સુરત મનપાની મળેલી સામાન્ય સભામાં શહેરમાં વિકાસની પ્રશંસા વચ્ચે પાલિકાની વહીવટી કામગીરી, માળખાકીય સુવિધાઓની ખામીઓ અને ગંભીર ગેરરીતિઓ સામે સવાલો ઉઠ્યા હતા. આ સભામાં શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરોએ પોતાના વિભાગો અને તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરીને વિવિધ મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચા કરી હતી. ખેલ મહાકુંભમાં સુરતના ખેલાડીઓની ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવાની સાથે સાથે રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજવાની સુવિધાઓનો અભાવ, પીળા પાણીની સમસ્યા, રસ્તા પરના દબાણો, ટ્રાફિક વ્યવસ્થાપન, બ્રિજોની નબળી ગુણવત્તા, ડિજિટલ ફરિયાદોના નિકાલમાં વિલંબ અને ભેડસેળીયા સામે 'તુકારામ મુંડે' જેવી કડક કાર્યવાહી કરવાની માગ સાથેના પ્રશ્નો સભામાં ગુંજ્યા હતા. સુરતના ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં 36 રમતો અંતર્ગત કુલ 252 ગોલ્ડ મેડલ સહિત કુલ 710 મેડલ જીતીને સતત ચોથી વખત પ્રથમ ક્રમ મેળવ્યો છે અને શહેરનું ગૌરવ વધાર્યું છે. ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે આ સિદ્ધિ બદલ ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ સાથે જ તેમણે વહીવટી તંત્રની પોલ પણ ખોલી હતી.
તેમણે જણાવ્યું કે, આટલા બધા મેડલ જીતનાર સુરતમાં રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજવા માટે પણ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી, કારણ કે શહેરના સ્વિમિંગ પૂલ જૂની ડિઝાઇનના છે. અલથાણ સ્વિમિંગ પૂલ ખાતે માત્ર 15થી 20 લાખ રૂપિયાના ખર્ચે જરૂરી સાધનો અને સુવિધાઓ ઊભી કરવામાં આવે તો પણ સ્પર્ધાઓ યોજી શકાય તેમ છે. રાજ્યના રમતગમત મંત્રી સુરતના જ હોવાથી ગાંધીનગરમાં યોગ્ય રજૂઆત કરવાથી આધુનિક સુવિધાઓ મળી શકે તેમ છે, તેમ જણાવી તેમણે શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવાની પણ માગ કરી હતી. આ ઉપરાંત સામાન્ય સભામાં નાગરિકોને રોજિંદા જીવનમાં નડતી હાલાકીઓ અંગે પણ કોર્પોરેટરોએ તંત્રને સખત શબ્દોમાં ટકોર કરી હતી. વ્રજેશ ઉનડકટે પોતાના વિસ્તારમાં પીળા પાણીની ગંભીર સમસ્યા હોવાનું જણાવી દિવાળી પહેલાં લોકોને આ મુશ્કેલીમાંથી મુક્ત કરવા તાકીદ કરી હતી. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ભેળસેળનો ગંભીર મુદ્દો જોરશોરથી ઉછળ્યો હતો. વોર્ડ નંબર-26 ના ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે સભામાં આક્રમક રજૂઆત કરતા જણાવ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં 15 હજારથી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી છે અને 1,200થી વધુ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર 89 સેમ્પલ જ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે.
તેમણે મહારાષ્ટ્રના ચર્ચિત અધિકારી તુકારામ મુંડેની જેમ સુરતમાં પણ ભેળસેળિયાઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને ડ્રગ્સના કેસોમાં 'એનડીપીએસ' (NDPS) એક્ટ હેઠળ પગલાં લેવાય છે તેમ ખાદ્ય પદાર્થોના ભેળસેળિયાઓ સામે પણ આ કાયદો લાગુ કરવાની માગ કરી હતી. આ પ્રકારે સુરત પાલિકાની સામાન્ય સભામાં એક તરફ ખેલાડીઓની ભવ્ય સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી, તો બીજી તરફ શાસક પક્ષના જ સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પીળા પાણી, દબાણો, બ્રિજની નબળી ગુણવત્તા અને વેરા આકારણીમાં થતી વહીવટી ગેરરીતિઓના મુદ્દાઓએ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો સર્જ્યા હતા.