Page Views: 7467

આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો.9થી 12ની શાળાઓ શરૂ કરવા નિર્ણય

બીજુ સત્ર 150થી 155 દિવસનું રહેશે

ગાંધીનગર-11-11-2020

માર્ચ મહિનાથી રાજ્યમાં વકરેલા કોરોનાના કેસને કારણે તમામ શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, દિવાળી વેકેશન બાદ તુરંત ધોરણ 9થી 12 અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે બીજા સત્રનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવશે.  

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ – 9થી 12ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓ અને કોલેજો શરૂ થશે, પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થશે. તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે. કોલેજમાં પ્રથમ મેડીકલ, પેરામેડીકલના વર્ગ શરૂ થશે. સ્નાતક કક્ષાએ ફાઈનલ યરના વર્ગ શરૂ કરાશે. કોલેજો અને સ્કૂલોમાં આચાર્યએ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓને મંજૂરી માટે એક ફોર્મ અપાશે.  સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે, પરંતુ બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે. અત્રે નોધનીય છે કે, દિવાળી બાદ શાળા કોલેજ ચાલુ કરવા માટે આજે ગુજરાત સરકાર નિર્ણય જાહેર કરવાની છે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમાએ દિવાળી પછી સ્કૂલો ખૂલવાની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે મુખ્યમંત્રી નિવાસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં આજની કેબિનેટ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવાની હતી તેના વિશે વિચાર વિમર્શ થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ SOP અંગે પણ માહિતી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને રાજ્યમંત્રી વિભાવરી બહેન દવેએ આ નિર્ણયની વિગતો આપી હતી. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય ન બગડે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગે ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા શરૂ કરીને સફળતા પૂર્વક અમલ પણ કર્યો છે.