મુંબઈ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી ફેબ્રુઆરી 2027થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની યોજના અંતિમ તબક્કામાં છે. ઇન્ડિગો અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ સંયુક્ત રીતે આ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ઇન્ડિગો પોતાની કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પરથી નવી મુંબઈ એરપોર્ટ પર તબક્કાવાર ખસેડશે. આથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં બંને એરપોર્ટની સંયુક્ત વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
12 સ્થળો સાથે જોડાણ
નવી મુંબઈ એરપોર્ટથી બહેરીન, રિયાધ, દમ્મામ, જેદ્દાહ, મદીના, કુવૈત, રાસ અલ ખૈમાહ, ફુજૈરાહ, મસ્કત, ઢાકા અને જકાર્તાની ફ્લાઇટ્સ ખસેડાશે. કાઠમંડુ માટે નવી દૈનિક સેવા પણ શરૂ કરવાની યોજના છે.
ઇન્ડિગો હાલના મુંબઈ એરપોર્ટ પરથી દરરોજની 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તબક્કાવાર ખસેડશે. ફેબ્રુઆરીથી જુલાઈ 2027 દરમિયાન નવી મુંબઈ એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક 12 સ્થળો સુધી વિસ્તરશે.
મુસાફરોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વચ્ચે સરળ કનેક્ટિવિટી મળે તે માટે જરૂરી સ્થાનિક સેવાઓ પણ નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડવાની યોજના છે. આ માટે ઇન્ડિગો અને અદાણી એરપોર્ટ્સ જરૂરી માળખાકીય સુવિધાઓ તૈયાર કરી રહ્યાં છે.
નવા રૂટ માટે તક
મુંબઈ એરપોર્ટ પરથી સેવાઓ ખસેડવાથી ઇન્ડિગોને એશિયા, આફ્રિકા અને યુરોપમાં નવા રૂટ શરૂ કરવા માટે વધારાની ક્ષમતા મળશે. આ માટે કંપની A320, A321 અને A321XLR વિમાનોનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
ટર્મિનલ-1ના પુનઃનિર્માણમાં મદદ
આ સ્થળાંતરથી 2030 સુધીમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-1ના પુનઃનિર્માણ માટે પણ જરૂરી ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. ટર્મિનલ-1 પર ઇન્ડિગોની સેવાઓને ટર્મિનલ-2માં સમાવવા માટે બંને કંપનીઓ સાથે મળીને કામ કરશે.
બંને એરપોર્ટ વચ્ચે સેવાઓનું તબક્કાવાર પુનઃસંતુલન કરવાથી કામગીરીમાં અવરોધ ઘટાડવા અને મુસાફરોને વધુ સુગમ મુસાફરીની સુવિધા આપવાનો હેતુ છે. પ્રકલ્પનું અંતિમ સંકલન પૂર્ણ થયા બાદ અને જરૂરી મંજૂરીઓ મળ્યા પછી ઇન્ડિગો સેવાઓના સ્થળાંતર તથા નવી સેવાઓ શરૂ કરવાની અંતિમ તારીખો જાહેર કરશે.