Page Views: 12134

સુરતના બિલ્ડરે કરજણના કોંગ્રેસી ઉમેદવારને રોકડા રૂ.25 લાખ મોકલ્યા- પોલીસે ઓફીસ પર દરોડા પાડી વધુ રોકડા રૂ.31 લાખ જપ્ત કર્યા

કરજણના ઉમેદવાર કિરીટસિંહ ચૌહાણને રોકડા રૂપિયા મોકલનાર બિલ્ડર અંગે ભરૂચ એલસીબીએ ઇન્કમટેક્સ અને સુરત ક્લેકટરને જાણ કરી

સુરત-28-10-2020

ભરૂચ એલસીબી દ્વારા ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમ્યાન સુરતના બિલ્ડરે વડોદરાના કરજણ ખાતેના ઉમેદવારને મોકલેલી રોકડ રકમ સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. પોલીસે બિલ્ડરની ઓફીસ પર દરોડા પાડીને વધુ રોકડ રકમ જપ્ત કરીને સુરત ઇન્કમટેક્સ અધિકારીઓ અને ક્લેક્ટરને પણ જાણ કરી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરતના સરથાણા ખાતે રિવેરા એટલાન્ટીસ નામનો પ્રોજેક્ટ ધરાવતા જયંતી નામના બિલ્ડરે કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને રોકડા રૂપિયા 25 લાખ મોકલ્યા હતા. ગત રોજ વડોદરાનો રવિ લક્ષમણ મોકરીયા અને દિપક દશરથસિંહ ચૌહાણ નામના બે યુવાન પોતાની કારમાં સુરતના બિલ્ડર પાસેથી રોકડા રૂપિયા 25 લાખ લઇને વડોદરા જઇ રહ્યા હતા. ત્યારે ભરૂચ ટોલનાકા પાસે એલસીબીની ટીમે વાહન ચેકિંગ દરમ્યાન આ બન્નેની કારમાંથી રોકડા રૂપિયા 25 લાખ ભરેલી થેલી ઝડપી પાડી હતી. બન્નેની પુછપરછમાં સુરતના બિલ્ડરે આ રૂપિયા કરજણના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે મોકલ્યાનું બહાર આવ્યું હતું. જેથી ભરૂચ એલસીબી દ્વારા સુરતના સરથાણા ખાતેની બિલ્ડરની સાઇટ રિવેરા એટલાન્ટીસ ઓફીસ પર દરોડા પાડીને ત્યાંથી રોકડા રૂપિયા 30 લાખ 95 હજાર કબજે કર્યા હતા. ભરૂચ એલસીબીની ટીમ દ્વારા આ તમામ રકમ જપ્ત કરીને સુરત ઇન્કમટેક્સ તેમજ ક્લેકટર ડો.ધવલ પટેલને જાણ કરી છે.