Page Views: 7267

સામી દિવાળીએ અંકલેશ્વરમાં રૂપિયા ચાર કરોડના દાગીના અને રોકડની લૂંટ

ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપનીમાં સવારે ત્રાટકેલા લુંટારા રિવોલ્વરની અણીએ કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી નાસી છુટ્યા

અંકલેશ્વર-9-11-2020

દિવાળીના દિવસો નજીક આવતાની સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લુંટફાટ અને ચોરીની ઘટનાઓ બનવાની શરૂઆત થઇ જાય છે. આજે સવારે અંકલેશ્વર ખાતે એક ગોલ્ડ પર ફાઇનાન્સ આપતી કંપનીમાં ત્રાટકેલા લુંટારૂઓ સનસનાટીભરી લુંટ ચલાવીને નાસી છુટતા પોલીસ દોડતી થઇ ગઇ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંધૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂંટારા ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમા 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. બે લૂંટારૂઓના હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું અને 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાચ અને SOGની ટીમો લૂંટારાઓને શોધવામાં લાગી છે. ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે એ સહિતની તમામ માહિતી લૂંટારાઓ પાસે હતી, જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.