સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં વેબ ડેવલપમેન્ટનું કામ કરતા ત્રણ ભાગીદારોને ગાંધીનગર પોલીસ અને સાયબર ક્રાઇમના અધિકારી હોવાની ઓળખ આપીને ધમકાવી ખંડણી પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ યુવકોને કારમાં બેસાડી શ્યામધામ મંદિર નજીક લઈ જઈ રૂ. 50 લાખની માગણી કરી હતી. અંતે રૂ. 10 લાખની માગમાંથી રૂ. 8 લાખ આપવાનું નક્કી થયું હતું, પરંતુ આરોપીઓએ કામરેજ ખાતે એક યુવકના મોટા ભાઈ પાસેથી રૂ. 4 લાખ રોકડા પડાવ્યા હોવાનો આક્ષેપ છે. સરથાણા પોલીસે પત્રકાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે શખ્સો હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના નામે રૂ. 50 લાખની ખંડણીની માગ
યુવકોને ગંભીર કેસમાં ફસાવી આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી નાણાં માગ્યાનો આરોપ છે.
ઓફિસમાં ઘૂસી તપાસના નામે ધમકાવ્યા
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના પીપળવાજણ ગામના વતની અને હાલ લસકાણા વિસ્તારમાં પરસોદરા રોડ પાસે રહેતા 22 વર્ષીય મિહિત પ્રકાશભાઈ દેસાઈ મહાવીર ચોક સ્થિત ‘ધ ગેલેરિયા-2’ બિલ્ડિંગમાં ભાગીદારીમાં ઓનલાઇન વેબ ડેવલપમેન્ટનું કામ કરે છે. 24 ઑક્ટોબરે બપોરે આશરે ત્રણ વાગ્યે તેઓ પોતાના સ્ટાફ સાથે ઓફિસમાં હાજર હતા. તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા.
આ શખ્સોમાંથી એકે મોબાઇલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઓફિસમાં હાજર કર્મચારીઓના મોબાઇલ ફોન બળજબરીથી લઈ દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમમાંથી આવ્યા હોવાનું જણાવી GST તથા ઓફિસના દસ્તાવેજો માગ્યા હતા. પેઢી પાસે GST નંબર ન હોવાનું અને માત્ર ભાડા કરાર હોવાનું જણાવતાં તેમણે ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
ઇનોવા કારમાં બેસાડી શ્યામધામ મંદિર પાસે લઈ ગયા
આરોપીઓ જે ઇનોવા કારમાં આવ્યા હતા, તેના ડેશબોર્ડ પર લાલ રંગનું ‘GOV. OF GUJRAT’ લખેલું બોર્ડ લગાવેલું હતું. કારમાં ચાર શખ્સો સવાર હતા, જ્યારે બે શખ્સો ઓફિસમાં રોકાયા હતા. ત્યારબાદ મિહિત અને તેમના એક ભાગીદારને કારમાં બેસાડીને શ્યામધામ મંદિર નજીક લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં આરોપીઓએ પોતે ગાંધીનગર પોલીસમાંથી હોવાનું કહી રૂ. 50 લાખ આપવાની માગણી કરી હતી. જો નાણાં નહીં આપે તો મોટો કેસ બનાવી આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. શરૂઆતમાં આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતાં આરોપીઓ યુવકોને ફરી ઓફિસે લઈ આવ્યા હતા.
ત્રીજા ભાગીદારને પણ કારમાં બેસાડ્યો
મિહિત અને તેમના સાથી રૂ. 50 લાખ ચૂકવી શકે તેમ ન હોવાનું જણાવતાં આરોપીઓ ઓફિસે પાછા ફર્યા અને ત્રીજા ભાગીદાર મિલનને પણ સાથે લઈ ગયા.
રૂ. 10 લાખની માગ બાદ રૂ. 4 લાખ પડાવ્યા
ત્રણેય યુવકોને કારમાં ફેરવ્યા બાદ આરોપીઓએ રૂ. 10 લાખની માગણી કરી હતી. અંતે રૂ. 8 લાખ આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન મિલને પોતાના મોટા ભાઈ અમિતને ફોન કરીને નાણાંની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
આરોપીઓએ ઓફિસમાં રોકેલા પોતાના બે સાગરીતોને કામરેજ બોલાવ્યા હતા. ત્યાં અમિત પાસેથી રૂ. 4 લાખ રોકડા પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. નાણાં મળ્યા બાદ આરોપીઓ ત્રણેય યુવકોને રાજ હોટલ પાસે રસ્તા પર ઉતારી કાર સાથે ફરાર થઈ ગયા હતા.
CCTV અને મોબાઇલ લોકેશનથી આરોપીઓ સુધી પહોંચ્યા
ફરિયાદ નોંધાયા બાદ સરથાણા પોલીસે CCTV ફૂટેજ તથા મોબાઇલ લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા.
પત્રકાર સહિત ત્રણ આરોપી ઝડપાયા
ઘટના બાદ મિહિતભાઈએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને મોબાઇલ લોકેશનની મદદથી ગાંધીનગરના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં પ્રતીક હિરાણી (રહે. સેક્ટર-2, ગાંધીનગર), જે વ્યવસાયે પત્રકાર હોવાનું જણાવાયું છે; યશ બારિયા (રહે. પેથાપુર, ગાંધીનગર), જેણે નકલી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બનીને રોફ જમાવ્યો હોવાનો આક્ષેપ છે; અને સાહિલકુમાર પરમાર (રહે. સેક્ટર-3, ગાંધીનગર), જે વાળંદની દુકાન ચલાવે છે, તેમનો સમાવેશ થાય છે.
સરકારી કામમાં ભાડે દોડતી ઇનોવાનો ઉપયોગ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઇનોવા કાર સચિવાલયમાં સરકારી કામકાજ માટે ભાડે દોડતી હતી. કારનો ચાલક રૂ. 30 હજાર ભાડું લઈને તેને સુરત લાવ્યો હતો. ટોળકીમાં યશ નકલી PI બન્યો હતો, જ્યારે અન્ય શખ્સો સાયબર ક્રાઇમના અધિકારી હોવાનો દેખાવ કરતા હતા.
આ કેસમાં રાજકોટના રવિ પટેલ નામના અન્ય એક પત્રકાર સહિત બે શખ્સો હજુ વોન્ટેડ હોવાનું જણાવાયું છે. તેમને ઝડપી લેવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.