સુરત: જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના સુરત ચેપ્ટર દ્વારા નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં JITOના નવા વરાયેલા પ્રમુખ ગૌરવ ધારીવાલ અને તેમની ટીમે જવાબદારી સંભાળી હતી.
સમારોહમાં સુરત ચેપ્ટરના ચીફ સેક્રેટરી તરીકે પ્રારંભ શાહ, લેડીઝ વિંગનાં ચેરપર્સન તરીકે પ્રાચી હર્ષ સંઘવી, યુથ વિંગના ચેરમેન તરીકે દેવાંશ શાહ અને JITO બિઝનેસ નેટવર્કના કન્વીનર તરીકે CA મુકેશ બોથરાએ હોદ્દાની જવાબદારી સંભાળી હતી. આ પ્રસંગે JITO એપેક્સના ચેરમેન સંજય ડાંગી, પ્રેસિડન્ટ હિમાંશુ શાહ, સેક્રેટરી જનરલ હેમંત શાહ, એડવાઇઝર ગણપતરાય ચૌધરી, સહખજાનચી સંજીવ છાજેડ, ગુજરાત ઝોનના ઝોન ચેરમેન જિગીષ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત JITO એપેક્સના ડિરેક્ટર નિતીન જૈન અને પ્રકાશ ડુંગાણી, શ્રમણ આરોગ્યમ્ તથા વિવિધ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા આસિતભાઈ શાહ, પ્રકાશભાઈ સંઘવી અને વારી સોલારના હિતેશભાઈ દોશી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સેવાકીય પ્રવૃત્તિઓને મળશે વધુ વેગ
JITO સુરત ચેપ્ટર દ્વારા શ્રમણ આરોગ્યમ્ માટે છ નવા દાતાઓ, JATF માટે એક પેટ્રન, 20 ચીફ પેટ્રન્સ અને 207 નવા પેટ્રન્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શ્રમણ આરોગ્યમ્ માટે સહયોગ
સાધુ-સાધ્વીજી ભગવંતોના આરોગ્ય અને સારવાર માટે કાર્યરત શ્રમણ આરોગ્યમ્ હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા નવા દાતાઓ જોડાયા છે.
JITO બિઝનેસ નેટવર્ક (JBN) દ્વારા વેપાર, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ નેટવર્કિંગને પ્રોત્સાહન આપીને નવા વ્યવસાયિક અવસરો ઊભા કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુરતના ડાયમંડ, ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને વૈશ્વિક બજારો સાથે જોડવા તેમજ સંયુક્ત વ્યવસાયિક સાહસોને પ્રોત્સાહન આપવાની યોજના પણ રજૂ કરવામાં આવી હતી.
મહિલાઓ અને યુવાનો માટે નવી તકો
JITOની લેડીઝ વિંગ અને યુથ વિંગ દ્વારા મહિલાઓ તથા યુવાનોને ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને વ્યવસાયિક વિકાસ માટે વધુ સારી તકો અને પ્લેટફોર્મ પૂરું પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નવી પેઢીમાં સ્ટાર્ટઅપ્સ અને નવા વિચારોને પ્રોત્સાહન આપી સક્ષમ નેતાઓ તૈયાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ જૈન ધર્મના મૂલ્યો, નૈતિકતા, કરુણા અને સેવાભાવનાને વ્યવસાયિક તથા સામાજિક જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. સમાજના જરૂરિયાતમંદ વર્ગને આવાસ અને જીવનની પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે કાયમી સેવાકીય પ્રોજેક્ટ્સ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
સેવાકાર્યનો વ્યાપ વધારવાનો સંકલ્પ
આરોગ્યસેવા ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને આવાસ અને જીવનજરૂરી સુવિધાઓ મળી રહે તે માટે કાયમી પ્રોજેક્ટ્સ શરૂ કરી સમાજના ઉત્થાન માટે કાર્ય કરવાની યોજના રજૂ કરાઈ હતી.
સુરતના વેપાર-ઉદ્યોગને નવી દિશા આપવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓ અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના વિવિધ સંકલ્પો સાથે સમારોહ સંપન્ન થયો હતો.