સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ની પહેલ સમાન ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC) દ્વારા ટેક્સટાઇલ ક્ષેત્રે નવીનતા અને ટેકનોલોજીકલ બદલાવોને આવકારવા માટે મંગળવાર, 27 ઑક્ટોબર 2026ના રોજ સાંજે 5:30 કલાકે યુકેએમ  હોલ, સરસાણા, સુરત ખાતે સપ્તાહવ્યાપી ‘ટેક્સટાઇલ વીક - 1’ના ઇનોગ્યુરલ સેશનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય વિષય ‘SURAT 2035: From MMF Capital to Technical Textile Innovation Hub’ રાખવામાં આવ્યો હતો. 
ટેકનિકલ ટેક્સટાઇલ હબ બનવાની દિશામાં આગેકૂચ: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
પ્રથમ દિવસે સ્વાગત પ્રવચન કરતાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “બદલાતા સમયના પ્રવાહો વચ્ચે સુરત હવે માત્ર પરંપરાગત સિન્થેટિક ફેબ્રિક્સ પૂરતું મર્યાદિત ન રહેતાં વિશ્વસ્તરીય ટેકનિકલ ટેક્સટાઇલ હબ બનવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આ સપ્તાહવ્યાપી આયોજન સ્થાનિક ઉદ્યોગકારોની પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. ચેમ્બર દ્વારા આ ક્ષેત્રે સંશોધન અને તાલીમ માટે અટિરા  સાથે સતત કાર્યક્રમો કરવામાં આવે છે, જેની સાથે હવે એનઆઈડીને પણ જોડવામાં આવ્યું છે. ટેકનિકલ ટેક્સટાઇલનું ભવિષ્ય અત્યંત ઉજળું છે અને આખું સપ્તાહ ઉદ્યોગસાહસિકો માટે નવી દિશા ખોલનારું બની રહેશે.” 
ફેશન ફેબ્રિકથી ફંક્શનલ ફેબ્રિક તરફ ડાઇવર્સિફિકેશન જરૂરી: અમરિષ ભટ્ટ
કાર્યક્રમના મુખ્ય વક્તા પીએચ.ડી. સ્કોલર અને સિનિયર જર્નાલિસ્ટ શ્રી અમરિષ ભટ્ટે આખા સપ્તાહ દરમિયાન માર્ગદર્શન આપનારા તજજ્ઞોની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, “આપણે ફેશન ફેબ્રિકમાંથી ફંક્શનલ ફેબ્રિક તરફ વળવાનું છે, પરંતુ એ વાત ખાસ યાદ રાખવાની છે કે સાડી અને ડ્રેસ મટિરિયલ્સની આપણી મૂળભૂત મજબૂતાઈને ક્યારેય છોડવાની નથી. સુરત પાસે આધુનિક મશીનરી, માળખાગત સુવિધાઓ અને અજોડ ઉદ્યોગસાહસિકતા છે. જોકે, માત્ર ઉત્પાદન વધારવાથી ગળાકાપ સ્પર્ધા વધે છે, તેથી હવે ટકાઉ બિઝનેસ મોડલ બનાવવાની ચિંતા કરવી પડશે. આપણે ડરવાની જરૂર નથી પણ ડાઇવર્સિફાઇ થવાની જરૂર છે. માત્ર માહિતી રાખવા પૂરતું (Knowing) નહીં, પણ તેને વાસ્તવિક અમલમાં (Doing) રૂપાંતરિત કરવું પડશે.” 
તેમણે ઉમેર્યું કે, “ચીન પાસેથી આપણે 5 બાબતો શીખવાની જરૂર છે: 1. સુવ્યવસ્થિત અને સંકલિત ક્લસ્ટર્સ, 2. ઉત્પાદનનું ઓટોમેશન, 3. સંપૂર્ણ ડિજિટલાઇઝેશન, 4. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વિનિયોગ, અને 5. સંશોધનનું વ્યાવસાયિકીકરણ. આપણે કોઈની અંધ કોપી મારવાની જરૂર નથી, પરંતુ ટેકનિકલ ટેક્સટાઇલમાં પ્રોડક્ટ સિલેક્ટ કરવાને બદલે બજારનો ‘પ્રોબ્લેમ’ સિલેક્ટ કરીને તેનું સોલ્યુશન આપતું ફેબ્રિક તૈયાર કરવાનું છે.”
વિશ્વની ‘ચાઇના+1’ સ્ટ્રેટેજીમાં ભારત મોખરે: ડૉ. જયેશ દેસાઈ
કાર્યક્રમના મુખ્ય અતિથિ બીઆરસીએમ (BRCM) કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના પ્રિન્સિપાલ ડૉ. જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “વર્ષ 2035ના સંદર્ભમાં વિચારીએ તો ભારત સદીઓથી વિશ્વના ટેક્સટાઇલ વેપારનું અગ્રણી કેન્દ્ર રહ્યું છે. આજે સમગ્ર વિશ્વ ‘ચાઇના+1’  વ્યૂહરચના અપનાવી રહ્યું છે, જેનો સીધો લાભ ભારત અને ખાસ કરીને ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળી શકે છે. સરકારની વિવિધ ટેક્સટાઇલ નીતિઓ અને પ્રોત્સાહનોનો લાભ લઈને વૈશ્વિક સ્તરે રહેલા 300 બિલિયન ડૉલરના વણખેડાયેલા માર્કેટને સર કરી શકાય છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે ‘કંઈક અલગ કરવું’ એ જ આપણો મૂળ મુદ્રાલેખ હોવો જોઈએ.” 
કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ વક્તાઓનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોનો પરિચય એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના કો-ચેરમેન શ્રી વિનેશ શાહે કરાવ્યો હતો. સમગ્ર સત્રનું સંચાલન એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના કો-ચેરમેન શ્રી ભગીરથ કલાથિયા દ્વારા કરવામાં આવ્યું હતું, આ સત્રમાં શહેરના અગ્રણી ટેક્સટાઇલ ઉદ્યોગસાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.