Page Views: 2199

લતાજીને પહેલીવાર પાશ્વ ગાયક તરીકે તક આપનારા સંગીતકાર ગુલામ હૈદર

માત્ર 44 વર્ષની ઉમરે ગુલામ હૈદરનું અવસાન થયું હતું

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

જુના જમાનાના સંગીતકાર ગુલામ હૈદર સાહેબની ૬૭મી પુણ્યતિથિ. ૯ નવેમ્બર, ૧૯૫૩ના રોજ માત્ર ૪૪ વર્ષની વયે આ પ્રતિભાશાળી સંગીતકારનું નિધન થયું હતું.તેઓ ફિલ્મો બોલતી થઇ ત્યારથી, ૧૯૩૨થી ૧૯૫૩ સુધી પ્રવૃત્ત હતા. તેમણે ભારત અને આઝાદી પછી પાકિસ્તાનમાં સંગીતકર્મ કર્યું હતું. તેમણે શરૂઆતી ફિલ્મ સંગીતનું સ્વરૂપ બદલ્યું હતું. તે માટે શાસ્ત્રીય રાગ અને બોલમાંથી ફિલ્મ સંગીતને સરળ-સુગમ બનાવી તથા પંજાબી લોક સંગીતના તાલનો ઉપયોગ કરી તેઓ સફળ થયા. સંગીતકારોનું સ્ટેટસ ઊંચું લાવવામાં પણ તેમનો ફાળો હતો. જાણીતા ગાયિકા લતા મંગેશકરને પહેલીવાર પાશ્વગાયન કરાવવાનું માન પણ તેમને આપવું જોઈએ. ૨૦૧૩માં પોતાના ૮૪મા જન્મ દિને ખુદ લતાજીએ આ વાત મુલાકાતમાં જણાવી હતી.‘ગુલામ હૈદર ખરેખર મારા ગોડફાધરહતા’, એવું લતાજીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જયારે અન્યોએ મને રીજેક્ટ કરી હતી ત્યારે હૈદરજીએ મારા પર ભરોસો કરીને મને આત્મવિશ્વાસ અપાવ્યો હતો.’ પોતાની શરૂઆતી અસ્વીકૃતિ યાદ કરતાં લતાજીએ કહ્યું હતું કે ગુલામ હૈદર પહેલાં સંગીતકાર હતા જેમણે મારી આવડત પર સંપૂર્ણ ભરોસો મુકીને મારો અનેક નિર્માતાઓ સાથે પરિચય કરાવ્યો હતો. જેમાં ત્યારના મોટા નિર્માતા એસ. મુખર્જી પણ સામેલ હતા. જયારે તેમણે પણ મારો અવાજ નાપસંદ કર્યો ત્યારે વધારે ઝનૂનથી હૈદર સાહેબે મુખર્જીથી પણ મોટા બેનર બોમ્બે ટોકીઝને સંમત કરીને મજબૂર’ (૧૯૪૮) માટે મારી સ્વીકૃતિ કરાવી હતી.

ગુલામ હૈદર સાહેબના આરંભની ઓછી વિગતો મળે છે. એક વિગત મુજબ ૧૯૦૮માં (હાલ પાકિસ્તાનના) પંજાબના નારોવાલમાં ગુલામજીનો જન્મ થયો હતો.તેમનું શાળાકીય શિક્ષણ પુરું કરીને ગુલામ દાંતના ડોક્ટર બન્યા હતા. સંગીત પ્રત્યેની રુચિને કારણે તેઓ બાબુ ગણેશલાલ પાસે સંગીત શીખ્યા હતા. સંગીતના પ્રેમે તેમને પરિવારના વિરોધ છતાં,ડેન્ટીસ્ટની કરિયર છોડાવી હતી.તેઓ પહેલાં કોલકાતામાં અંગ્રેજી નાટકોની મંડળીમાં પિયાનોવાદક બન્યા અને પછીજેનાફોન રેકોર્ડીંગ કંપનીમાં સંગીતકાર બન્યા હતા. લાહોરના પંચોલી સ્ટુડીઓમાં જાણીતા ગાયિકા ઉમરાવ ઝીયા બેગમના ગીતો તેમણે સ્વરબદ્ધ કર્યા અને પછી તેમને પરણ્યા પણ ખરા. રોશનલાલ અને રૂપકુમાર શોરેની બાપ-દીકરાની જોડીએ હૈદરને ફિલ્મ સંગીતકાર બનાવ્યા. ત્યાર બાદ એ.આર.કારદારે ગુલામ હૈદરને સ્વર્ગ કી સીરહી’ (૧૯૩૫)માં સંગીત આપવાની તક આપી. તેમની પહેલી રજૂ થયેલી ફિલ્મ પંચોલીની પંજાબી ફિલ્મ ગુલ--બકાવલીહતી, જેમાં નૂરજહાં અભિનય કરતાં હતાં. ‘ખજાનચી’ (૧૯૪૧) એમની પહેલી સફળ ફિલ્મ હતી. તેનું ગુલામ અને શમશાદ બેગમે ગાયેલું યુગલ ગીત સાવન કે નઝારે હૈખુબ જાણીતું થયું હતું. ફિલ્મ સંગીતને શાસ્ત્રીય રાગોમાંથી બહાર લાવીને મુક્ત સંગીતને કારણે ખજાનચીનું સંગીત સફળ થયું અને તેને કારણે અન્ય સંગીતકારો પણ એવાં ગીત-સંગીત તરફ વળ્યા. નૂરજહાંની પહેલી ફિલ્મ ખાનદાન’ (૧૯૪૨)નું હૈદરનું સંગીત પણ લોકપ્રિય થયું, તેવું જ પૂંજીનું થયું. હવે ગુલામ હૈદર ટોચના સંગીતકાર હતા. તેઓ વર્ષે ત્રણ-ચાર ફિલ્મો કરતા. હૈદર મુંબઈ આવ્યા. ત્યાં હુમાયું’ (૧૯૪૫)નું સંગીત હીટ થયું. તેમણે નવા ગાયિકા લતા મંગેશકરને મજબુર’ (૧૯૪૮)માં ફિલ્મ માટે પહેલી વાર ગવડાવ્યું. પછી શહીદઅને કનીઝપણ સફળ થઇ.

આઝાદી પછી ગુલામ હૈદર લાહોર પરત થયાં. તેમની પહેલી પાકિસ્તાની ફિલ્મ શાહિદાઆવી. પછી બેકરાર’, ‘અકેલીઅને ભીગી પલકેંસહિતની ફિલ્મો આવી પણ નિષ્ફળ નીવડી. તેમની છેલ્લી ફિલ્મ ગુલનાર’ (૧૯૫૩) રજૂ થવાના થોડા દિવસ પહેલાં જ હૈદર મૃત્યુ પામ્યા.