Page Views: 9641

અડાજણ ગામની મહિલા તલાટી લાંચ લેતા ઝડપાઇ

વિધવા મહિલાના ગરીબ પુત્ર પાસેથી વચેટીયા કાંતિ પટેલ મારફત લાંચની માંગણી કરી હતી- એસીબીએ દબોચી લીધી

સુરત-14-11-2020

સુરત શહેરની સરકારી કચેરીઓમાં લાંચનું દુષણ એટલી હદે વકર્યુ છે કે, કોઇ સરકારી કચેરીમાં બે નંબરના વ્યવહાર કર્યા વગર સામાન્ય કામ પણ થતા નથી. આવી જ એક ઘટના અડાજણ ગામમાં બની છે. અડાજણની મહિલા તલાટી પોતાના વચેટીયા મારફત લાંચ લેતા ઝડપાઇ છે અને તેના ઘરેથી પણ એસીબીને લાંચ પેટે લીધેલા રોકડા રૂપિયા હાથ લાગ્યા છે.

એસીબી પાસેથી મળતી વિગતો અનુસાર,  સુરતના પાલનપોર અને અડાજણ ગામની તલાટી હિરલ ધોળકીયા અને વચેટીયો 1 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. પેઢીનામુ બનાવવા માટે 1 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથે પકડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, તલાટીનો મહિના પગાર 19750 છે. એસીબીની ટ્રેપમાં પકડાયા બાદ તપાસ કરતા મહિલા તલાટીના ટેબરના ડ્રોવર અને ખુરશીની ગાદીમાંથી રોકડા 96 હજાર પણ મળી આવ્યા હતા. અડાજણના દાળીયા સ્કૂલની બાજુમાં સિટી તલાટીની ઓફિસમાં એસીબીની ટીમે શુક્રવારે ધનતેરસના દિવસે ટ્રેપ ગોઠવી 1 હજારની લાંચ લેતા તલાટી હિરલ નવીનચંદ્ન ધોળકીયા(ઉ.વ.32) (રહે.હરિકુંજ-2, નાના વરાછા) અને વચેટિયો કાંતિ ગોવિંદ પટેલ (રહે.માસ્તર ફળિયું, જૂનાગામ) રંગેહાથે પકડાયા હતા. તલાટીને નોકરીના 4 વર્ષ થયા છે. નિયમ પ્રમાણે સરકારી ઓફિસમાં બેસીને પ્રાઇવેટ વ્યક્તિ કામ કરી શકતો ન હોય છતાં પકડાયેલો વચેટિયો કાંતિ પટેલ છેલ્લા 20 વર્ષથી તલાટીની ઓફિસમાં પેઢીનામું, આવકનો દાખલો સહિતના કામો કરી બેનંબરી કમાણી કરતો હતો. તલાટીને 5 વર્ષ સુધી ફિક્સ પગાર 19,750 હતો. વિધવાનું અડાજણમાં મકાન છે અને તે મકાન નામે કરવા પેઢીનામું બનાવવાનું હતું. પેઢીનામું બનાવવા માટે વિધવાનો દીકરો ગયો ત્યારે વચેટિયા કાંતિ પટેલે લાંચ માંગી હતી. માંડ પેટીયું રળીને ખાતા હોય અને તેમાં પણ 1500ની લાંચ માંગતા રકઝક બાદ 1 હજાર આપવાનું નક્કી કર્યું હતું. મૂળ અમરેલી જિલ્લાની વતની અને નાના વરાછા ખાતે રહેતી તલાટી હિરલ ધોળકીયા એક હજાર રૂપિયાની લાંચ પકડાયા પછી એસીબીએ ઓફિસમાં સર્ચ કર્યું હતું. જેમાં ટેબલના ડ્રોઅર તેમજ ટેબલની નીચે ઉપરાંત ખુરશીની ગાદીમાં સંતાડેલી નવી ચલણી નોટોમાં 2 હજાર, 500 અને 100ના દરના કુલ રૂપિયા 96 હજાર મળી આવ્યા હતા.