટી અને સ્યુગરસ્વીટ રોમિયો બની ગયા છે. ચિંતનાત્મક, સામાજિક અને વેવલાઈની હદે જતી વેદનાઓ વિશે વાંચવું જોવું આપણને ગમે છે! ટુ બી વેરી ફ્રેન્ક, ટેલીવિઝન પરના કૌટુંબિક તાયફાવાળી ચિબાવલી સીરીયલો જોતા સમાજને દશેરા જેવું વીરાત્વપૂર્ણ પર્વ ઉજવવાનો કોઈ હક નથી.

વિજયનો રંગ સિરિયલોની તુલસીના અંબોડા પાર્વતીની સાડીનો રંગ નથી. એનો રંગ ભેખડોના કળા પથ્થરો જેવો ડાર્ક છે. એમાં પોલાદની સખતાઈ અને આરસની ઠંડક છે.રણની ધગધગતી રેતીથી પડતા ફોલ્લાઓના ડાબલાઓનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. તલવારોના ટકરાવ માંથી ઝરતા તણખાની રોશની વિજયને અજવાળે છે.વિશ્વાસથી ફૂલેલો સીનો અને મક્કમતાથી ભીડાયેલા હોઠ વિજયની પહેચાન છે. પાંડવો-કૃષ્ણ-દ્રોણ-ભીષ્મ આ તમામની ‘સીન્ડીકેટ’ સામે ‘પરાક્રમ પૌરુષ બતાવવું મારા હાથમાં છે.’ કહીને ધનુષ્યની પણછ ખેંચતો કોઈ ગુમનામ કર્ણ પોતાના લોહીથી વિજયના ચરણ પખાળે છે. જિરાફ જેવી ટટ્ટાર ગરદન અને જેગુઆર (કાળો દીપડો) જેવી તણાયેલી નસો વિજયની છડી પોકારે છે. વિજેતાની આંખમાં વીજળીના કડાકા છે, અને એના કંઠમાં યુધ્ધના નગારા છે. એના વાળ તોફાનમાં તોફાનમાં નાચતી ડાળીઓની જેમ ફરકે છે, અને એના આંગળાથી તકદીરની સાંકળો બટકે છે. વાતાવરણ ને ચીરતા રોકેટની ઝડપ અને જંગલમાં ચિત્કારતા વરુની જેમતડપ વિજયનો નકશો નિર્માણ કરે છે. દુનિયાની એક બાજુએ આવા લડવૈયાઓનો ફાલ કાશ્મીરના કેસરની જેમ ઉતરતા જાય છે. સિકંદર, હનિબાલ, હલાકૂ, જુલિયસ સીઝર, નેપોલિયન બોનાપાર્ટ, આતાતુર્ક, સ્ટાલિન, હિટલર... અને બીજી બાજુએ રાજાઓ તલવાર હાથમાં મૂકી માળા ફેરવવા લાગે તેને ધર્મનો વિજય ગણાવાય છે! કદાચ જે ક્ષણે અશોકે વિશ્વવિજયનું ખ્વાબ મૂકી વિશ્વશાંતિને વહાલી કરી, એ જ ક્ષણે ભારતનો કીલર ઇન્સ્ટીન્ક્ટ બોખા દાંત જેવા થઇ ગયો!

વિજય સહુથી મહત્વનો નથી, વિજય જે એકમાત્ર મહત્વની બાબત છે : વિજયનો કોઈ વિકલ્પ નથી! જિંદગીનું સહુથી મોટું લક્ષ્ય છે વિજય!

:::::પાવર પંચ:::::

દસ મંઝિલ ઉપર સે ચઢકર, દેખા રાવણ જલતા

સદીયો સે સ્વાહા હો કર ભી, પાપ નિરંતર ફલતા

રામરાજ્ય કિ કથા પુરાની,કિન્તુ યુદ્ધ જારી હૈ

રાજપાટ કે લિયે અયોધ્યા ફૂંકને કિ બારી હૈ!

કોટી કોટી ભારતવાસી, કયા દર્શક બને રહેંગે?

સત્તા કે બલ પર મુઠ્ઠી-ભર, કબ તક તને રહેંગે?

(અટલબિહારી વાજપાયી)