સુરત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવાર, 25મીએ સુરતમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવી રહ્યા છે. તેમના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે બસ સેવાઓના સંચાલનમાં ફેરફાર કરવાની સૂચના આપી છે. મુખ્યમંત્રીના નિર્ધારિત રૂટ પર દોડતી BRTS અને સિટી બસની સેવાઓ કામચલાઉ ધોરણે બંધ રાખવા અથવા અન્ય રૂટ પર વાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
44 રૂટ પર અસર
મહાનગરપાલિકા સંચાલિત સિટી લિંક દ્વારા ચલાવવામાં આવતી BRTSના 10 અને સિટી બસના 34 જેટલા રૂટમાં ફેરફાર કરાયો છે.
આ નિર્ણયના પગલે 25મીએ સવારથી જ બસ સેવાઓના સંચાલન પર અસર પડશે. મુસાફરોએ તેમના નિયમિત રૂટ પર બસ સેવા ઉપલબ્ધ રહેશે કે નહીં તેની નોંધ લેવી પડશે. સુરક્ષાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી રોજિંદા મુસાફરોની અવરજવર પર પણ અસર થવાની શક્યતા છે.
13 રૂટ સંપૂર્ણ બંધ
નિર્ધારિત 13 રૂટ પર બસ સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે કેટલાક રૂટ પર બસોને ફ્લાયઓવર પરથી પસાર કરવામાં આવશે અથવા રૂટ ટૂંકાવવામાં આવશે.
આ ઉપરાંત, મુખ્યમંત્રીના કાર્યક્રમો દરમિયાન જરૂરીયાત મુજબ બસોને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવશે. તેના કારણે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં વિલંબ થઈ શકે છે.
કાર્યક્રમ બાદ રાબેતા મુજબ
મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ ટ્રાફિક પોલીસની સૂચના મુજબ બસ સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
કાર્યક્રમ સવારના સમયે હોવાથી પીક અવર્સ દરમિયાન બસમાં ધંધાર્થે જતા લોકોને મુશ્કેલી પડી શકે છે. રૂટમાં ફેરફાર થવાને કારણે અન્ય બસોમાં મુસાફરોની ભીડ વધવાની પણ શક્યતા છે.