Page Views: 15387

ફોસ્ટા ફોટો સેશનમાં વ્યસ્ત- ટેક્સટાઇલ માર્કેટોમાં કોરોના વિસ્ફોટ

આરોગ્યનો સ્ટાફ ટેસ્ટીંગ કરવા માટે ગયો તો માર્કેટમાંથી લોકો ભાગી છુટ્યા

સુરત-24-11-2020

સુરત શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ખાસ કરીને શહેરના રિંગરોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં કારીગરો અને વેપારીઓની મોટી ભીડ ઉમટી રહી છે અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. ત્યારે વેપારીઓના સૌથી મોટા સંગઠન ગણાતા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન(ફોસ્ટા)ના પદાધિકારીઓ કે જેમની સમય મર્યાદા સાત વર્ષ પહેલા પુરી થઇ ગઇ છે. એ તમામ પદાધિકારીઓ માર્કેટ વિસ્તારની સમસ્યાઓને લઇને જરા પણ ગંભીર નથી અને માત્રને માત્ર પોલીસ અધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ સાથે ફોટો સેશનમાં વ્યસ્ત છે. કોરોનાના સંખ્યાબંધ કેસો માર્કેટ વિસ્તારમાંથી મળી રહ્યા છે. ગત રોજ બપોર સુધીમાં જ ટેક્સટાઇલ માર્કેટોમાંથી કોરોનાના 85 નવા કેસ મળ્યા હતા. જેના કારણે સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનીધી પાની અને મેયર ડો.જગદીશ પટેલ પણ માર્કેટ વિસ્તારમાં દોડી ગયા હતા. ઉપરાંત રિંગરોડ પર અલગ અલગ સ્થળો પર 14 જેટલા રેપિડ ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આજે સવારે જ્યારે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ માર્કેટ વિસ્તારમાં લોકોના કોરોનાના ટેસ્ટીંગ માટે પહોંચ્યા ત્યારે નાસભાગ મચી ગઇ હતી. માર્કેટના કેટલાક કર્મચારીઓ તો આરોગ્ય કર્મચારીઓના હાથે તપાસ કરાવવાને બદલે દોટ મુકીને નાસી ગયા હતા. કેટલાક આરોગ્ય વિભાગની ટીમ હાથ પકડીને લઇ આવ્યા તો હાથ છોડાવીને નાસી ગયા હતા. ટેક્સટાઇલ માર્કેટના કારીગરોનું કહેવુ છે કે, કોરોના પોઝીટીવ આવશે તો તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરી દેવાશે અને રોજગારી છીનવાઇ જશે એટલા માટે તેઓ કોરોના ટેસ્ટ કરાવવાથી દૂર ભાગી રહ્યા છે.