Page Views: 11886

અમરેલીના ડોક્ટરે વડા પ્રધાનના નામે ડમી ઇ-મેઇલ એકાઉન્ટ બનાવી સરકારને ખખડાવી

અમદાવાદની જમીન મામલે તંત્રને ખખડાવવા બોગસ એકાઉન્ટ બનાવનાર ડોક્ટરને સાયબર ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો

અમદાવાદ-27-11-2020

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમરેલીના એક ડોક્ટરને ઉચકી લાવીને તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડોક્ટરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામથી બોગસ ઇ મેઇલ એકાઉન્ટ બનાવીને રાજ્ય સરકારના અધિકારીઓનો ઉધડો લીધો હોવાનો આરોપ છે. 

અમરેલીના એક ડોક્ટરે પોતાની અમદાવાદમાં ઓફિસનો કબ્જો મેળવવા અંગે ચાલતા વાંધાનો નિકાલ લાવવા વડાપ્રધાનની સાઇટ પરથી ડમી પત્ર તૈયાર કરી તેમના નામે અશોક સ્થંભનો ઉપયોગ કરી ખુદ વડાપ્રધાનની કચેરીના નામનું ડમી ઇમેલ આઇડી બનાવી રાજ્ય સરકારના ગૃહ વિભાગને ખખડાવી નાંખતો પત્ર લખ્યો હતો. મરેલીના ચિત્તલ રોડ પર દ્વારકેશ ગણેશ સોસાયટીમાં રહેતા તબીબ ડો. વિજયકુમાર દ્વારકાદાસ પરીખની બે ઓફિસો અમદાવાદના પરિમલ ગાર્ડન સામે ડોક્ટર હાઉસમાં આવેલી છે. જે તેઓએ ડો. નિશીત શાહ પાસેથી ખરીદી હતી. પણ ડો. નિશીત શાહે તેનો કબ્જો ગેરકાયદેસર રીતે લઇ લીધો હતો. જેનો કબ્જો પરત અપાવવા ડો. વિજયકુમારે કારસો ઘડ્યો. તેમણે વડાપ્રધાનની સાઇટ પરથી અશોક સ્થંભનો લોગો વગેરે હેક કરી તેના પરથી ગુજરાત સરકારના ગૃહ સચિવને ખખડાવી નાંખતો એક પત્ર મેઇલ કર્યો. એ પત્ર પાછો વડાપ્રધાનના કાર્યાલય તરફથીજ ગૃહ સચિવ, રાજ્યના ડિજી, અમદાવાદના પોલીસ કમિશ્નર, રાજ્યના ચીફ સેક્રેટરી, ખુદ વડાપ્રધાનના ઇ મેઇલ એકાઉન્ટ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, વગેરેને પણ નકલ રવાના તરીકે મોકલ્યો. આ પત્રમાં તેમણે રાજ્ય સરકારની કડક ટીકા કરી નાંખી. આથી તેની ચર્ચા થતાં તપાસ કરાઇ હતી. ઇમેલ જે એકાઉન્ટ પરથી આવ્યું તેની તપાસ થતાં એ ડમી હોવાનું ફલિત થયું હતું. આથી સમગ્ર બનાવની તપાસ અમદાવાદ સાઇબર ક્રાઇમને સોંપાઇ હતી. પોલીસે તપાસના અંતે તબીબને અમરેલીથી પકડી લઇ પુછપરછ માટે અમદાવાદ લઇ ગયા હતા.