ગાંધીનગર- વર્તમાન ન્યૂઝ.કોમ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા પીએસઆઈ તન્વીરસિંહ ઝાલાએ સેક્ટર-27 સ્થિત પોલીસ લાઇન ખાતે પોતાના નિવાસસ્થાને સર્વિસ રિવોલ્વર વડે જાતે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગનો અવાજ સાંભળી આસપાસના લોકો તથા સાથી પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જોકે ગંભીર ઇજાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાબડતોબ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે. મૃતક પીએસઆઈ તન્વીરસિંહ ઝાલા લાંબા સમયથી પાટનગર ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યા હતા. અચાનક ભરેલા આ અંતિમ પગલાં પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ કૌટુંબિક કારણો કે અંગત પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ માત્ર પ્રાથમિક અનુમાન છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કોઈ માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીમાં હતા કે કેમ, તે જાણવા માટે તેમના પરિવારજનો, નિકટના મિત્રો અને સાથી કર્મીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. એફએસએલ દ્વારા ઘટનાસ્થળેથી બેલેસ્ટિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આપઘાતનું ચોક્કસ કારણ સુસાઈડ નોટ મળે તો અથવા વિગતવાર ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મુખ્યમંત્રી સુરક્ષા જેવા અતિ મહત્ત્વના અને સંવેદનશીલ યુનિટમાં ફરજ બજાવતા પીએસઆઈ તન્વીરસિંહ ઝાલા ફરજ પ્રત્યે નિષ્ઠાવાન ગણાતા હતા. પોલીસ સૂત્રો અનુસાર, બનાવ બન્યો તે સમયે ગોળી ચાલવાનો અવાજ આવતાં જ પાડોશમાં રહેતા પોલીસ પરિવારો એકઠા થઈ ગયા હતા. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા વચ્ચે તેમની સર્વિસ રિવોલ્વર પડેલી મળી આવી હતી. પોલીસ બેડામાં ચર્ચા છે કે તેઓ કોઈ ગંભીર અંગત સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ તેમણે સાથીકર્મીઓ સમક્ષ ક્યારેય આ અંગે મોકળા મને વાત કરી નહોતી.