સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ની ગ્લોબલ કનેક્ટ (SGC) કમિટી તથા ડિપ્લોમેટિક રિલેશન્સ એન્ડ ફોરેન અફેર્સ કમિટી દ્વારા યુકે સરકારના ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ (DBT)ના સહયોગથી સરસાણા સ્થિત 'સંહતિ', SIECC પરિસરમાં 'એક્સક્લુઝિવ બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ નેટવર્કિંગ'  બેઠકનું સફળ આયોજન 27 ઑક્ટોબર, મંગળવારે સંહતિ, સરસાણા ખાતે કરવામાં આવ્યું હતું. આ વિશેષ સત્રમાં સુરતના ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગસાહસિકો બ્રિટિશ ડેલિગેશન સાથે સીધા સંવાદમાં જોડાયા હતા. 
FTA અને MoUનો લાભ ઉદ્યોગો સુધી પહોંચાડવો પ્રાથમિકતા: પ્રમુખ અશોક જીરાવાલા
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “સુરત વિશ્વભરમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના વૈશ્વિક પાટનગર તરીકે સુવિખ્યાત છે. ભારત સરકારે વિશ્વના અગ્રણી દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરીને સ્થાનિક ઉત્પાદનો માટે વિદેશી બજારોના દ્વાર ખોલ્યા છે. સાથોસાથ સુરત ચેમ્બર ઓફ કોમર્સે પણ વિશ્વના 33 દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતી કરાર (MoU) કર્યા છે. આજનું આ વિશેષ સત્ર સુરતના ઉદ્યોગકારો મુક્ત વ્યાપાર કરારના નિયમો, ડ્યુટી બેનિફિટ્સ અને વૈશ્વિક તકોનો મહત્તમ લાભ કેવી રીતે ઉઠાવી શકે તેમજ ભારત યુકેને શું આપી શકે તેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે યોજવામાં આવ્યું છે.” 
99% વસ્તુઓ પર 0% ટેરિફ: જિનૂસ શરિયાતી
યુકે હાઈ કમિશનના ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સેલર ફોર સાઉથ એશિયા સુશ્રી જિનૂસ શરિયાતીએ જણાવ્યું હતું કે, “હું પ્રથમ વખત સુરત આવી છું અને અહીંનો ઔદ્યોગિક ઉત્સાહ અભૂતપૂર્વ છે. ભારત અને યુકે વચ્ચેના ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારના અમલીકરણને 100 દિવસ પૂર્ણ થયા છે, જે બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોની એક નવી સુવર્ણ સવાર સમાન છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષી વેપાર પહેલેથી જ અત્યંત મજબૂત છે, પરંતુ હવે ભારતીય બિઝનેસ માટે નિકાસ અને રોકાણ બંને ક્ષેત્રે અપાર તકો સર્જાઈ છે. આ કરાર હેઠળ લગભગ 99% જેટલી વસ્તુઓ પર 0% ટેરિફ નક્કી કરવામાં આવી છે. અમારો મુખ્ય પ્રયાસ માત્ર મોટી કોર્પોરેટ કંપનીઓ પૂરતો સીમિત ન રહેતાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME) પણ આ ટેરિફ છૂટછાટનો સીધો ફાયદો મેળવે તે સુનિશ્ચિત કરવાનો છે.” 
તેમણે ઉમેર્યું હતું કે, “વેપારને વધુ સરળ બનાવવા માટે બંને દેશો કસ્ટમ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને સંપૂર્ણ પેપરલેસ ટ્રેડ તરફ આગળ વધવા સંમત થયા છે. આ કરારથી ગુડ્સ ઉપરાંત સર્વિસ સેક્ટરને પણ વ્યાપક લાભ મળશે, જ્યારે સોલર તેમજ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ટેકનોલોજી અને મૂડીરોકાણના નવા સીમાચિહ્નો સ્થાપિત થશે.” 
યુકેમાં રોકાણથી ગ્લોબલ પ્રાઇસ એડવાન્ટેજ: નંદિતા રાજપૂત
યુકે સરકારનાં સિનિયર એડવાઇઝર (ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ડિયા લીડ ફોર રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર) સુશ્રી નંદિતા રાજપૂતે યુકેની ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજીની વિગતવાર છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જે ભારતીય કંપનીઓ યુકેમાં વિસ્તરણ કરવા માંગે છે તેમને અમારો વિભાગ એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ પૂરો પાડે છે. ગુજરાત અને યુકે વચ્ચે ઐતિહાસિક અને કુદરતી નાતો રહ્યો છે, કારણ કે યુકેમાં વિશાળ ગુજરાતી ડાયસ્પોરા વસે છે. ભારતીય ઉદ્યોગો જો ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરે અને યુકેમાં તેનું ફાઇનલ એસેમ્બલિંગ કરે તો તેમને મોટો પ્રાઇસ એડવાન્ટેજ અને ગ્લોબલ બજારમાં વિશ્વસનીયતા પ્રાપ્ત થાય છે.” 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “યુકેમાં 12 રિજિયન્સ આવેલા છે અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ક્લીન એનર્જી, સંરક્ષણ  તેમજ ફાર્મા અને મેડ-ટેક ક્ષેત્રો સરકારની સર્વોચ્ચ અગ્રતામાં છે. સુરતમાં આજે વિશ્વસ્તરીય મેડ-ટેક કંપનીઓ ધબકી રહી છે. સ્થાનિક ઉદ્યોગકારોએ માત્ર નિકાસ સુધી સીમિત ન રહેતાં યુકેમાં ડિઝાઇનની વેલ્યુ ચેઇન પર ફોકસ કરવું જોઈએ. જેમ પેરિસમાં વૈશ્વિક ફેશન વીક યોજાય છે, તેમ સુરતના ટેક્સટાઇલ અગ્રણીઓ સંયુક્ત રીતે યુકેમાં ડિઝાઇન સેન્ટર ઊભું કરી શકે છે. જો વ્યક્તિગત પ્રોજેક્ટ સાઇઝ નાની હોય તો સહયોગ સાધીને આગળ વધી શકાય છે. ગુજરાતની ટોચની ફાર્મા અને કેમિકલ કંપનીઓએ પહેલેથી જ યુકેમાં મોટું મૂડીરોકાણ કરીને વૈશ્વિક સફળતા મેળવી છે.” 
કાર્યક્રમની શરૂઆતમાં અતિથિઓનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ભૂમિકા ડિપ્લોમેટિક રિલેશન્સ એન્ડ ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન શ્રી મનીષ માળીએ રજૂ કરી હતી. સમગ્ર સત્રનું સંચાલન અને આભારવિધિ ગ્લોબલ કનેક્ટ કમિટીના ચેરમેન શ્રી દેવકિશન મંઘાણી દ્વારા કરવામાં આવી હતી. બેઠકમાં હેડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફોર ગુજરાત શ્રી જીગર પુરોહિત, માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ સહિત અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.