હજીરા, સુરત: ઔદ્યોગિક ક્ષેત્રમાં સલામતીના ધોરણો સુધારવા અને નિયમોના પાલન અંગે સ્પષ્ટતા લાવવાના હેતુથી ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિરેક્ટોરેટ (DISH) દ્વારા કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ના સહયોગથી ‘ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ, 2020’ અંગે વિશેષ ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. હજીરા સ્થિત આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ના પ્લાન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ અને સલામતી ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
OSH કોડ-2020 અંગે માર્ગદર્શન
કેન્દ્રીય શ્રમ કાયદાઓને એકીકૃત કરીને તૈયાર કરાયેલા આ માળખા દ્વારા ઔદ્યોગિક સલામતીના ધોરણો સુધારવા અને નિયમનકારી પાલન સરળ બનાવવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડિરેક્ટર પી.એમ. શાહ, CIIના ઝોનલ ચેરમેન જનક જરીવાલા, AM/NS Indiaના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ વિમ વેન ગર્વેન, હજીરા ખાતેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર–પ્રોજેક્ટ્સ તથા ડેપ્યુટી CTO સંતોષ મુંધડા અને ચીફ સેફ્ટી ઓફિસર નાગેશ્વર રાવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ, ફેક્ટરી ઓક્યુપાયર્સ, પ્લાન્ટ હેડ્સ, EHS પ્રોફેશનલ્સ અને સેફ્ટી ઓફિસર્સે સક્રિય ભાગ લીધો હતો.
મુખ્ય વક્તા તરીકે પી.એમ. શાહે OSH કોડના વ્યવહારિક અમલીકરણ અને ગુજરાતના ઉદ્યોગોની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ કોડ કામદારોની સલામતી અને સુખાકારીને ઔદ્યોગિક કામગીરીના કેન્દ્રમાં રાખવાની સાથે કાયદાકીય અનુપાલન સરળ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. તેના અસરકારક અમલીકરણ માટે સરકારી નિયમનકારી સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સક્રિય સહયોગ જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
સલામતીને રોજિંદા કામકાજનું મુખ્ય મૂલ્ય
AM/NS Indiaના સંતોષ મુંધડાએ જણાવ્યું કે કંપનીમાં સલામતીને મુખ્ય મૂલ્ય તરીકે જોવામાં આવે છે અને OSH કોડના માળખાને અનુરૂપ સુરક્ષિત કાર્યસ્થળ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
સંતોષ મુંધડાએ DISH અને ગુજરાત સરકારની પહેલને આવકારતાં જણાવ્યું હતું કે તે ઉદ્યોગોને નિયમો અંગે સ્પષ્ટતા પૂરી પાડે છે અને ઔદ્યોગિક સલામતી માટે ઊંચા ધોરણો સ્થાપિત કરવામાં મદદરૂપ બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે AM/NS Indiaમાં સુરક્ષિત કાર્યસ્થળ જાળવવા માટે મજબૂત વ્યવસ્થાઓ છે અને આવી પહેલ સમગ્ર ઉદ્યોગમાં સલામતીના ધોરણો વધુ ઊંચા લાવવામાં મદદ કરશે.
AM/NS Indiaના ચીફ સેફ્ટી ઓફિસર નાગેશ્વર રાવે પણ નવા નિયમોની પ્રશંસા કરી હતી. તેમણે સલામતી અંગેની શિસ્ત મજબૂત બનાવવા અને લાંબા ગાળે ઔદ્યોગિક ક્ષેત્રમાં નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા OSH કોડ-2020ના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રશ્નોત્તરી દ્વારા શંકાઓનું સમાધાન
સત્રના અંતે યોજાયેલી પ્રશ્નોત્તરીમાં સહભાગીઓના પ્રશ્નોના જવાબો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ વિવિધ મુદ્દાઓ અંગે પ્રશ્નો પૂછ્યા હતા, જેના જવાબો આપીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર સત્રમાં ઔદ્યોગિક સલામતી, કામદારોની સુખાકારી અને નિયમોના અસરકારક પાલન માટે સરકાર તથા ઉદ્યોગો વચ્ચે સંકલનના મહત્ત્વ પર ભાર મૂકાયો હતો.