Page Views: 23333

ટ્રાઇસ્ટાર હોસ્પિટલના ડોક્ટર મણકાનું ઓપરેશન કર્યા બાદ ગળાના ભાગે કપડું ભુલી ગયા

બેદરકાર ડોક્ટર વિરૂધ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની માંગણી

સુરત-17-10-2020

સુરત શહેરના નાનપુરા ટી એન્ડ ટીવી હાઇસ્કૂલ સામે આવેલી ટ્રાયસ્ટાર હોસ્પિટલના ડોક્ટર મૌલિક પટેલ દ્વારા ડીંડોલી ઉમિયા નગર ખાતે રહેતા દશરથ શિવરામ પટેલ નામના આધેડનું મણકાનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ઓપરેશન વખતે ટીસ્યુ પેપર અને એક કપડાનો ટુકડો ડોક્ટર ગળાના ભાગે જ અંદર ભુલી ગયા હતા. દર્દીને આ ઓપરશેન બાદ ટાંકા પાક્યા હતા અને તેમને અસહ્ય પીડા ભોગવવાનો વખત આવ્યો હતો. બાદમાં ફરી વખત ઓપરેશન કરીને કપડાનો ટુકડો અને ટીસ્યુ પેપર બહાર કાઢવામાં આવ્યુ છે. આ મામલે દશરથભાઇએ પોતાના એડવોકેટ યશવંતસિંહ વાળા મારફથ અઠવા પોલીસમાં અરજી કરીને ડોક્ટર સહિતના તમામ જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરી બેદરકારી બદલ ધરપકડ કરીને પગલા  ભરવાની માંગણી કરી છે.

શરથભાઈ શિવરાજભાઈ પટેલને હાથ-પગના દુખાવા બાદ ફેમિલી ડોક્ટરની સલાહ બાદ દશરથભાઈ મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા ગયા હતા. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા. મણકાના સ્પેશિયાલિસ્ટને આ વિશે વાત કરતાં ઓપરેશન થયું છે એટલે એવું લાગે એમ તેમણે કહ્યું. તેમણે 3 દિવસ બાદ રજા આપી 10મા દિવસે ટાંકા કઢાવવા આવવાની સલાહ આપી હતી. રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપા પાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું. મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વાત કરતાં ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી. ડ્રેસિંગ બાદ પરુ નીકળવાનું વધી જતાં દશરથભાઈએ ફેમિલી ડોક્ટરને વાત કરી હતી, જેથી તેમણે સર્જનને બતાવવાનું કહેતાં તેઓ સર્જન ડોક્ટર પાસે ગયા હતા, જ્યાં CT સ્કેન કરાવતાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી. ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા. સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે અને મૃત્યુ પણ થઇ શકે છે, જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું.  આ મામલે ગંભીર બેદરકારી દાખવનારા  ડોક્ટર મૌલિક પટેલ સામે અઠવા પોલીસમાં દશરથભાઇએ પોતાના એડવોકેટ યશવંત સિંહ વાળા  મારફત ફરિયાદ નોંધવા અરજી કરી છે. પોલીસે દર્દીના પરિવારના નિવેદન લીધા છે અને હવે ડોક્ટરને પણ નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે અને ત્યાર બાદ જો બેદરકારી જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે.