Page Views: 2296

ગુજરાતમાં ફાધર વાલેસ માટે તેમનું એક કાયમી સ્મારક બને તો કેવુ સારૂ....

ગુજરાતી ભાષામાં નોંધપાત્ર અને માતબર પ્રદાન કરી 'સવાઈ ગુજરાતી' બનનારા ફાધર વાલેસે ગુજરાતની ત્રણ-ત્રણ પેઢીનું ઘડતર કર્યું

અમદાવાદ- રમેશ તન્ના દ્વારા

ફાધર વાલેસ (પૂરું અને સાચું નામ કાર્લોસ જી. વાલેસ એસ જે)નું ફાધર હેરેડેરોએ આપેલી માહિતી પ્રમાણે 8મી નવેમ્બર, 2020ના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે બે વાગ્યે સ્પેનમાં અવસાન થયું. 

હજી હમણાં ચોથી નવેમ્બરના રોજ તેમણે 95 વર્ષ પૂરાં કરીને 96મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ થોડા સમય પહેલાં પડી ગયા હતા અને તેમને ઈજા થઈ હતી. ફાધર વાલેસ ગુજરાત અને ગુજરાતીઓને ખૂબ ચાહતા હતા તો ગુજરાતીઓ પણ તેમને હૃદયથી આદર આપતા હતા. તેમણે 1990માં માતાની સેવા કરવા  ગુજરાત છોડ્યું હતું અને માદરે વતન મેડ્રિડ (સ્પેન)માં રહેતા હતા. 

ફાધર વાલેસે પોતાનું 'નાઈન નાઈટ્સ ઈન ઈન્ડિયા' પુસ્તક કાકાસાહેબ કાલેલકરને અર્પણ કરતા લખ્યું છે કે, ઈન મેમરી ઓફ કાકા કાલેલકર, હૂ અન્ડરસ્ટૂડ મી. એટલે કે કાકા કાલેલકરને જેઓ મને સમજી શક્યા હતા. 

રમેશ તન્ના સાથે ફાધર વાલેસ...

શું સમજ્યા હતા ફાધર વાલેસ વિશે કાકાસાહેબ કાલેલકર ? 

એ જાણવા આપણે અમદાવાદના કવિવર ઉમાશંકર જોશીના નિવાસસ્થાન 'સેતુ'માં જવું પડશે. ઉમાશંકર જોશી અને કાકા કાલેલકર પરસાળમાં બેસીને વાતો કરતા હતા. એ વખતે ફાધર વાલેસ પણ ત્યાં ગયા. વાતચીતમાં કાકાસાહેબ કાલેલકરે તેમને કહ્યું હતું કે, લોકો મને અને તમને બંનેને સવાઈ ગુજરાતી તરીકે ઓળખે છે, પરંતુ તમે મારા કરતાં ચડિયાતા છો. મારી માતૃભાષા તો મરાઠી, તે ગુજરાતી ભાષાની ભગિની ભાષા, જ્યારે તમે તો સ્પેનના. તમારી ભાષાને ગુજરાતી ભાષા સાથે કોઈ સંબંધ ન હોવા છતા તમે આ ભાષાને આત્મસાત કરીને અને તેનું ગૌરવ વધાર્યું. 

એકસોથી વધારે પુસ્તકો લખનારા ફાધર વાલેસે ખરેખર ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું હતું. કોઈ વિદેશી વ્યક્તિ ગુજરાતીને આટલા ઊંડાણથી આત્મસાત કરી શકે તે નવાઈ લાગે તેવી વાત છે. જો પન્નાલાલ પટેલને ગુજરાતી સાહિત્યનો ચમત્કાર કહેવાતા હોય તો ફાધર વાલેસને પણ, જરા જુદી રીતે, ગુજરાતી ભાષા-સાહિત્યના ચમત્કાર જ ગણવા પડે. 

તેમનો જન્મ સ્પેનના લોગ્રોનોમાં ચોથી નવેમ્બર, 1925ના રોજ થયો હતો. મૂળ નામ વાલેસ કાલોસ જોસેફ. માતાનું નામ મારિયા અને પિતાનું નામ જોસેફ. 1941માં તેમણે એસએસસી કર્યું. 1945માં ગ્રીક વિષય સાથે બી.એ. થયા અને 1949માં તત્વજ્ઞાન વિષય સાથે બીજી વખત સ્નાતક થયા. 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. 

