સુરત:ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમમાં મહત્વના સુધારા કર્યા છે. કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે 28 ઑક્ટોબર, 2026ના રોજ જાહેર કરેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, સ્કીમના રાઉન્ડ-4 હેઠળ રોકાણ અને ટર્નઓવરની લઘુત્તમ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે યોજનાની મુદત પણ નાણાકીય વર્ષ 2033-34 સુધી લંબાવવામાં આવી છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)એ આ નિર્ણયને આવકાર્યો છે.

ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે 9 ઑક્ટોબરે સુરતમાં આયોજિત ‘વિકાસ વિમર્શ’ કાર્યક્રમમાં કેન્દ્રીય વસ્ત્ર મંત્રી ગિરિરાજ સિંહ સમક્ષ ટેક્સટાઇલ ઉદ્યોગ વતી બે મુખ્ય રજૂઆતો કરવામાં આવી હતી. તેમાં PLI સ્કીમમાં ટર્નઓવરની મર્યાદા ઘટાડવા અને યોજનાની મુદત લંબાવવાની માગનો સમાવેશ થતો હતો. સરકારે બંને બાબતોને ધ્યાનમાં રાખીને સુધારા જાહેર કર્યા છે.

MSME એકમો માટે રાહત
યોજનાના Part-II હેઠળ લઘુત્તમ રોકાણની મર્યાદા ₹100 કરોડથી ઘટાડીને ₹50 કરોડ અને લઘુત્તમ ટર્નઓવરની મર્યાદા ₹200 કરોડથી ઘટાડીને ₹100 કરોડ કરવામાં આવી છે.

અગાઉ ₹200 કરોડના ટર્નઓવરની મર્યાદાને કારણે અનેક સ્થાનિક ઉત્પાદકો માટે યોજનાનો લાભ મેળવવો મુશ્કેલ બનતો હતો. નવી જોગવાઈથી મધ્યમ કક્ષાના અને MSME એકમો માટે યોજનામાં ભાગ લેવાની તક વધશે. ચેમ્બર પ્રમુખના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં આધુનિકીકરણ, નવી મશીનરીમાં રોકાણ અને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ મળશે.

પ્રથમ વર્ષે 11% ઇન્સેન્ટિવ
નોટિફાઇડ MMF અને ટેકનિકલ ટેક્સટાઇલના વેચાણ પર પ્રથમ પરફોર્મન્સ વર્ષમાં 11% પ્રોત્સાહન મળશે. ત્યારબાદ દર વર્ષે 1 ટકાના ઘટાડા સાથે પાંચમા વર્ષે 7% ઇન્સેન્ટિવ મળશે.

યોજનાની જોગવાઈ મુજબ, અનુગામી પરફોર્મન્સ વર્ષોમાં અગાઉના વર્ષની સરખામણીએ ઓછામાં ઓછું 10% વધારાનું ઇન્ક્રીમેન્ટલ ટર્નઓવર હાંસલ કરવાનું રહેશે. આ પ્રોત્સાહન દ્વારા પાત્ર ઉત્પાદકોને ઉત્પાદન અને વેચાણ વધારવા માટે પ્રોત્સાહન મળશે.

યોજના 2033-34 સુધી લંબાવાઈ
FY 2026-27 અને FY 2027-28ને તૈયારી માટેનો સમયગાળો ગણવામાં આવ્યો છે. FY 2028-29થી FY 2032-33 સુધી પાંચ પરફોર્મન્સ વર્ષ રહેશે, જ્યારે FY 2033-34 ક્લેમ કરવાનો અંતિમ વર્ષ રહેશે.

ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ આ નિર્ણય બદલ કેન્દ્રીય વસ્ત્ર મંત્રી ગિરિરાજ સિંહ, ટેક્સટાઇલ સેક્રેટરી નીલમ શમી રાવ, જોઇન્ટ સેક્રેટરી મનીષા ચેટર્જી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને સુરતના સાંસદ મુકેશ દલાલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ તથા ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદકોને સુધારેલી માર્ગદર્શિકાનો અભ્યાસ કરી સમયમર્યાદામાં અરજી કરવા અને યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.