સુરત: મોરોક્કોના કાસાબ્લાન્કા શહેરમાં મંગળવારે ‘ચોથા મોરોક્કો ઇન્ટરનેશનલ યાર્ન એન્ડ ફેબ્રિક શો 2026’નું ઉદ્‌ઘાટન થયું હતું. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ અશોક જીરાવાલાના નેતૃત્વમાં સુરતથી નવ ટેક્સટાઇલ કંપનીઓ, મેટેક્સિલ અને 20 ડેલિગેટ્સનું પ્રતિનિધિમંડળ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યું છે. પ્રતિનિધિમંડળ દ્વારા સુરતના યાર્ન, જરી, ફેબ્રિક, વીવિંગ, પ્રિન્ટિંગ અને ગાર્મેન્ટિંગ સહિતના ટેક્સટાઇલ ઉદ્યોગની વિવિધ ક્ષમતાઓ રજૂ કરવામાં આવી રહી છે.

ઉદ્‌ઘાટન સત્રને સંબોધતા SGCCIના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરત પાસે યાર્ન ઉત્પાદનથી લઈને વીવિંગ, ફેબ્રિક નિર્માણ, પ્રોસેસિંગ, પ્રિન્ટિંગ અને ગાર્મેન્ટિંગ સુધીની સંપૂર્ણ ટેક્સટાઇલ વ્યવસ્થા છે. સુરતનું પ્રતિનિધિમંડળ અહીં પોતાના ઉત્પાદનો રજૂ કરવા, નવી વૈશ્વિક વ્યાપારી તકો શોધવા અને મોરોક્કોના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે મજબૂત ભાગીદારી સ્થાપિત કરવાના હેતુથી આવ્યું છે. આ પ્રદર્શન બંને દેશોની કંપનીઓને જોડાવા, નવા વિચારોની આપ-લે કરવા અને લાંબા ગાળાના વેપારી સંબંધો વિકસાવવા માટે સારું પ્લેટફોર્મ પૂરું પાડશે.

સુરતની ટેક્સટાઇલ શક્તિનું પ્રદર્શન
યાર્નથી ગાર્મેન્ટિંગ સુધીના સુરતના વિવિધ ટેક્સટાઇલ ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ થઈ રહ્યા છે.

SGCCI પ્રમુખ અશોક જીરાવાલાએ પ્રદર્શન દરમિયાન મોરોક્કોના ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી સંગઠન AMITH સાથે સમજૂતી કરાર (MoU) કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કરારથી સુરત અને મોરોક્કો વચ્ચે લાંબા ગાળાના ઔદ્યોગિક સંબંધો વિકસશે. બંને દેશોના ટેક્સટાઇલ ક્ષેત્ર વચ્ચે વેપાર, મૂડીરોકાણ અને બિઝનેસ સહયોગની નવી તકો ઊભી થશે. આ ભાગીદારીથી તેમાં જોડાયેલી કંપનીઓને પણ નવા વ્યવસાયિક અવસરો મળી શકશે.

આ પ્રસંગે અશોક જીરાવાલાએ મોરોક્કોમાં આવેલા ભારતીય દૂતાવાસનો સહયોગ, માર્ગદર્શન અને પ્રોત્સાહન બદલ આભાર માન્યો હતો. સાથે જ બંને દેશો વચ્ચે વેપારી સંબંધો મજબૂત કરવામાં ઇન્ડિયા-મોરોક્કો ચેમ્બર ઓફ કોમર્સના યોગદાનને બિરદાવ્યું હતું. સંબોધનના અંતે તેમણે ફ્રેન્ચ ભાષામાં ‘Merci Beaucoup’ કહી આયોજકો, પ્રદર્શકો અને ઉપસ્થિત વિદેશી પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

AMITH સાથે સમજૂતી કરારની તૈયારી
MoU દ્વારા સુરત અને મોરોક્કોના ટેક્સટાઇલ ઉદ્યોગો વચ્ચે વેપાર, મૂડીરોકાણ અને વ્યવસાયિક સહયોગ વધારવાનો હેતુ છે.

મોરોક્કો સુરતની કંપનીઓ માટે નવી તક: રવિ રાજ દેસાઈ
SGCCIના ઉપપ્રમુખ રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે મોરોક્કો યુરોપનાં અગ્રણી બજારોની નજીક આવેલું છે. ઝડપથી વિકસતા એપરલ નિકાસ ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર કરારોને કારણે મોરોક્કો વૈશ્વિક ટેક્સટાઇલ સોર્સિંગનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. આ પ્રદર્શન સુરતની ટેક્સટાઇલ કંપનીઓને નિકાસ વેપાર વિસ્તારવા અને નવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો મેળવવાની તક પૂરી પાડશે.

સુરતના વિવિધ ટેક્સટાઇલ ક્ષેત્રની કંપનીઓનો સહભાગ
કાસાબ્લાન્કામાં યોજાયેલા આ પ્રદર્શનમાં સુરતના વિવિધ ટેક્સટાઇલ ક્ષેત્રની કંપનીઓ પોતાનાં ઉત્પાદનો રજૂ કરી રહી છે. મેટાલિક યાર્ન અને જરી ક્ષેત્રે અક્ષરલોન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, કિશન જરી પ્રાઇવેટ લિમિટેડ અને સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ભાગ લઈ રહી છે.

ફેબ્રિક અને વીવિંગ ક્ષેત્રે દેવાઉટ કોટ્સ એન્ડ ટેક્સટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ગેલમ્બે ઇન્ડસ્ટ્રીઝ LLP, મનજીત ટેક્સ ફેબ અને સુનેહરી રંગા મેચિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિવિધ ઉત્પાદનો રજૂ કરવામાં આવી રહ્યાં છે. યાર્ન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હિમાલયા કોટન યાર્ન લિમિટેડ, જ્યારે ગાર્મેન્ટ એક્સેસરીઝ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પરેશકુમાર વસંતલાલ કાછીવાલા તથા પાલિહા વસાવા એન્ડ સન્સ LLP ભાગ લઈ રહ્યાં છે.

પ્રથમ દિવસે જ બાયર્સની પૂછપરછ
મોરોક્કો, ઉત્તર આફ્રિકા અને યુરોપના ખરીદદારો તરફથી મેટાલિક યાર્ન, જરી અને વિવિધ ફેબ્રિક માટે પૂછપરછ મળી.

3થી 5 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનારા આ પ્રદર્શનના પ્રથમ દિવસે જ સુરતના પેવેલિયનમાં મોરોક્કો, ઉત્તર આફ્રિકા અને યુરોપના મોટા બાયર્સ તથા સોર્સિંગ હાઉસીસ તરફથી મેટાલિક યાર્ન, જરી, પ્રીમિયમ વિસ્કોસ અને સિન્થેટિક ફેબ્રિક્સ માટે ઉત્સાહજનક પૂછપરછ નોંધાઈ હતી.