તેમની વય દસ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેનિસ આંતરવિગ્રહને કારણે તેમનું ઘર છૂટી ગયું અને ચર્ચમાં તેઓ શરણાર્થી તરીકે રહ્યા હતા. માત્ર 15 વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી.  

1949માં તેમને ચેન્નાઈ (એ વખતનું મદ્રાસ) મોકલવામાં આવ્યા. અહીં તેમણે ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. કર્યું. 1960માં તેમને ગુજરાત, અમદાવાદ મોકલવામાં આવ્યા. જે દિવસે ગુજરાત પ્રદેશ મુંબઈ રાજ્યમાંથી છૂટો થયો એ જ દિવસે એટલે કે પહેલી મે, 1960ના રોજ મુંબઈથી ટ્રેનમાં બેસીને, સોરી જગ્યા નહોતી મળી તેથી ઊભા ઊભા તેઓ અમદાવાદ આવ્યા હતા. જાણે કે, નિયતિનો સંકેત હતો કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ રહી છે અને ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરવા માટે એક માણસ એ જ દિવસે ગુજરાતમાં આવે છે.

ફાધર વાલેસ 1960થી 1982 સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક હતા. તેમણે ગુજરાતી ભાષા-સાહિત્યમાં જેટલું પ્રદાન કર્યું છે તેટલું પ્રદાન ગણિત વિષયમાં પણ કર્યું છે તેની બહુ ઓછા લોકોને ખબર છે. ગુજરાતી ભાષામાં તો તેમણે પોતાની આગવી, સરળ, સહજ અને કોઈ પણ વ્યક્તિને તરત જ સમજાઈ જાય તેવી ગદ્યશૈલીમાં ખૂબ લખ્યું અને લાખો ગુજરાતીઓના હૃદયમાં તેઓ સ્થાન પામ્યા, પરંતુ ગણિતમાં પણ તેમણે માતબર પ્રદાન કર્યું. પ્ર.ચુ. વૈદ્યના નેજા હેઠળ ગુજરાતમાં નવું ગણિત આવ્યું તેમાં નવા ગણિતની ગુજરાતીમાં નવી પરિભાષાઓ અને નવા શબ્દોનું સર્જન તેમણે કરેલું. 

તેમનું પ્રથમ પુસ્તક આવ્યું, સદાચાર 1961 પછીના કોઈ વર્ષમાં. (ચોક્કસ વર્ષ જાણવા મળતું નથી.) ફાધરે ઘરેથી પૈસા મંગાવીને આ પુસ્તક છપાવ્યું હતું કારણ કે, કોઈ પ્રકાશકને આ પુસ્તકમાં રસ જ નહોતો પડ્યો. એક પ્રકાશકે તો 'સદાચાર' શિર્ષક વાંચીને જ અણગમાથી પુસ્તકને બાજુ પર મૂકી દીધું હતું. એ પછી તો ગુર્જરે તેનું પુનઃ પ્રકાશન કર્યું હતું. 

ગુજરાત સમાચાર અખબારમાં કોલમમાં તેમની 'નવી પેઢીને' નામની કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. મૂલ્યનિષ્ઠા સાથેની વાત કરીને યુવાનોને આકર્ષવાના હોય તે લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે ફાધર વાલેસ તેમાં જબરજસ્ત સફળ થયેલા. તેમની કોલમ નવી પેઢીમાં ખૂબ વંચાતી. એ વખતે એવું કહેવાતું કે ગુજરાતના યુવાનોને બે ફાધર છે. એક બાયોલોજીકલ અને બીજા વૈચારિક ફાધર તે ફાધર વાલેસ. આ હદે તેમણે ગુજરાતના યુવાનોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. સ્વસ્તિક એડ એજન્સીના માલિક અજયભાઈ કાપડિયાએ એક વખત કહ્યું હતું કે, એ વખતે બજારમાં નવાં નવાં જીન્સનાં પેન્ટ આવેલા. તેની જાહેરખબર ફાધર વાલેસની કોલમની બાજુમાં જ છપાય તેવો આગ્રહ રખાતો. આવી હતી યુવાનોમાં ફાધર વાલેસની લોકપ્રિયતા.

રઘુવીર ચૌધરી કહે છે, ફાધર વાલેસ કાકાસાહેબના કુળના જીવન ચિંતક છે. કાકાસાહેબની જેમ એ કવિ નથી, પણ નવ રસની પણ ઉપર જેને સ્થાન મળી શકે એ વાત્સલ્ય એમને સહજ છે. રસિકતાની ઉણપ આ અસીમ વાત્સલ્યથી પૂરાય છે. 

ફાધર વાલેસ ગુજરાતી ભાષા એટલી સરસ રીતે શીખ્યા કે એમાં એકરૂપ થઈ ગયા. શરૂઆતનાં વર્ષોમાં વલ્લભ વિદ્યાનગર હોસ્ટેલમાં રહ્યા ત્યારે વિદ્યાર્થીઓને સાંભળી સાંભળીને ગુજરાતી ભાષા શીખતા ગયા. એ પછી તો ગુજરાતી ભાષામાં માહેર થયા. તેમણે પોતે એક સાદી છતાં અસરકારક ગદ્યશૈલીનું સર્જન કર્યું. ટૂંકાં ટૂંકાં વાક્યો અને સહજ અભિવ્યક્તિ. વાચકોને તેમની શૈલી, તેમના વિચારો, તેમનું જીવન દર્શન ખૂબ ગમ્યું. જોતજોતામાં તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગયા. સદાચાર પછી, જીવન જીવતાં, સાધકની આંતરકથા, શબ્દયોગ, લગ્નસાગર, પરદેશ, મૃગચર્યાના લાભ, સમાજ ઘડતર, આત્મિય ક્ષણો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો, તરૂણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી, જીવન ઘડતરના ધ્યેયથી, સમાજમંગલ, કુટુંબ મંગલ, એમ તેમણે સતત લેખન કર્યું. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ તેમણે લખ્યું છે. તેમને ગુજરાતી ભાષામાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે 1966માં કુમારચંદ્રક અને 1998માં રણજિતરામચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત તેમને 1995માં કાલેલકર એવોર્ડથી પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા.

તેઓ ધર્મે ખ્રિસ્તી હતા, પરંતુ વાણી અને વિચારમાં નરસિંહ મહેતાએ જેવી કલ્પના કરી છે તેવા સાચા વૈષ્ણવજન હતા. તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને ખૂબ જ પ્રેમથી આત્મસાત કર્યાં હતા. મૃદુભાષી. એટલું મીઠું ગુજરાતી બોલે કે લોકોને વારંવાર સાંભળવાનું મન થાય. તેમની જીભ ઉપર સ્થાન પામીને ગુજરાતી ભાષા પણ ધન્યતા અનુભવે એવું આપણે કહી શકીએ. એમાંય દિલથી... એ તેમનો તકિયા કલામ. દિલથી શબ્દ બોલે ત્યારે જાણે કે તેમનું આખું હૃદય આપણને ખોબામાં ધરી દેતા હોય તેવી અનુભૂતિ થાય. 

તેઓ પરંપરાગત લેખક નહોતા. શૈલીમાં અને વર્તન બંનેમાં. તેઓ લોકોના જણ હતા. ભાષા જેટલી જ લોકાભિમુખતા તેમના જીવન અને વર્તનમાં હતી. હજારો યુવાનો પત્રો લખીને તેમની સમક્ષ પોતાની ગૂંચવણ કે મુંઝવણ રજૂ કરી શકતા. યુવતીઓ તેમની પાસેથી નિઃસંકોચ માર્ગદર્શન લઈ શકતી. 

એક જગ્યાએ તેમણે લખ્યું છે, હું સવારે વિદ્યાર્થીઓના ટોળામાંથી પસાર થઈને વર્ગમાં જાઉં છું ત્યારે બધાના ચહેરા ઉપર જુદા જુદા ભાવ અંકાયેલા દેખું છું. જાણું છું કે એકને ઘેર દુઃખ છે, બીજાને અભ્યાસની ભારે ચિંતા છે, ત્રીજાને આર્થિક મુશ્કેલીઓ છે. અને મારા હોઠ ઉપર હું સ્મિત લાવું (કોઈ વખત એ માટે સભાન પ્રયત્ન કરવો પડે તો પણ), મનમાં ને મનમાં ભગવાનને યાદ કરીને તેના દિવ્ય પ્રેમનો પડઘો પાડવા પ્રયત્ન કરું, ત્યારે એ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર પણ આપોઆપ સ્મિત ખીલતાં જોઉં છું. એકને આશ્વાસનની એક-બે વાતો કરી એટલે એનું દુઃખ કંઈક ઓછું થયું, બીજાને ઉત્તેજન આપ્યું એટલે એનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ત્રીજાને પ્રેમથી ચેતવણી આપી એટલે એ સમજીને સામો આભાર માનીને ફરીથી એવી ભૂલ ન કરવાનો દિલનો નિર્ણય એણે બતાવ્યો.

એ દિવસોમાં તેમણે આખા ગુજરાતને તેમણે પોતાનું કરી લીધું હતું. તેઓ વ્યાખ્યાનો પણ આપતા. ધીમે ધીમે બોલતા અને શ્રોતાઓના હૃદય સુધી ભાવને પહોંચાડતા. તેમને સાંભળવા આખું ગુજરાત આતુર રહેતું. 

તેમનું સાદુ જીવન હતું. સાયકલ ઉપર ફરતા. અમદાવાદ શહેરે ફાધર વાલેસ ઉપરાંત, બચુભાઈ રાવત, કે.કા. શાસ્ત્રી, પ્ર.ચુ. વૈદ્ય, મહેન્દ્ર મેઘાણી, દશરથભાઈ શાહ, નગીનદાસ પારેખ વગેરેને સાયકલ પર જૈફવય સુધી ફરતા જોયા છે. એ રળિયામણાં દ્રશ્યો યાદ કરીને આજે પણ અમદાવાદ શહેર હરખાતું હશે. 

તેમણે 1973થી અમદાવાદની પોળોમાં વિહાર યાત્રા આરંભી હતી. મધ્યમ વર્ગના પરિવારો પાસે આતિથ્યની ભિક્ષા માંગીને તેમની સાથે તેઓ તેમની જેમ જ રહ્યા. થોડાં થોડાં દિવસે ઘર બદલીને રખડતા મહેમાન તરીકે તેઓ લોકોની સાથે, તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી એ રીતે રહેતા. જેના ઘરે રહેવા જાય તેમનાં તમામ કામો પણ કરી આપે. ઘોડિયામાં સૂતેલા બાળકોને હિંચકા પણ નાખે. આજે તમને અનેક લોકો એવા મળી આવે જે કહે કે, મને ફાધર વાલેસે ઘોડિયામાં સૂવાડીને હિંચકા નાખેલા છે. તેઓ એવી રીતે રહે કે તેમનો કોઈને સહેજ પણ ભાર ન લાગે. તેમનું વ્યક્તિત્વ જ એવું સરળ હતું. વિહાર યાત્રાના અનુભવો ત્રણ ભાગમાં પ્રકાશિત થયા છે તે વાંચવા જેવા છે.

ગુજરાત તો મારું બીજું ઘર છે એવું કહેતા ફાધર વાલેસને ગુજરાત ખૂબ ગમતું. તેઓ કહેતા કે હું જ્યારે જ્યારે ગુજરાત આવું છું ત્યારે ત્યારે મારા ઘરે આવ્યો હોવ તેવી અનુભૂતિ કરું છું. ઉંમરલાયક થયેલાં માતાની સેવાચાકરી કરવા માટે ફાધર વાલેસે ગુજરાત છોડેલું અને માદરે વતન ગયેલા. જે ઉંમરે તેમને સેવાચાકરીની જરૂર હતી તે ઉંમરે તેમણે માતાની સેવાચાકરી કરેલી. 

ધર્મ વિશેની તેમની સમજણ ખૂબ જ વ્યાપક અને ઉદાર હતી. તેમના વિચારોમાં કોઈ પણ પ્રકારનું બંધિયાણપણું કે સંકુચિતતા દેખાતી નહોતી. તેમને સર્વધર્મોમાં આંતરરાષ્ટ્રીય સંવાદિતા પ્રસ્થાપિત કરવા માટે 1997માં રાધાકૃષ્ણ એવોર્ડ એનાયત કરાયો હતો. 

1999માં 74 વર્ષની વયે તેમણે સ્પેનિસ અને અંગ્રેજી ભાષામાં પોતાની વેબસાઈટ શરૂ કરી હતી. વર્ષો સુધી નિયમિત રીતે તેઓ વેબસાઈટ (www.carlosvalles.com)નું સંચાલન કરતા અને વાચકોને પ્રશ્નોના ઉત્તરો પણ આપતા. છેલ્લે તેઓ 2015માં ગુજરાતની મુલાકાતે આવ્યા. સુરતમાં તેમને ગોવિંદભાઈ ધોળકિયાની માતુશ્રીની સ્મૃતિમાં મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત થયેલો. (આઠમી ફેબ્રુઆરી, 2015) એ વખતે અમદાવાદમાં પણ તેમના કેટલાક યાદગાર કાર્યક્રમો થયા હતા. એ પહેલાંની ભારતની મુલાકાતમાં પણ ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે મળીને યોજાયેલા કાર્યક્રમોમાં ગુજરાતભરના તેમના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદની મેઘાણી પીઠમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. તેમના ચાહકો વારંવાર માંગ કરતા હતા કે અમારે ફાધરને રૂબરૂ મળવું છે. ફાધરના ચાહકો તેમને રૂબરૂ મળી શકે તે માટે યોજાયેલા એ કાર્યક્રમમાં, કોઈ લગ્નનું રિસેપ્શન હોય તે રીતે લોકો લાંબી લાઈનમાં ઊભા રહેલા અને વારાફરતી ફાધરને મળેલા. ફાધર વાલેસ અને તેમના ચાહકો માટે એ યાદગાર અવસર હતો. 

ફાધર વાલેસ માત્ર લેખક નહોતા, તેઓ સાચુકલા પાદરી હતા, સાચુકલા સંત હતા. તેમણે ગુજરાત પ્રદેશ અને ગુજરાતી ભાષા સંસ્કૃતિને ખૂબ ચાહ્યાં અને તેઓ સવાઈ ગુજરાતી બની ગયા. 

તેમનાં પુસ્તકો જીવન ઘડતરનું મોટું બળ બને તેવાં છે. તેમની ભાષા ભારેખમ નથી અને તેઓ બોધ કે ઉપદેશ આપતા નથી. ઉદાહરણો આપીને તેઓ સરસ રીતે વાત કરે છે. લગ્નસાગર નામનું તેમનું પુસ્તક તો એટલું બધું લોકપ્રિય થયું હતું કે લગ્ન પ્રસંગે વર્ષો સુધી એ જ પુસ્તક ભેટ અપાતું રહ્યું. ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયના અધિપતિ મનુભાઈ શાહ કહે છે કે, 1967માં ચીમનભાઈ ત્રિવેદી ફાધર વાલેસને લઈને ગુર્જરમાં આવેલા. તેઓ મારા મોટા ભાઈ કાંતિભાઈને મળેલા. ગુર્જરે તેમનું લગ્નસાગર પુસ્તક પહેલાં સાદી રીતે અને પછી આકર્ષક રીતે છાપ્યું. એ પછી તો ફાધર વાલેસ અને ગુર્જરનો નાતો અતૂટ રીતે બંધાઈ ગયો. ગુર્જર અધિકૃત રીતે તેમનાં ગુજરાતી પુસ્તકોના પ્રકાશક બની રહ્યા. છેલ્લા થોડાં વર્ષોમાં તો તેમણે પોતાની તમામ રોયલ્ટી સારા કાર્યમાં વાપરવા માટે ગુર્જરને લેખિતમાં સંમતિ આપી હતી. તેમની ઈચ્છા પ્રમાણે એ રકમ સદ્કાર્યોમાં વપરાતી જ રહી છે. 

ફાધર વાલેસે જે રીતે ગુજરાતી ભાષાને આત્મસાત કરી તેની ઘણા લોકોને ખૂબ નવાઈ લાગે છે. આ એક અચરજનો વિષય છે. પારકી ભૂમિનો માણસ કોઈ ભાષાને આટલી સરસ રીતે આત્મસાત કરી શકે તે નવાઈ લાગે તેવી બાબત છે. ફાધર વાલેસે ગુજરાતી ભાષા વિશે શબ્દલોક નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે. (તેનું નવું નામ છે, વાણી તેવું વર્તન) ગુજરાતી ભાષા સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિએ આ અનિવાર્યપણે વાંચવું જોઈએ તેવું પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે ગુજરાતી ભાષાને જુદી જુદી રીતે જોઈ અને મૂલવી છે. ભાષા વિશેની આખી સમજણ જ બદલાઈ જાય તેવું આ પુસ્તક તમામ ભારતીય ભાષાઓમાં ભાષા વિશે લખાયેલા પુસ્તકોમાં શિરમોર કહી શકાય તેવું છે. એક મુલાકાતમાં ફાધર વાલેસે કહ્યું હતું કે, મારું સૌથી પ્રિય આ પુસ્તક છે. 

જીવન જ્યાં લઈ જાય ત્યાં હું જઉં છું એવું કહેનાર ફાધર વાલેસે જીવનમૂલ્યો લખીને પણ રજૂ કર્યાં અને જીવી પણ બતાવ્યાં. ગુજરાત પ્રદેશ, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પ્રજાને એ સદનસીબ છે કે આવો એક સારસ્વત તેને મળ્યો. 

