Page Views: 3675

પત્નીને કરવામાં આવેલા રહેઠાણ અને રક્ષણના હુકમ વિરૂધ્ધ પતિએ કરેલી અપીલ નામંજૂર કરતી કોર્ટ

એક સાક્ષીનો પુરાવો આધારભૂત હોય તો અન્ય સાક્ષીના પુરાવાના સમર્થનની કોઇ આવશ્યકતા નથાઃ કોર્ટ

સુરત-29-10-2020

સુરતના ઓલપાડ ખાતે રહેતી કૃતિકાબેનના લગ્ન સુરતના વેડરોડ ખાતે રહેતા દિપેશ સાથે વર્ષ 2005માં થયા હતા. લગ્ન બાદ વર્ષ 2008માં કૃતિકા અને દિપેશને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. સ્ત્રી ધન લઇને સાસરીમાં રહેવા આવેલી કૃતિકાને તેનો પતિ અને સાસુ સસરા તેમજ નણંદ દ્વારા ત્રાસ આપીને ઘરેલુ હિંસા આચરવામાં આવતી હતી. સાથો સાથ દિપેશ દ્વારા પત્ની કૃતિકાનું માથું સગડીમાં નાંખી દેવાનો પ્રયાસ કરવા સાથે મારપીટ કરી ગળુ દબાવી દેવામાં પણ આવ્યું હતું. રોજની મારપીટ ઉપરાંત ત્રાસ ગુજારતા દિપેશે કૃતિકાને તેના ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મુકી હતી જેથી કૃતિકાએ પોતાના એડવોકેટ પ્રીતિબેન જોષી મારફત ભરણ પોષણ મેળવવા અરજી કરી હતી. કોર્ટે એડવોકેટ પ્રીતિ જોષીની દલીલોને ગ્રાહ્ય રાખીને પતિ દિપેશને એવો હુકમ કર્યો હતો કે, કૃતિકા જ્યાં રહે છે ત્યાં જઇને કોટુંબિક હિંસા થાય  એવુ કૃત્ય આચરવુ નહીં ઉપરાંત ઘરભાડા પેટે પતિ દિપેશે કૃતિકાને દર મહિને રૂપિયા ચાર હજાર, વળતર પેટે રૂપિયા 30 હજાર તેમજ અરજી ખર્ચ પેટે રૂપિયા પાંચ હજાર ચુકવી આપવા.

આ હુકમ સામે પતિ દિપેશ દ્વારા ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં કૃતિકાબેન તરફે એડવોકેટ પ્રીતિ જોષી હાજર રહ્યા હતા અને તેમણે એવી રજૂઆત કરી હતી કે, નામદાર ટ્રાયલ કોર્ટે યોગ્ય પુરાવાઓના આધારે અર્થઘટન કરીને હુકમ કર્યો છે. પતિ પોતાની આવક પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલા છે ભારતિય પુરાવાના કાયદા પ્રમાણે આવક સાબિત કરવાનો બોજો પતિ ઉપર રહેલો છે. પતિ અઅપીલમાં ચોખ્ખા હાથે આવેલો નથી. દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે જણાવ્યું હતું કે, એક સાક્ષીનો પુરાવો આધારભૂત હોય તો અન્ય સાક્ષીના પુરાવાના સમર્થનની કોઇ આવશ્યકતા રહેતી નથી. પતિએ માનસિક ક્રુરતાનું આચરણ કરેલુ હોય ઘરેલુ હિંસા આચરી છે પત્ની રહેઠાણની સુવિધા મેળવવા માટે પણ હકદાર છે.  અને પતિએ કરેલી અપીલને નામંજૂર કરવામાં આવે છે.