Page Views: 7508

લાજપોર જેલમાં મોબાઇલ ફોન વાપરવા સબબ નારાયણ સાંઇ સહિત પાંચ વિરૂધ્ધ ગુનો નોંધાયો

બાતમી આપ્યાનો વહેમ રાખી એક કેદી પર હુમલો

સુરત-24-10-2020

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાંઇ અને તેના જેલના અન્ય સાગરીતો પાસેથી  પાસેથી શંકાસ્પદ સ્થિતિમાં મોબાઇલ ફોન મળી આવતાં જેલ સત્તાધીશો તરફથી સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નારાયણ સાંઇને બીજી બેરેક ફાળવવામાં આવી હતી પરંતુ જે બેરેકમાંથી મોબાઇલ ફોન મળ્યો ત્યાંના ચાર કેદી સાથે નારાયણ શંકાસ્પદ રીતે હાજર મળી આવ્યો હતો અને તેણે ફોન પરથી વાત કર્યાની આશંકા પણ સેવાઇ રહી છે. 

જેલ સુપરિન્ટેન્ડન્ટ મનોજ નિનામાએ જણાવ્યું હતું કે એ/2, બેરેક નંબર ૫૫માં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. જેલમાં મોબાઇલ ફોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ જેલમાં મોબાઇલ ફોન ઘૂસાડવામાં આવ્યાની વાતને પગલે મંગળવારે વોચ રાખવામાં આવી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ ઝડતી સ્કવોડ ત્રાટકતાં જ ત્યાં નારાયણ ઉર્ફે નારાયણ સાંઇ આસુમલ હરપલાણી, ઉપરાંત આજીવન કેદની સજા પામેલા ખૂંખાર ગુનેગાર મુસ્તાક અસ્લમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગડીયા, તારીક કુત્બુદ્દીન સૈયાદ અને નવીન દલપત ગોહિલ સહિતના પાંચ કેદીઓ મળી આવ્યા હતા.

જેલ સ્કવોડ ઓચિંતી ત્રાટકી ત્યારે આ બધા એક જગ્યા ઉપર ટોળે વળ્યા હતા, પરંતુ પોલીસને જોતાં જ તેઓ હડબડાટમાં આમતેમ ભાગી ગયા હતા અને તેઓ કશું છુપાવવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગી આવ્યું હતું. નવીન ગોહિલે કોમન ટોયલેટ તરફ કોઇ વસ્તુ ફેંકી હોવાનો પણ ખ્યાલ આવ્યો હોઇ જેલ સ્ટાફ દ્વારા આખા બેરેકની ઝડતી લેવાઇ હતી. બિસ્તરથી લઇને તમામ વસ્તુઓ ચેક કરવામાં આવી હતી.બેરેક નંબર પાંચ અને ૬૬ વચ્ચેની કોમન ટોયલેટના દરવાજા પાસે જ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન બેટરી સાથે હતો. તેની અંદરથી સીમકાર્ડ જોકે કાઢી લેવાયું હતું. ઉપરનું ઢાંકણું પણ ન હતું. સ્પષ્ટ હતું કે કેદીઓ આ ફોનનો ઉપયોગ કરતા હતા અને ઝડતી સ્કવોડ આવ્યાનો ખ્યાલ આવી જતાં તેમણે સીમકાર્ડ કાઢી બેટરી લગાવી ઢાંકણું લગાવે તે પહેલાં જ સ્કવોડ આવી પહોંચતાં મોબાઇલ ટોયલેટ તરફ સરકાવી દીધો હતો. અનધિકૃત રીતે મોબાઇલ ફોન લાવવા અને તેનો ઉપયોગ કરવા બદલ નારાયણ સાંઇ સહિત પાંચેય વિરુધ્ધ સચીન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ મોબાઇલ ફોન ઉપર કોણે અને કોની સાથે વાત કરી છે તે જાણી શકાય તે માટે ફોન એફ.એસ.એલ.માં મોકલવા પોલીસને જેલ સત્તા દ્વારા લખવામાં આવ્યું છે.

)))))) બાતમી આપ્યાનો વહેમ રાખી એક કેદી પર હુમલો

બીજી તરફ જેલમાં મોબાઇલ ફોન મળી આવવાની ઘટના બાદ આ બાતમી લાજપોર જેલના  કેદી ભૂપત ભુરા ચૈહાણે આપી હોવાની શંકા રાખી તેની ઉપર હુમલો કરાયો હતો. ૨૦મીએ ઝડતી સ્કવોડને મોબાઇલ ફોન પકડાઇ જતાં મુસ્તાક પરમાર, પરેશ ઉર્ફે પાંચો જોગડીયા, તારીક કુતુબુદ્દીન સૈયદ અને નવીન દલપત ગોહિલે બીજાં દિવસે સાથી કેદ ભૂપત ચૌહાણને ઘેર્યો હતો. આ કેદી ઉપર ચારેયે હુમલો કરી દઇ પોતાને પકડાવી દેવાની શંકા રાખી માર માર્યો હતો. તે સાથે બાળકોને પણ મારી નાંખવાની ધમકી આપવામાં આવતાં પોલીસે નારાયણસાંઇ સિવાય બીજા ચાર વિરુદ્ધ મારામારી અને ધમકી અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આ મામલે પણ પોલીસ દ્વારા હવે આ તમામની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવશે.