સુરત: સુરત નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર ગાળાગાળી જેવી નજીવી બાબતે મળવા બોલાવેલા બે સગીર મિત્રોની એક કિશોરે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. મધરાતે બનેલી આ સનસનાટીભરી ઘટનાને પગલે સમગ્ર નાનપુરા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ભારે ચકચાર ફેલાઈ હતી.

મળતી માહિતી મુજબ, નાનપુરા મટન માર્કેટ નજીક સાબીરભાઈની રાજસ્થાની બિલ્ડિંગમાં રહેતા અને પેઇન્ટિંગનું કામ કરતા સાબીર ફૈઝ શેખનો 16 વર્ષીય પુત્ર ફૈઝાન મટન માર્કેટની ચિકનની દુકાનમાં કામ કરતો હતો. તેના એક મિત્રના ઇન્સ્ટાગ્રામ પરના 'સલમાન ખાન ગ્રુપ'માં એક વીડિયો પોસ્ટ થયો હતો. આ વીડિયો પર ફૈઝાનના મિત્રએ મજાકમાં ગાળ લખી હતી. આ બાબતે ગ્રુપમાં સામેલ અન્ય એક બાળ-કિશોર ઉશ્કેરાઈ ગયો હતો અને ફૈગાનના મિત્રને ગાળો આપી રૂબરૂ મળવા બોલાવ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં ગાળાગાળી
  • 'સલમાન ખાન ગ્રુપ'માં વીડિયો પોસ્ટ થયા બાદ વિવાદ શરૂ થયો.
  • મજાકમાં લખેલી ગાળ બાદ એક કિશોરે રૂબરૂ મળવા બોલાવ્યો.

ફૈઝાનનો મિત્ર તેના સાથીઓ ફૈઝાન અને અજમલ શેખ (17)ને સાથે રાખીને નાનપુરા મટન માર્કેટના ફૂટપાથ પર આવેલા કબ્રસ્તાન પાસે સમાધાન માટે પહોંચ્યો હતો. બીજી તરફ, સામા પક્ષનો કિશોર પણ પોતાના બે મિત્રો સાથે ત્યાં આવ્યો હતો. વાતચીત દરમિયાન વિવાદ વકરતાં કિશોરે કમરમાંથી ચપ્પુ કાઢ્યું હતું. ચપ્પુ જોતાં મૂળ ઝઘડામાં સામેલ મિત્ર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, સમાધાન માટે આવેલા ફૈઝાન અને અજમલ પર સગીરે ચપ્પુના ઘા ઝીંક્યા હતા. તીક્ષ્ણ હથિયારના હુમલામાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.

સમાધાન માટે પહોંચેલા બે કિશોરોની હત્યા
  • ફૈઝાન અને અજમલ શેખ (17) કબ્રસ્તાન પાસે મળવા ગયા હતા.
  • વિવાદ વકરતાં બંને પર ચપ્પુથી હુમલો કરાયો.

ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોર સગીર તેના બે સાથીઓ સાથે ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં અઠવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર બાળ-કિશોર અને તેના બે સગીર મિત્રોને ડિટેઇન કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હુમલાખોર સહિત ત્રણ સગીરો ડિટેઇન
  • હત્યા બાદ ત્રણેય ફરાર થઈ ગયા હતા.
  • અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેયને ડિટેઇન કર્યા.

ઘટના બાદ શરૂઆતમાં હત્યા પાછળ PUBG અથવા ફ્રી ફાયર ગેમનો વિવાદ હોવાની ચર્ચા ચાલી હતી. પરિવારજનોએ પણ ગેમને લઈને થયેલા ઝઘડાને હત્યા પાછળનું કારણ ગણાવ્યું હતું. જોકે, પોલીસની તપાસમાં ગેમને લગતો કોઈ વિવાદ સામે આવ્યો નહોતો. આ મામલે પીઆઈ ટી.એ. ગઢવીએ જણાવ્યું હતું કે, હાલની તપાસમાં ગેમ બાબતે કોઈ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું નથી. ઇન્સ્ટાગ્રામ પર થયેલી ગાળાગાળી બાદ કિશોરે પોતાના બે મિત્રો સાથે આવીને બે સગીરોની હત્યા કરી હતી.