સુરત: સુરત સહિત ગુજરાતની ટેક્સટાઇલ માર્કેટોમાં વિશ્વાસના આધારે માલ ખરીદ્યા બાદ આયોજનબદ્ધ રીતે પેઢીઓ બંધ કરી નાણાં ચૂકવ્યા વિના ફરાર થતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આવા સંગઠિત આર્થિક ગુનાઓને રોકવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં આવા રીઢા ગુનેગારો સામે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
ઉઠમણાંને સંગઠિત આર્થિક ગુનો ગણવાની માંગ
SGCCIના જણાવ્યા મુજબ, આયોજનબદ્ધ રીતે અનેક વેપારીઓ પાસેથી માલ મેળવી નાણાં ચૂકવ્યા વિના પેઢી બંધ કરી દેવાની પ્રવૃત્તિ સામાન્ય વેપારી વિવાદ નહીં, પરંતુ સંગઠિત આર્થિક અપરાધ છે.
ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ટેક્સટાઇલ વેપાર પરસ્પર વિશ્વાસ અને ઉધાર વ્યવહારની વ્યવસ્થા પર આધારિત છે. જોકે, કેટલાક તત્વો શરૂઆતના ત્રણથી ચાર વ્યવહારોમાં સમયસર પેમેન્ટ કરીને વેપારીઓનો વિશ્વાસ જીતી લે છે. ત્યારબાદ વિવિધ સપ્લાયર્સ પાસેથી કરોડો રૂપિયાનું કાપડ ઉધારમાં મેળવી પેઢી બંધ કરીને ફરાર થઈ જાય છે. સ્થાનિક વેપારી વર્તુળોમાં ‘ઘોડા બેસાડવા’ તરીકે ઓળખાતી આ પદ્ધતિમાં વાસ્તવિક સંચાલકો પડદા પાછળ રહી અન્ય વ્યક્તિઓના નામે બોગસ પેઢીઓ ઊભી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં ફરિયાદ નોંધાવતી વખતે મામલાને સામાન્ય સિવિલ અથવા કમર્શિયલ વિવાદ તરીકે જોવામાં આવે છે. SGCCIના મતે, IPCની કલમ 406 અને 420ને અનુરૂપ BNSની કલમો 316(2) અને 318(4) હેઠળ કાર્યવાહી થતી હોવા છતાં આવા કિસ્સાઓમાં કડક પગલાંની જરૂર છે. ચેમ્બરનું કહેવું છે કે જો છેતરપિંડી આયોજનબદ્ધ અને શ્રેણીબદ્ધ રીતે કરવામાં આવી હોય, તો તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને GUJCTOC કાયદાની લાગુ પડતી જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
એક ઉઠમણાંની અસર અનેક વ્યવસાયો સુધી
વેપારીનું પેમેન્ટ અટકતાં તેની અસર કાપડ સપ્લાયર્સ ઉપરાંત વીવિંગ-પ્રોસેસિંગ એકમો, ટ્રાન્સપોર્ટર્સ, શ્રમિકો અને નાના ફેરિયાઓની રોજીરોટી પર પણ પડે છે.
ચેમ્બરે સરકારનું ધ્યાન દોર્યું હતું કે ટેક્સટાઇલ ઉદ્યોગ એકબીજા સાથે જોડાયેલી વ્યવસાયિક સાંકળ છે. એક વેપારી દ્વારા નાણાં ચૂકવવામાં ન આવે તો તેની અસર માત્ર માલ સપ્લાય કરનાર સુધી સીમિત રહેતી નથી. વીવિંગ અને પ્રોસેસિંગ એકમો, હોલસેલર્સ, કમિશન એજન્ટ્સ, ટ્રાન્સપોર્ટર્સ, પેકિંગ સાથે સંકળાયેલા લોકો તેમજ ચા-પાણી વેચીને રોજગાર મેળવતા નાના ફેરિયાઓ સુધી આર્થિક મુશ્કેલી પહોંચે છે. પરિણામે બજારમાં નાણાંનું પરિભ્રમણ ખોરવાય છે અને પ્રામાણિક વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.
SGCCIએ સરકાર સમક્ષ મુખ્યત્વે ત્રણ માગણીઓ રજૂ કરી છે. પ્રથમ, આયોજનબદ્ધ અને વારંવાર આર્થિક છેતરપિંડી આચરતા ગુનેગારો સામે કાયદાની જોગવાઈઓ લાગુ પડતી હોય ત્યાં GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવે. બીજી, રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ મથકો માટે લેખિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે, જેથી સામાન્ય વેપારી વિવાદ અને સંગઠિત આર્થિક છેતરપિંડી વચ્ચેનો તફાવત સમજી યોગ્ય કાનૂની પગલાં લઈ શકાય. ત્રીજી, કાપડ બજાર સાથે જોડાયેલા નાના વેપારીઓ, કારીગરો અને શ્રમિકોની આજીવિકા બચાવવા આર્થિક ગુનાઓની તપાસ ઝડપી અને અસરકારક બનાવવામાં આવે.
રાજ્યભરમાં એકસમાન પોલીસ માર્ગદર્શિકાની માંગ
સામાન્ય વેપારી વિવાદ અને સંગઠિત છેતરપિંડીને અલગ રીતે ઓળખી શકાય તે માટે પોલીસ કમિશનરો, SP અને પોલીસ મથકોને સ્પષ્ટ લેખિત સૂચનાઓ આપવાની SGCCIની માંગ છે.
આ આવેદનપત્રની નકલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મોકલવામાં આવી છે. ટેક્સટાઇલ ઉદ્યોગના વ્યાપક હિતમાં સરકાર સત્વરે પગલાં ભરે અને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરે તેવી ચેમ્બર દ્વારા વિનંતી કરવામાં આવી છે.