Page Views: 3638

ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા આયોજિત ‘આત્મનિર્ભર મહિલા એકઝીબીશન’ના બીજા તબકકાનો ડીસીપી ભાવના પટેલના હસ્તે ભવ્ય શુભારંભ

આજથી યોજાયેલા બીજા તબકકાના એકઝીબીશનમાં મહિલા સાહસિકો દ્વારા કુલ ૪પ સ્ટોલ પ્રસ્તુત કરવામાં આવ્યા

સુરત-07-11-2020 

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા આત્મનિર્ભર મહિલા અભિયાન અંતર્ગત ‘આત્મનિર્ભર મહિલા એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનના બીજા તબકકાનો આજ રોજ શુભારંભ થયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સુરતના નાયબ પોલીસ કમિશનર ભાવના પટેલ (આઇપીએસ)ના હસ્તે આ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આજથી તા. ૯ નવેમ્બર ર૦ર૦ સુધી ત્રણ દિવસ માટે આ એકઝીબીશન ધમધમશે. ખરીદદારોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને એકઝીબીશનનો સમયગાળો સવારે ૧૦:૩૦થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

નાયબ પોલીસ કમિશનર ભાવના પટેલ (આઇપીએસ)એ જણાવ્યું હતું કે, દેશની દરેક મહિલા આત્મનિર્ભર બને તે ખૂબ જ જરૂરી છે. આ એકઝીબીશન થકી મહિલાઓએ સાબિત કર્યું છે કે મહિલાઓ પોતાની સ્કીલનો ઉપયોગ ઘરે બેઠા બેઠા પણ કરી શકે છે. આ એકઝીબીશનમાં મહિલા સાહસિકોને વિના મૂલ્યે સ્ટોલ ફાળવીને ચેમ્બરને જે અવસર પુરો પાડયો છે તે ખૂબ જ આવકારદાયક છે. આને કારણે દિવાળી ટાણે મહિલાઓ પોતાની પ્રોડક્‌ટનું વેચાણ કરી શકશે અને સમાજને પણ યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ પણ પુરુષ સમોવડી બનીને પરિવારની આર્થિક જવાબદારી ઉઠાવી શકે અને પગભર થઇ શકે તેના માટે ચેમ્બર દ્વારા આ એકઝીબીશન થકી મહિલા સાહસિકોને પ્લેટફોર્મ પૂરુ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન પૂનમ દેસાઇએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનના આત્મનિર્ભરના વિચારને લેડીઝ વીંગ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. જેના થકી દરેક મહિલા આત્મનિર્ભર બનશે અને પરિવારને આર્થિક મદદ કરશે તો દેશનો વિકાસ થશે.

આજના ઉદ્‌ઘાટન પ્રસંગે લેડીઝ વીંગના સેક્રેટરી નમ્રતા દેસાઇએ પ્રાસંગિક વિધી કરી હતી. જેમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયા, ચેમ્બરની લેડીઝ વીંગના કો–ચેરપર્સન રમા નાવડીયા તથા ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. બંદના ભટ્ટાચાર્ય, વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતી શેઠવાલા અને કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આજથી યોજાયેલા બીજા તબકકાના એકઝીબીશનમાં મહિલા સાહસિકો દ્વારા કુલ ૪પ સ્ટોલ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મહિલા સાહસિકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને તા. ૧૦, ૧૧ અને ૧ર નવેમ્બર ર૦ર૦ના રોજ ત્રીજા તબકકામાં પણ અન્ય ૪પ સ્ટોલ ફાળવવામાં આવશે.

ઉપરોક્‌ત એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા દિવાળી સમયે ખાણીપીણીની ચીજવસ્તુઓ તેમજ સજાવટની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં મસાલા, તોરણ, દિવા, હેન્ગીંગ, હોમ મેઇડ કાજુકતરી, ડ્રાયફૂ્રટ ચીકી, ફરસાણ, મુખવાસ, ચોકલેટ, હોમ મેઇડ સ્નેક્‌સ, વિવિધ ચેવડા, સેવ, ઇન્સ્ટન્ટ કોકો પાવડર, મોહનથાળ, સાડી, ડોરમેટ, ટેબલ કલોથ્સ, આર્ટિફિશીયલ જવેલરી, ખાણીપીણીની ચીજવસ્તુઓ, કુર્તિ, પ્લાઝો, લેગીન્સ, ટી શર્ટ, ડેકોરેશન આઇટમ, મઠીયા અને ચોળાફળી, પીવીસી, દિવાળી કંદીલ, બામ્બુ, ગાયના છાણમાંથી બનેલ હેન્ડીક્રાફટ, ફૂ્રટ સીરપ, ડાયફ્ર્રટ – ઓર્ગેનીક, દિવાળી ડેકોરેશન, કોડીયા, વુડન અને પ્લાસ્ટીકની રંગોળી, નારિયેળની રેસાની બનાવટ સુશોભનની વસ્તુઓ, અંધ ભાઇ–બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓ જેવી કે અગરબત્તી અને દિવડા, ઓર્નામેન્ટ અને નાસ્તાપુરી, લેડીઝ કપડાં, એક્રેલિક રંગોળી, ક્‌લોથ એન્ડ જ્વેલરી, મેરેજ માટે ગીફટ માટેની બેગ, કીડ્‌સ વેર, લેડીઝ વેર, જેન્ટસ ટ્રેક શૂટ, ટી શર્ટ, ઇકો ફ્રેન્ડલી એડીબલ સ્પુન, ડ્રેસ મટિરિયલ અને હેન્ડ મેઇડ જ્વેલરીનો સમાવેશ થાય છે.