Page Views: 9448

સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરા અને જિલ્લા ભાજપના પ્રમુખ પદ પર સંદીપ દેસાઇની વરણી

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પેટા ચૂંટણીના પરિણામ પહેલા જ સંગઠન માળખામાં ફેરફારો સાથે પ્રમુખોની નિયુક્તિ કરી

સુરત-9-11-2020

રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવતી કાલે જાહેર થાય તે પહેલા જ ભારતિય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા લાંબા સમયથી અટકેલી શહેર જિલ્લાના પ્રમુખોની વરણીનો ગંજીપતો ચીપ્યો છે. સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાલાના સ્થાન પર સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે માજી મેયર નિરંજન ઝાંઝમેરાની વરણી કરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં સહકારી આગેવાન એવા સંદીપ દેસાઇને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સુરત શહેર જિલ્લા ઉપરાંત રાજ્યમાં કુલ 39 પ્રમુખોની રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લા કક્ષાએ નિયુક્તિ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, પાટીદાર આંદોલન વખતે સામા પ્રવાહે તરવા જેવી સ્થિતિ હતી ત્યારે નીતિન ભજીયાવાલાની આગેવાનીમાં સુરત શહેર વિધાનસભા વિસ્તારની તમામ સિટ ભારતિય જનતા પાર્ટીના ઉમેદવારોએ કબજે કરી હતી. હવે આગામી દિવસોમાં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મુળ સંગઠનના જ માણસ ગણાતા એવા નિરંજનભાઇ ઝાંઝમેરા સામે ફતેહ મેળવવા માટે પડકારો છે. જો કે, તેમની કાર્ય ક્ષમતા અને કાર્યકરો સાથેનું જે બોન્ડીંગ છે તે ખુબ જ મજબુત છે તેના કારણે તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વ્યુહ રચનામાં કોઇ મોટી સમસ્યા રહેશે નહીં એવુ માનવામાં આવે છે. નિરંજન ઝાંઝમેરાને સુરત શહેર ભાજપના પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવતા કાર્યકરોએ અને ભાજપના અગ્રણીઓ એ તેમને અભિનંદન પાઠવ્યા છે.