ગુજરાત કાયમ માટે ફાધર વાલેસનું ઋણી રહેશે. આવનારી પેઢીઓ તેમના કાર્યથી પરિચિત થાય તે માટે ગુજરાત તેમની સ્મૃતિમાં કાયમી, તેમના નામ અને કાર્યને શોભે એવું સ્મારક કરે તો કેવું સારું ?

ઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋ

ભિખેશ ભટ્ટ દ્વારા ફાધર વાલેસની મુલાકાત લેવામાં આવી ત્યારની તેમની યાદ સ્વરૂપે તસ્વીરો...

અમદાવાદ - ભિખેશ ભટ્ટ દ્વારા 

ફાધર વાલેસ એક સર્જક તરીકે હતા, એટલી જ ઊંચી કોટિના એ માનવ પણ હતા... "ગુજરાત સમાચાર"માં એમની યુવાનો માટે ચાલતી કોલમ મેં વર્ષો સુધી નિયમિત વાંચી છે, અનેક યુવાનોના જીવન ઘડતરમાં એ ઉદ્દાત વાંચનનો મૂલ્યવાન ફાળો છે...એમણે અમદાવાદ રહેતા હતા ત્યારે એક વિશિષ્ઠ અભિયાન આદર્યું હતું. કોઈ પણ ભાવકનું આમંત્રણ સ્વિકારી ફાધર એમને ઘેરે થોડાં દિવસ રહેવા જતા. એમાં એક શરત પણ રહેતી કે જે બોલાવે એ લોકો જેમ અને જેવી સ્થિતિમાં જ ફાધર પણ રહે., કોઈ વિશેષ સુખ સગવડ એમના માટે નહીં કરવાના.  

યજમાન ઘરના લોકો ઠંડા પાણીયે નાહતા હોય તો ફાધર પણ ઠંડા પાણીયે જ સ્નાન કરે. કોઈ વિશેષ ભોજન - વાનગી પણ એમના માટે નહીં બનાવવાના. આ ઉપક્રમ નિમિત્તે ફાધરે ગુજરાતનાં આમ લોકો સાથે સંવાદ સાધ્યો. લોકોની રહેણી, કરણી, સ્થિતિ, સંજોગ, સંસ્કાર, સંસ્કૃતિ, ભાવનાઓ, વિચારો, સુખ દુઃખ વગેરે બધું ખૂબ રાસ લઇ જાણ્યું, એમાં સહભાગી થયા, વૈચારિક આદાન - પ્રદાન કર્યું અને એ બધાં અનુભવોના અસધારે ખૂબ લખ્યું પણ ખરૂં. હું ભુલતો નાં હોઉં તો " ઘેર ઘેર માટીના ચૂલા " નામનું એમનું પુસ્તક આ અનુભવો ઉપરથી લખાયું છે. ગુજરાત સાથેના એમના આત્મીય સંબંધો આપણે ભૂલી નહીં શકીએ. એક વિદેશી માણસ ગણિતના પ્રોફેસર તરીકે ગુજરાતના શિક્ષણ જગતની નોંધપાત્ર સેવા કરે અને ગુજરાતી સાહિત્ય જગતને પણ આટલું રળિયાત કરે એવો સવાયા ગુજરાતી શ્રી ફાધર વાલેસનો બહુ દુર્લભ દાખલો હશે. એમની સંત સમાન જીવની અને ચેતનાને વંદન....

....નિવૃત્તિ પછી  અમદાવાદ છોડ્યા બાદ એકવાર ફાધર અમદાવાદ આવ્યા ત્યારે એમના પુત્રવત ચાહક અને યજમાન શ્રી દેવેન્દ્ર પીરે મને,  રમેશ તન્નાને, વિવેક દેસાઈ,  ડૉક્ટર બાવીશી વગેરે અનેક લોકોને  ફાધરને મળવાની અનુકૂળતા કરી આપી હતી...

 

 

.... ત્યારે ખબર નહોતી કે ફાધર સાથેની એ મુલાકાત મારે માટે છેલ્લી બની રહેશે. ભાઈ વિવેક દેસાઈએ એ અવસરે લીધેલી ફાધર સાથેની મારી કેટલીક તસવીરો અહીં એક લાખેણા સ્મરણ રૂપે શેર કરું છું.