અમદાવાદ- વર્તમાન ન્યૂઝ.કોમ 
તહેવારોની સિઝનમાં મિઠાઈઓ અને વાનગીઓ બનાવવાની તૈયારી કરી રહેલા સામાન્ય નાગરિકોના બજેટ પર મોટો ફટકો પડ્યો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ અમૂલે ઘી અને બટરના ભાવમાં વધારો ઝીંક્યો છે. કંપની દ્વારા 1 કિલો ઘીના પેકેટ પર સીધો ₹50નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 500 ગ્રામ બટરનું પેકેટ પણ ₹15 મોંઘું થઈ ગયું છે. ભાવવધારાની સાથે સાથે કેટલાક બજારોમાં અમૂલના ગાયના ઘીની અછત પણ જોવા મળી રહી છે, જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમૂલના નવા ભાવ મુજબ, 1 કિલો ઘીનું પેકેટ હવે ₹630ના બદલે ₹680માં મળશે. તે જ રીતે 500 ગ્રામ ઘીના પાઉચની કિંમત ₹325થી વધારીને ₹345 કરવામાં આવી છે. બટરની વાત કરીએ તો, 100 ગ્રામ બટરનું પેકેટ ₹63થી વધીને ₹66 અને 500 ગ્રામનું પેક ₹310થી વધીને ₹325 થઈ ગયું છે. આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર ગાયનું ઘી ₹740 પ્રતિ લીટર અને ભેંસનું ઘી ₹720 પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે, જ્યાં પણ સ્ટોક ઓછો હોવાના સંકેતો મળી રહ્યા છે. ઘીના ભાવ વધવા અને સપ્લાય ખોરવાવા પાછળ માગમાં ભારે ઉછાળો જવાબદાર માનવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત અને રાજસ્થાનમાં નકલી ઘી વિરુદ્ધ થયેલી કાર્યવાહી બાદ ગ્રાહકોનો ભરોસો બ્રાન્ડેડ ઘી પર વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ બંને રાજ્યોમાંથી આશરે 2 લાખ કિલો નકલી ઘી જપ્ત કરાયું હતું. આ સિવાય તહેવારો દરમિયાન આખા વર્ષના કુલ ઘીના વપરાશનો લગભગ 45% હિસ્સો વપરાય છે, જેના કારણે સપ્લાય ચેઈન પર ભારે દબાણ સર્જાયું છે. અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં દુકાનદારો તેમજ અમૂલ પાર્લર સંચાલકોને માગ પ્રમાણે પૂરતો જથ્થો મળી રહ્યો નથી. ખાસ કરીને ગણેશ ઉત્સવ પછી અમૂલ ગાયના ઘીની અછત વધી ગઈ છે. અમદાવાદના કેટલાક મોટા સ્ટોર્સમાં પણ ઘી અને બટરનો સ્ટોક ખાલી જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2025માં GST દર 12%થી ઘટાડીને 5% કરાતા ગ્રાહકોને જે રાહત મળી હતી, તે આ ભાવવધારા બાદ હવે પૂર્ણ થઈ ગઈ છે અને તહેવારમાં બજેટ ખોરવાઈ જવાની શક્યતા છે.