Page Views: 9573

સુરતમાં આજથી રાત્રી કરફ્યુનો કડક અમલ- આવશ્યક સેવાઓ યથાવત રહેશે- પોલીસ કમિશનર

કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે કરફ્યુનો અમલ કરાશે- લોકો પોતાના ઘરોમાં જ રહે તે હિતાવહ

સુરત-21-111-2020

સુરત શહેરમાં આજે રાત્રીના નવ વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે શહેરીજનોને કરફ્યુનો ચુસ્ત અમલ કરવા માટે અપીલ કરી છે. રાત્રી કરફ્યુ સુરત શહેરમાં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી અમલમાં રહેશે. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે સુરત શહેરમાં આવશ્યક સેવાઓને કરફ્યુમાં મુક્તિ આપવામાં આવી છે પરંતુ લોકોને બિન જરૂરી રીતે શહેરમાં ઘરથી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અન્યથા શહેર પોલીસ દ્વારા કરફ્યુ ભંગ કરનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી તાકીદ પણ કરવામાં આવી છે. સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાત્રી કરફ્યુના અમલથી હોટલ રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર એકત્ર થતી ભીડને કારણે સ્થિતિ વધારે ન વણસે તેના માટે કરફ્યુનો અમલ કરવામાં આવશે.

ખાસ કરીને શહેરીજનો પોતાના ઘરોમાંથી બહાર ન નીકળે એ જોવાનું રહેશે જો ઘરના ઓટલા પર પણ લોકો ટોળે વળીને બેઠા હશે તો પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. શહેરીજનોને દૂધ અને શાકભાજીનો પુરવઠો રાબેતા મુજબ મળી રહે તેના માટે આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. રાત્રે નવ વાગ્યા પહેલા લોકો પોતાના ઘરે પહોંચી જાય એ પ્રકારે તમામ કારખાના યુનિટો અને અન્ય વ્યવસાયકારોને પણ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે. લગ્ન સમારોહ કે અન્ય કોઇ પણ પ્રકારે લોકો એકત્ર થાય એવા સમારોહમાં સ્થાનિક પોલીસની પરવાનગી પણ લેવાની રહેશે અને મહત્તમ મર્યાદામાં જ લોકોને એકત્ર થવા માટે છૂટ આપવામાં આવશે એવુ પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે.