Page Views: 2593

ચેમ્બરની રજૂઆતને પગલે કરિયાણા અને લાર્જ ફોર્મેટ રિટેલ સ્ટોર્સ રવિવારે પણ ખુલ્લા રાખવા દેવા પાલિકાએ પરવાનગી આપી

સ્ટોર્સ સંચાલકોએ કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કરાવવાનું રહેશે

સુરત. 17-10-2020

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી મોટા કરિયાણા સ્ટોર્સ / લાર્જ ફોર્મેટ રીટેલ સ્ટોરને રવિવારે પણ ચાલુ રાખવાની સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ– ૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવાની શરત સાથે સુરત શહેરમાં મોટા કરિયાણા સ્ટોર્સ / લાર્જ ફોર્મેટ રીટેલ સ્ટોરને રવિવારે પણ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. 

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯ની વર્તમાન પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાની સમય સૂચકતાને કારણે શહેરીજનો, કોવિડ– ૧૯ની મહામારીની ગંભીર સ્થિતિમાંથી મહદ્દઅંશે સુરક્ષિત રહયાં છે. આ અનુસંધાને શહેરમાં આવેલા વિવિધ મોલમાં રવિવારે ભારે ભીડ ન થાય એ કારણસર સુરત મહાનગર પાલિકા દ્વારા રવિવારના રોજ તમામ મોલ અને મોટા રીટેલ સ્ટોર્સ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

જો કે, હાલમાં શહેરમાં કોવીડ–૧૯ની મહામારીની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. તદુપરાંત દિવાળી ટાણે ગ્રાહકોની ખરીદી પણ નીકળતી હોય છે. આવા સંજોગોમાં રવિવારે અનાજ–કરિયાણાની મોટી દુકાનો તથા મોલ સિવાયના મોટા રીટેલ આઉટલેટ જો બંધ રહેશે તો સુરતની આર્થિક સ્થિતિને ઘણો મોટો ફટકો પડી શકે તેમ છે. સુરતમાં આવેલા કરિયાણાના સ્ટોરધારકો દ્વારા આ અંગે ચેમ્બરને રજૂઆત કરવામાં આવી હતી. આથી ચેમ્બર દ્વારા તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીને લેખિતમાં રજૂઆત કરી તેમની સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી હતી. 

ચેમ્બરની રજૂઆતના હકારાત્મક પ્રત્યુત્તરમાં મનપા કમિશનરે કોવિડ– ૧૯ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન હેઠળ ઉપરોકત સ્ટોર્સને રવિવારના રોજ પણ ચાલુ રાખવાની પરવાનગી આપી છે. કમિશનરના આ હકારાત્મક અભિગમને ચેમ્બર આવકારે છે અને તેમનો આભાર પણ પ્રગટ કરે છે. દરમ્યાન આજ રોજ કરિયાણાના સ્ટોરધારકોએ ચેમ્બરની સફળ રજૂઆત માટે પ્રમુખને અભિનંદન આપ્યા હતા.