Page Views: 13477

દિલ્હીથી આવેલા ત્રણ ડોક્ટરોની ટીમે કહ્યું, આ કારણોસર કોરોનાએ અમદાવાદમાં ફરી માથું ઉચક્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડો.એસ કે સિંગ સહિત ત્રણ નિષ્ણાંતોએ એસવીપી હોસ્પિટલની પણ મુલાકાત લીધી

અમદાવાદ-21-11-2020

રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં  કોરોના વાયરસ સંક્રમિત કેસોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વધુ વકરે નહીં તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે.સિંગની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાંત ડોક્ટરો ગુજરાત આવ્યા છે. તેમણે સમગ્ર સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ એવુ જણાવ્યું છે કે, દિવાળીના તહેવારોમાં શહેરીજનોએ બેદરકારી દાખવી અને મોટી સંખ્યામાં ઠેર ઠેર ખરીદી માટે ભીડ ઉમટી પડતા અમદાવાદ સહિતના રાજ્યના મોટા શહેરોમાં કોરોનાનો કહેર વધ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસોમાં કોરોનાના આંકડાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે અને રિ ઇન્ફેકશનના આ કેસ હોવાને કારણે સ્થિતિ વધારે ગંભીર બની રહી છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની અમદાવાદ SVP હોસ્પિટલ ખાતે પણ ગયા હતા તેમજ  અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. કેન્દ્રની ટીમે કહ્યું હતું કે,”દિવાળીમાં થયેલી લોકોની ભીડભાડને કારણે શહેરમાં કોરોના વકર્યો છે. તહેવારો દરમિયાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ સામે આવ્યું છે. વધતા જતાં સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે.” કરફ્યુ ઉપરાંત પણ હજુ કડક પગલા ભરવામાં આવશે તો જ આ સ્થિતિ નિયંત્રણમાં આવશે અન્યથા આ સંક્રમણનો તબક્કો વધારે ભયંકર સાબિત થઇ શકે તેમ છે.