Page Views: 2083

લંડનની કોર્ટે નિરવ મોદીના જામીન સાતમી વખત ફગાવ્યા

રૂપિયા 13 હજાર કરોડના પીએનબી કૌભાંડમાં પ્રત્યાર્પણના પ્રયાસો તેજ કરાયા

લંડન-30-10-2020

લંડનની એક કોર્ટે ભાગેડુ નિરવ મોદીની જામીન અરજી સાતમી વાર ફગાવી દીધી છે. ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે 13 હજાર કરોડની છેતરપિંડી કરી નિરવ અને તેના કાકા મેહુલ ચોકસી ભારતથી ફરાર થઇ ગયા હતા.  સીબીઆઇએ મોકલેલા પ્રત્યાર્પણ રિપોર્ટના આધારે તેની ગઇ તા. 19મી માર્ચે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી.  સીબીઆઇના એક અધિકારીના જણાવાયા અનુસાર સીબીઆઇ, વિદેશ મંત્રાલય તથા યુનાઇટેડ કિંગ્ડમની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ વચ્ચે બહેતર સંકલનના કારણે નિરવ મોદીની જામીન અરજી ત્યાંની અદાલત દ્વારા સતત ફગાવવામાં આવી રહી છે. આ પહેલાં લંડનની વેસ્ટમિન્સટર કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ ચાર વખત તેની જામીન અરજી ફગાવી ચૂક્યા છે. તે પછી નિરવ મોદીએ લંડનની હાઇકોર્ટમાંથી બે વખત જામીન મેળવવા પ્રયાસ કર્યા હતા પરંતુ એક પણ વખત તેને સફળતા મળી ન હતી. તેણે વેસ્ટમિન્સટરની કોર્ટમાં સાતમી વખત અરજી કરી હતી પરંતુ તે પણ ફગાવી દેવામાં આવી છે. મોદી સામે આરોપ છે કે તેણે પંજાબ નેશનલ બેન્ક દ્વારા લેટર્સ ઓફ અન્ડર ટેકિંગ જારી કરાવાની પ્રક્રિયા માટે લાંચ આપી હતી અને 6498 કરોડનાં જાહેર નાણાંની ઉચાપત કરી હતી. નિરવ મોદીએ ભારતની એજન્સીઓથી બચવા માટે વિચિત્ર દલીલો કરી હતી. તેણે પોતે ભારતમાં સલામત નહીં હોય, ભારતની જેલોની સ્થિતિ બદતર છે અને પોતે બહુ ડિપ્રેશનમાં હોવા સહિતની કેટલીય દલીલો રજૂ કરી હતી. જોકે, કોઇ તબક્કે અદાલતે તેની એકપણ દલીલ સ્વીકારી નથી.ભારત દ્વારા નિરવને પરત લાવવાના પ્રયાસોને વધારે તેજ કરવામાં આવ્યા છે.