Page Views: 2460

બાપા અને કનોડિયા બંધુને શ્રધ્ધાંજલી પાઠવી વડા પ્રધાન કેવડિયા જવા રવાના

બાપા અને કનોડિયા બંધુના પરિવારને સાંત્વના પાઠવી

ગાંધીનગર-30-10-2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ગુરુવારે ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલના નિધનને પગલે પીએમ મોદીના કાર્યક્રમમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગરમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના ઘરે પહોંચીને પીએમએ કેશુભાઈના પરિવારજનોને મળ્યા હતા એને સ્વર્ગસ્થ કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી ગુજરાતી ફિલ્મોના કલાકારો મહેશ અને નરેશ કનોડિયાના નિધનથી તેમના ઘર કનોડિયા મેન્સન ખાતે પણ ગયા હતા અને ત્યાં કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ કનોડિયા ભાઈઓના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી હતી. સવારે 9.45 કલાકે પીએમ મોદીનું વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યું હતું. ત્યાંથી સીધા મોટર માર્ગે તેઓ ગાંધીનગર પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ટોચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી વીવીઆઈપી ગેટથી મોટરમાર્ગે ગાંધીનગર જવા રવાના થયા હતા. કોરોના કાળમાં પીએમ મોદીએ તેમના પ્લેનમાંથી ઉતરતા જ માસ્ક પહેર્યું હતું અને તેમના આવકારવા  માટે ઉપસ્થિત સરકારના ટોચના નેતાઓ વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું હતું. રાજ્યના માજી મુખ્યમંત્રી કેશુબાપા અને નરેશ કનોડિયા તેમજ મહેશ કનોડિયાને શ્રધ્ધાંજલી પાઠવવા સાથે તેમના પરિવારને સાંત્વના આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા જવા રવાના થયા હતા.